ભારતનો ક્રિકેટર મનોજ તિવારી રાજકારણની પીચ પર: ટીએમસીમાં જોડાયો

ભારતીય ક્રિકેટર મનોજ તિવારી હવે રાજકારણમાં નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહૃાો છે. મનોજ તિવારી આજે હુગલીમાં યોજાયેલી એક રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયો.

આ અગાઉ મનોજ તિવારીએ ટ્વીટ કરીને જાણકારી પણ આપી હતી. તેણે ટ્વીટ કરીને કહૃાું હતું કે આજથી નવી સફરની શરૂઆત, તમારા પ્રેમ અને સમર્થનની જરૂર છે. હવેથી ઈન્સ્ટાગ્રામ પર આ મારી પોલીટિકલ પ્રોફાઈલ રહેશે.

હાવડામાં જન્મેલા ૩૫ વર્ષના મનોજ તિવારીએ ભારતીય ક્રિકેટ ટીમમાં વર્ષ ૨૦૦૮માં ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે મેચ જુલાઈ ૨૦૧૫માં રમી હતી. તે ભારત માટે ૧૫ ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.

એવી અટકળો છે કે મનોજ તિવારીને વિધાનસભા ચૂંટણીમાં હાવડાથી ટિકિટ મળી શકે છે. ૩૫ વર્ષના મનોજ તિવારીનો જન્મ હાવડામાં જ થયો હતો. છોટા દાદા નામથી ચર્ચિત મનોજ તિવારી પશ્ર્ચિમ બંગાળ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યો છે. આ ઉપરાંત આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમ માટે રમી ચૂક્યો છે.