ભારતનો પ્રભાવ તોડવા ચીની ડ્રેગન મૂર્ખ ઈરાનને હવે સળંગ ગળી જશે

લદાખ સરહદે ચીને આપણા વીસ જવાનોની હત્યા કરી ત્યારે અચાનક જ આપણે ત્યાં દેશપ્રેમનો ઊભરો આવી ગયેલો. ચીનના માલનો બહિષ્કાર કરીને ચીનને આર્થિક રીતે ફટકો મારીને બેહાલ કરવાની વાતોના ફડાકા શરૂ થઈ ગયેલા. દેશને આત્મનિર્ભર બનાવીને ચીનને બતાવી દેવાના હાકલા પડકારા શરૂ થઈ ગયેલા. સોશિયલ મીડિયા પર તો આ બધી વાતોનો એવો મારો ચાલ્યો કે, એવું જ લાગવા માંડેલું કે હવે ચીન ગયું કામથી. આ હાકલા પડકારા વચ્ચે મોદી સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો ને ચીનની કંપનીઓના થોડાક પ્રોજેક્ટ રદ કરી નાંખ્યા તેમાં તો ઓચ્છવ ઓચ્છવ થઈ ગયેલો. ચીને એવા કોઈ હાકલા પડકારા ના કર્યા ને કોઈ ફડાકા પણ ના માર્યા. તેના બદલે ઈરાન સાથે જંગી રોકાણનો કરાર કરીને આપણને તકલીફમાં મૂક્યા. આ કરારના કારણે ઈરાને ચાબહાર પ્રોજેક્ટમાંથી આપણને કોરાણે મૂકી દીધા ને આપણને બહુ મોટો આર્થિક ફટકો મારી દીધો.

એક રીતે જોઈએ તો આ કરાર દ્વારા હવે ઈરાન પણ ચીનના ખોળોમાં જઈને જ બેસી ગયું છે ને જ્યાં ચીન ઘૂસે ત્યાં આપણા માટે દરવાજા બંધ થઈ જાય છે એ જોતાં ભારતે ઈરાનના નામનું નાહી જ નાંખવાનું છે. ચાબહાર પ્રોજેક્ટના લીધે આપણે આર્થિક સદ્ધરતાનાં બહુ બધાં સપનાં જોયેલાં. એ બધાં સપનાં ચકનાચૂર થઈ ગયાં છે. ઈરાન પહેલાં આપણી સાથે જ હતું ને આપણું જ સાથી હતું. ચીને તો હજુ હમણાં તેની સાથે કરાર કર્યો, બાકી આપણી સાથે તો ઈરાનના સંબંધો વરસોથી સારા છે ને આપણે વરસોથી તેની સાથે ધમધોકાર વેપાર કરતા હતા. ભારત અને ઈરાન વચ્ચે સૌથી મોટો વેપાર ક્રૂડ ઓઈલનો હતો. ઈરાન ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર હતો અને ભારત ઈરાન પાસેથી દરરોજ 4.25 લાખ બેરલ ક્રૂડ ઓઈલ લેતું હતું. ભારત તેની ક્રુડ જરૂરિયાતના 25 ટકા ક્રૂડ ઈરાન પાસેથી ખરીદતું હતું . ભારત અને ઈરાન વચ્ચે વરસે 1200 કરોડ ડોલરનો ક્રૂડ ઓઈલનો કારોબાર હતો.

ભારતને ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવામાં ઘી-કેળાં હતાં એમ કહીએ તો ચાલે. ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રોના મામલે વરસોથી ઠેરી ગયેલી છે. તેના કારણે અમેરિકા ઈરાન પર સીધેસીધા ને યુનાઈટેડ નેશન્સ મારફતે જાતજાતના પ્રતિબંધો લગાવીને આર્થિક રીતે પાયમાલ કરી દેવા મથ્યા કરે છે. અમેરિકાના પીઠ્ઠુ દેશ તો ઈરાન સાથે કોઈ વ્યવહાર કરતા જ નથી પણ અમેરિકા બીજા દેશોને પણ ઈરાન સાથેના વ્યવહાર બંધ કરવા લુખ્ખી દાટી આપ્યા કરતું હતું. બરાક ઓબામાએ ઈરાન સાથેના સંબંધો સુધારવાની પહેલ કરી પછી અમેરિકાએ બીજા દેશોને ઈરાન સાથે વેપારની છૂટ આપેલી. તેનો સૌથી મોટો ફાયદો ભારતને થયેલો કેમ કે આપણને ઈરાન પાસેથી સસ્તા ભાવે ક્રૂડ મળવા માંડેલું. ઈરાન માટે પણ ભારત સાથે વેપાર કરવો સરળ હતો કેમ કે ભારત થોકબંધના ભાવે માલ ખરીદતું.

આ કારણે ઈરાન આપણને સસ્તું પેટ્રોલ આપતું ને ઉધાર આપતું. ડોલરના બદલે ભારતીય ચલણ પણ એ સ્વીકારતું તેથી આપણા માટે ઈરાન પાસેથી ક્રૂડની ખરીદી ફાયદાનો સોદો હતો. અમેરિકામાં ટ્રમ્પ આવ્યા ને તેમને ફરી ઈરાનને બરબાદ કરી દેવાનો સણકો ઉપડ્યો એટલે તેમણે ફરી પ્રતિબંધો ઠોકી દીધા. અમેરિકાએ રીતસરની લુખ્ખાગીરી કરીને ભારત સહિત આઠ દેશોને ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદવા ફરમાન કર્યું. ભારત સિવાય ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ગ્રીસ, ઇટાલી, તાઇવાન અને તુર્કી એ આઠ દેશોને થોકબંધ ક્રૂડ ઓઈલ જોઈએ છે. ઓબામાના સમયમાં અમેરિકાએ આ આઠ દેશોને ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવાની છૂટ આપી હતી. ટ્રમ્પને ઈરાન સાથે વાંકું પડ્યું તેમાં તેણે ફરી ઈરાન પર સંપૂર્ણ પ્રતિબંધ ઠોકી દીધો ને ભારતને ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરવા ફરમાન કર્યું.

ઈરાનને એ વખતે ભારત સહિતના દેશોની જરૂર હતી. ઈરાને ભારતને ક્રૂડઓઈલ તથા બીજો વેપાર ચાલુ રાખવા રીતસરની આજીજીઓ કરેલી. ભારત ક્રૂડ ઓઈલના બદલામાં ઘઉં કે બીજી જે પણ ચીજ આપે એ લેવાની પણ ઈરાનની તૈયારી હતી. ભારત માટે એ સોદો ફાયદાનો હોઈ શકે એમ હતો. અમેરિકાને તાબે થવાના બદલે ઈરાન સાથેનો સંબંધો ચાલુ રાખવાની જરૂર હતી. ને ઈરાન સાથેનો વેપાર બંધ કરી દીધો. ઈરાન સાથેનો વેપાર ચાલુ રહ્યો હોત તો આપણને તમામ પ્રકારનાં ઉત્પાદનો માટે મોટું બજાર મળ્યું હોત ને સસ્તામાં ક્રૂડ મળતું હોત એ નફામાં. ઈરાનની વસતી સાડા આઠ કરોડની છે ને જીડીપી દોઢ ટ્રિલિયન છે. આપણી વસતી ઈરાન કરતાં 15 ગણી વધારે છે ને છતાં આપણે ત્રણ ટ્રિલિયનને પાર નથી થતા ત્યારે ઈરાન અમેરિકાના પ્રતિબંધો છતાં દોઢ ટ્રિલિયન જીડીપી ધરાવે છે. ઈરાનમાં માથાદીઠ આવક છ હજાર ડોલરની આસપાસ છે. આપણે 135 કરોડ થઈ ગયા ને હજુ માથાદીઠ આવક બે હજાર ડોલર કરતાં થોડીક વધારે છે ત્યારે ઈરાન આપણા કરતાં અનેકગણું સદ્ધર કહેવાય. ઈરાનમાં પરચેઝ પાવર પેરિટિ પ્રમાણે તો માથાદીઠ આવક 18 હજાર ડોલરની આસપાસ છે.

એ જોતાં ઈરાનીઓની ખરીદશક્તિ પણ જોરદાર કહેવાય. આ સંજોગોમાં આપણે બહુ મોટા પ્રમાણમાં ઈરાનમાં માલ ઠાલવીને માલામાલ થઈ શક્યા હોત પણ હવે તો મોટી તક હાથથી જતી રહી. અમેરિકાના પ્રતિબંધના કારણે આપણને બરાબરનું સંકટ ભોગવીએ છીએ. ભારતે ઈરાન પાસેથી સસ્તા ક્રૂડની ખરીદી બંધ કરીને અમેરિકાના પીઠ્ઠુ એવા સાઉદી અરેબિયા સહિતના બીજા દેશો પાસેથી મોંઘા ભાવે ક્રૂડ ખરીદવું પડે છે. તેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. ભારતમાં બધી ચીજોની હેરફેર માટે ડીઝલ વપરાય છે તેથી બધું મોંઘુંદાટ થઈ ગયું છે ને સરવાળે આપણી કમર તૂટી રહી છે. આપણું મોંઘું વિદેશી હૂંડિયામણ ક્રૂડ ખરીદવામાં વપરાઈ રહ્યું છે. જિનપિંગે અમેરિકાની ઐસીતૈસી કરીને ઈરાન સાથે 400 અબજ ડોલરના રોકાણનો કરાર કરી નાંખ્યો. આ કરાર 25 વર્ષનો છે. આ 25 વર્ષમાં ચીન ઈરાનમાં જુદાં જુદાં ક્ષેત્રોમાં જંગી રોકાણ કરશે. ચીનની કંપનીઓ ઈરાનમાં ધામા નાંખશે ને ચીનાઓને જંગી પ્રમાણમાં રોજગારી મળશે. ચીનની નાનામાં નાની વસ્તુઓ ઈરાનના બજારમાં ઠલવાશે ને બદલામાં ઈરાન તેને સસ્તા ભાવે ક્રૂડ આપશે.

જેના પર આપણો હક હતો ને ઈરાન જે આપણને આપવા માગતું હતું એ હવે ચીનને મળશે. ઈરાન ત જે કમાણી કરે છે એ બીજા દેશો પાસેથી જ કરે છે તેથી તેમાંથી થોડી કમાણી ચીન લઈ જાય તો તેને કઈ ફરક નથી પડતો પણ આપણે ઠન ઠન ગોપાલ થઈ ગયા. અમેરિકાએ ચીનને પણ ઈરાન સાથેના સંબંધોમાં આગળ નહીં વધવા ધમકી આપેલી જ પણ જિનપિંગ અમેરિકાને ઘોળીને પી ગયા. અમેરિકાની ધમકીનો જવાબ આપવાના બદલે તેમણે ઈરાન સાથે કરાર જ કરી નાંખ્યો. જિનપિંગે ભલે શબ્દો ના વાપર્યા પણ તેમણે અમેરિકાને કહી જ દીધું છે કે, અમારે જે કરવાનું હતું એ અમે કરી લીધું ને હવે તમારામાં તાકાત હોય એ કરી લો. જે તોડવું હોય એ તોડી લો ને જે બગાડવું હોય એ બગાડી લો, એક, બે ને સાડા ત્રણ. ચીનની આ દાદાગીરી સામે અમેરિકા કશું કરી શકવાનું નથી એ સૌને ખબર છે.

આપણે હિંમત બતાવી હોત તો અમેરિકા આપણું પણ કશું તોડી નહોતું શકવાનું. બહુ બહુ તો થોડાઘણાં પ્રતિબંધો મૂકે ને આપણને પરેશાન કરે પણ ફાયદો જોઈતો હોય તો તેના માટે તૈયારી રાખવી પડે. મોદીમાં એ હિંમત ના આવી તેમાં ઈરાન જેવો સાથી આપણે ગુમાવ્યો. મોદી કરતાં તો અટલ બિહારી વાજયેપી વહારે હિંમતવાળા કહેવાય કે, અમેરિકાની ઐસીતૈસી કરીને તેમણે 1998 માં પરમાણુ પરીક્ષણ કરી નાંખેલું. અમેરિકાએ એ વખતે ઢગલો પ્રતિબંધો ફટકારી બેસાડેલા પણ વાજપેયીએ મચક નહોતી આપી.