ભારતનો મહાન કુસ્તીબાજ સુશીલ ઉશ્કેરાટથી ખૂન કેસમાં ફસાઈ ગયો

આપણા દેશમાં જે લોકો સેલિબ્રિટી બની જાય છે એમનો અહંકાર પછી આસમાને પહોંચી જાય છે. સારી કાર કે નવું બાઈક ચલાવનારાને પણ જો રાય ભરાઈ જતી હોય તો જેઓ દેશમાં સિતારાની જેમ ચમકે છે એની તો શું વાત કરવી ! ભારતમાં મોટા ભાગના સ્પોર્ટ્સ પર્સન સૌજન્યશીલ છે ને મેદાન પર થોડાક તોફાન કે મજાક-મશ્કરી કરી લેતા હશે પણ મેદાન બહાર શાંત જીવન જીવતા હોય છે. સાવ વિવાદમાં ફસાય નહીં એવું તો નથી બનતું પણ એ બધા વિવાદો માનવસહજ હોય છે. એકદમ આઘાત લાગે ને સ્તબ્ધ થઈ જવાય એવી ગુનાઈત પ્રવૃત્તિઓથી આપણા મોટા ભાગના સ્પોર્ટ્સ પર્સન્સ દૂર રહે છે. વિદેશમાં તો ટોચના કહેવાય એવા સ્પોર્ટ્સપર્સન્સ ખૂન, બળાત્કાર જેવા ગંભીર અપરાધોમાં સંડોવાયા હોય ને દોષિત ઠરીને સજા ભોગવી હોય એવું બન્યું છે પણ આપણે ત્યાં કોઈ સ્પોર્ટ્સપર્સન એવા ગંભીર ગુનામાં સંડોવાયો હોય એવા કિસ્સા પણ આગળીને વેઢે ગણાય એટલા છે. આ કારણે જ કોઈ સ્પોર્ટ્સપર્સનનું નામ ગુનાઈત પ્રવૃત્તિમાં ખૂલે ત્યારે લોકોને મોટો આઘાત લાગી જતો હોય છે. કુશ્તીબાજ સુશીલકુમાર એક હત્યાના કેસમાં સંડોવણી અને હવે ધરપકડના કારણે લોકોને એવો જ આઘાત લાગેલો છે.
સુશીલની રાજધાની દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં સાગર ઘનખડ નામના કુસ્તીબાજની હત્યાના કેસમાં હમણાં ધરપકડ થઈ છે. સાગર ધનખડની વીસેક દિવસ પહેલાં એટલે કે 4 મે ના રોજ રોજ હત્યા કરાયેલી. આ હત્યામાં સુશીલ સંડોવાયેલો છે એવું બહાર આવતાં જ ખળભળાટ મચી ગયેલો. બીજી તરફ સુશીલ પોલીસથી બચવા માટે છૂમંતર થઈ ગયેલો ને પોલીસને રમાડ્યા કરતો હતો. દિલ્હીની પાસે આવેલાં પાંચેક રાજ્યોમાં એ ફર્યા કરતો ને સિમ કાર્ડ વિના ડોંગલથી ઈન્ટરનેટ કનેક્ટ કરીને વાત કર્યા કરતો તેમાં હાથ નહોતો લાગતો. પોલીસે સુશીલકુમારને વોન્ટેડ જાહેર કરીને તેના માથે એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યુ હતું.
આ ઈનામને કારણે સુશીલ વિશે માહિતી મળવી શરૂ થઈ ને ગાળિયો કસાવા માંડ્યો. પોલીસ ધીરે ધીરે તેની નજીક આવતી જતી હતી. ગયા શનિવારે સુશીલ દિલ્હીમાં તેની ગર્લફ્રેન્ડને મળવા આવેલો ને તેની બાતમી પોલીસને મળી પણ પોલીસ તેને પકડે એ પહેલા તે હરિયાણા બોર્ડર પાસે આવેલા મુંડકા જવા નિકળી ગયેલો. સુશીલ આ કેસમાં આગોતરા જામીન મેળવીને ધકપકડથી બચવા માટે પણ હવાતિયાં મારતો હતો. આ હવાતિયાંના ભાગરૂપે જ એ દિલ્હીથી મુંડકા ગયેલો એવું કહેવાય છે. પોલીસે તેનો પીછો કર્યો ને મુંડકાથી ભાગે એ પહેલાં તેને દબોચી લીધો. સોમવારે સુશીલને કોર્ટમાં રજૂ કરાયો પછી તેના છ દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કરાયા છે.
પોલીસ રીમાન્ડ દરમિયાન સુશીલ પાસેથી શું બહાર લાવે છે તેની ખબર રીમાન્ડ પૂરા થશે એ પછી એટલે કે આજકાલમાં પડશે પણ અત્યારે જે પણ વાતો આવી રહી છે ને જે પણ પુરાવા મળ્યા છે એ જોતાં સુશીલ સાગર ધનખડની હત્યામાં સંડોવાયેલો હોવાનું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. પોલીસ પાસે જે પુરાવા છે એ બિલકુલ મજબૂત છે ને આખા ઘટનાક્રમનાં સંદર્ભમાં આ પુરાવાને જોઈએ તો લાગે જ કે સુશીલ આ ગુનામાં સામેલ છે જ.
સુશીલ સામે જેની હત્યાનો આરોપ છે એ સાગર ધનખડ પણ કુસ્તીબાજ હતો ને 14 વર્ષની ઉંમરથી છત્રસાલ સ્ટેડિયમમાં સતપાલસિંહના હાથ નીચે તાલીમ લેતો હતો. છત્રસાલ સ્ટેડિયમમાં રેસલિંગ ટ્રેનિંગ સેન્ટરના કર્તાહર્તા સતપાલસિંહ છે. ગુરુ સતપાલ તરીકે જાણીતા સતપાલસિંહે ભારતમાં કુસ્તીબાજોના સૌથી મોટા ગુરુ એવા ગુરુ હનુમાન પાસેથી તાલીમ લીધી હતી ને એશિયન ગેમ્સ તથા કોમેનવેલ્થ ગેમ્સમાં ભારત માટે કુલ છ મેડલ જીત્યા છે. સતપાલસિંહે 1982ની એશિયન ગેમ્સમાં કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સતપાલની ગણના દેશમાં કુસ્તીના શ્રેષ્ઠ કોચ તરીકે થાય છે ને સુશીલ પણ તેમના હાથ નીચે જ તૈયાર થયો છે. સુશીલના લગ્ન સતપાલની પુત્રી સાવી સાથે થયાં છે. સાવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેનિસ રમી ચૂકી છે ને નેશનલ ટેનિસ ચેમ્પિયન રહી ચૂકી છે.
સુશીલ પોતે ઈન્ડિયન રેલવેમાં નોકરી કરે છે પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કુસ્તીબાદ હોવાથી દેશ માટે સારા કુસ્તીબાજ તૈયાર કરવાની ક્વાયતમાં પણ સામેલ છે. છત્રસાલ સ્ટેડિયમના રેસલિંગ ટ્રેઈનિંગ સેન્ટરમાં પણ તે ઓએસડી હતો ને કુસ્તીબાજાનો ટ્રેઈનિંગ આપતો હતો. સાથે સાથે ઉગીને ઉભા થતા છોકરામાંથી ક્યા દેશને ગૌરવ અપાવે તેવા કુસ્તીબાજ બનશે તેની પસંદગી કરવામા મદદરૂપ થતો. સાગર 2012માં સુશીલકુમારને કારણે જ પસંદ થયો હતો. સુશીલ અને તેના સસરા સતપાલસિંહ બંને સાગર ધનખડના ટેલેન્ટથી પ્રભાવિત થયા હતા.
સાગર રેસલિંગ ટ્રેનિંગ સેન્ટરની હોસ્ટેલમાં જ રહેતો હતો પણ એકાદ વર્ષ પહેલાં હોસ્ટલ ખાલી કરીને મોડેલ ટાઉનના એમ બ્લોકના ફલેટમાં રહેવા ગયો હતો. આ ફ્લેટ કોનો એ વિશે પોલીસ કશું સ્પષ્ટ નથી કહેતી પણ એવું કહેવાય છે કે, ફલેટની માલિક સુશીલની પત્નિ સાવી હતી. કેટલાક એવું પણ કહે છે કે, સુશીલના કોઈ સગાનો ફ્લેટ હતો ને સુશીલે જ એ ભાડે અપાવેલો પણ સાગર ભાડું પણ નહોતો આપતો ને ફ્લેટ ખાલી પણ નહોતો કરતો તેમાં સુશીલની છટકી ગઈ.
સુશીલે સાગરને વારંવાર ફલેટ ખાલી કરવા કહ્યું પણ સાગર મચક નહોતો આપતો તેમાં 4 મેની રાત્રે 11 વાગે સુશીલ પોતાના ચેલા-પાગ્યા એવા પહેલવાનો સાથે આ ફ્લેટ પર પહોંચ્યો હતો. સુશીલ પોતે નીચે કારમાં બેસી રહ્યો જ્યારે તેના ચેલા સાગર અને તેના બે મિત્રો સોનુ અને અમિતકુમારને બંદૂકની અણીએ નીચે લઈ આવ્યા. કારમાં ત્રણેયને છત્રસાલ સ્ટેડિયમમાં લઈ જવાયા ને સ્ટેડિયમના પાર્કિગમાં સાગર, સોનુ અને અમિતકુમારની બેફામ ધોલાઈ કરાઈ. ત્રણેય સાવ અધમૂઆ થઈ ગયા એટલે સુશીલ જતો રહ્યો. સ્ટેડિયમના સ્ટાફે ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કર્યા પણ સાગર ન જીવ્યો.
પોલીસે આ ઘટનાની પ્રાથમિક તપાસમાં સ્ટેડિયમના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા. પોલીસને ફૂટેજમાં સુશીલ પચ્ચીસેક પહેલવાનો સાથે સાગર ઘનખેડે અને તેના બે મિત્રોની લાત,મુક્કા અને દંડાથી ધોલાઇ કરતો દેખાયો. પોલીસે સીસીટીવીના આધારે સુશીલના જે ચેલકાઓને પકડ્યા તેમાં પ્રિન્સ પણ હતો. તેના મોબાઇલમાં ઉતારાયેલા આ ધોલાઈના વીડિયોમાં પણ સુશીલકુમાર હતો તેથી પોલીસ સુશીલને પકડવાના કામે લાગી ગયેલી. પોલીસે મોડું નહોતું કર્યું પણ પોલીસ પહોંચે એ પહેલાં સુશીલ ફરાર થઈ ગયેલો. એ પછી સુશીલ દિલ્હી, પંજાબ, યૂપી, ઉતરાખંડ અને હરિયાણામાં ફર્યા કરતો હતો તેથી પોલીસ બરાબરની ધંધે લાગેલી. પોલીસનાં નસીબ પાધરાં કે રવિવારે સુશીલને પોતાની ગર્લફ્રેન્ડને મળવાની માયા લાગી ઉપડી દિલ્હી આવ્યો તેમાં ફસાઈ ગયો.
સુશીલનું હવે શું થશે એ ખબર નથી પણ આ ઘટના આઘાતજનક તો છે જ. સુશીલ રેજીપેંજી પહેલવાન નહોતો પણ સેલિબ્રિટી હતો. આપણે ત્યાં મોટા મોટા ખેલાડી ઓલિમ્પિક્સમાં એક મેડલ જીતી શકતા નથી ત્યારે સુશીલે બબ્બે વાર ઓલિમ્પિક્સ મેડલ જીતેલા. 2008 ની ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારા સુશીલે 2012 ની ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચેલો. સળંગ બે ઓલિમ્પિક્સમાં વ્યક્ગિત રીતે મેડલ જીતનારો સુશીલ એક માત્ર ભારતીય ખેલાડી છે. સુશીલે આ પહેલાં 1998 માં વર્લ્ડ કેડેટ ગેમ્સમા ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે એશિયા લેવલની જુનિયર ચેમ્પિયનશીપમાં બે વાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થમાં તો તેણે સળંગ ત્રણ વાર ગોલ્ડ મેડલ જીત્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ સુશીલ ચેમ્પિયન બનેલો છે.
સુશીલે 2003 માં લંડનમાં કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને તેણે દેશને ગૌરવ અપાવવાની શરૂઆત કરી ને છેલ્લે 2018માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યાં લગીમાં સુશીલે ઢગલાબંધ મેડલ જીત્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટી ગણાતી સ્પર્ધાઓમાં જ તેના નામે સત્તર મેડલ બોલે છે. નાની-નાની સ્પર્ધાઓના મેડલ તો અલગ. 2011 માં સુશીલકુમારને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યો હતો. છેલ્લાં પંદર વર્ષથી તેનો કુસ્તીમાં દબદબો હતો. છેલ્લે 2018માં પણ તે ગોલ્ડ મેડલ જીત્યો હતો તેના પરથી જ તેની ટેલેન્ટનો ખ્યાલ આવી જાય. જો કે જે માણસ બે વાર ઓલિમ્પિક્સમાં મેડલ જીત્યો હોય તેની ટેલેન્ટ વિશે બીજું કશું કહેવાનું હોય જ નહીં.
સુશીલ પાસે નામ હતું ને દામ પણ હતા. સાવી જેવી સુંદર પત્નિ છે ને બે સુંદર સંતાનો છે. સસરા સતપાલ ગુરુ પણ લીજેન્ડ મનાય છે ને તેના કારણે સોશિયલ સ્ટેટસ પણ છે. કુસ્તીમાં તેનું સ્ટેટસ એક લીજેન્ડ જેવું છે ને યુવા કુશ્તીબાજો તેના જેવા બનવા માગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની નામના હતી. સુશીલને જે કંઈ મળ્યું એ બહુ ઓછા લોકોને મળે ને જે મળ્યું છે તેને સાચવવા લોકો બધું કરી છૂટતા હોય છે. સુશીલ તેને બદલે છિછરાપણામાં પડી ગયો ને સાવ નાની વાતમાં એક યુવાનનો જીવ લેવાની હદ સુધી ગયો એ શરમજનક કહેવાય. તમે સેલિબ્રિટી બનો પછી તમારે એક જવાબદારી સાથે વર્તવાનું હોય છે કેમ કે તમે લાખો લોકોના રોલ મોડલ બની જાઓ છો. યુવાનો તમારામાંથી પ્રેરણા લેતા હોય છે એ જોતાં તમારે ગૌરવપૂર્ણ રીતે વર્તવું પડે. સુશીલ સેલિબ્રિટી બન્યો પણ રોલ મોડલ નહી બની શકે એ કમનસીબી કહેવાય.