ભારતભરમાં ચીજ વસ્તુ ને મોહ બધું જ વિદેશી થવા લાગ્યું એ કઠણાઈ કહેવાય

લોકડાઉન દરમિયાન અને કોરોનાકાળના બે વર્ષ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓએ સૌથી વધુ કેનેડા, ઓસ્ટ્રેલીયા અને અમેરિકા માટે અરજી કરી. દિવસેને દિવસે આઈઈએલટીએસ અને બીજી પરીક્ષા માટે તૈયારી કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. ભણી લીધું હોય, લગ્ન કરી લીધા હોય, બાળકોના જન્મ થઇ ગયા હોય એવાં દંપતીઓ પણ ફોરેન જવાની પેરવીમાં હોય છે. ભારત આટલું અલ્ટ્રા-મોર્ડન થતું જાય છે છતાં પણ વિદેશનો મોહ છુટતો નથી. ‘સારી લાઈફ’ જોઈતી હોય તો ફોરેન સેટલ થવું જોઈએ એવું કહેનારા લોકોની સંખ્યા ઓછી નથી. આવું કેમ? નથી શિક્ષણ આધુનિક કરવું, નથી વાલીઓને તાલીમ આપવી, નથી નવા સાહસોને પ્રોત્સાહન આપવું, નથી નવી વ્યવસ્થા પદ્ધતિનો સ્વીકાર કરવો, નથી નાતજાત કે ધર્મ-કોમના ભેદભાવ મૂકવા, નથી એવી સીસ્ટમ અપનાવવી જેનાથી લોકો કંટાળે નહિ, નથી કોર્પોરેટ સેક્ટરને વ્યવસ્થિત ચેનલાઈઝ કરીને સ્ટ્રેસ-ફ્રી કરવું અને પછી છેલ્લા પાંચ દાયકાથી ‘બ્રેઈન ડ્રેઈન’ ના નામના છાજીયા કૂટવા છે તો ક્યાંથી ચાલે?

ભારતનું ટેલેન્ટ વિદેશ જાય અને ત્યાં નામ રોશન કરે તેમાં ફુલાવવું પણ છે અને ભારતમાં ટેલેન્ટની કદર નથી એના મરશીયા પણ ગાવાં છે. ઉજજડ રણમાં ગુલાબ કેમ નથી ખીલતું એની ફરિયાદ છેલ્લી બે સદીઓથી થતી આવી છે અને હજુ સો-દોઢસો વર્ષ ચાલશે. વીર દાસનો વિરોધ કરવામાં જેટલી એનર્જી મૂર્ખાઓએ વાપરી એટલી તાકાત જો કરીઅરમાં વાપરી હોત તો ટ્વિટર જેવી એકાદી કંપની ભારતમાં બની હોત અને એલન મસ્ક તેને ખરીદવા માટે મહેનત કરતો હોત. ભારતે શું આપ્યું? આ જગતને એવું તો શું આપ્યું જેના વિના જગતને ચાલતું નથી. જે દેશ પાસે વ્યાસપીઠ છે એવું કહેવાય છે, જે જગતગુરુ છે એવું કહેવડાવવામાં છાતી ફુલાય છે, જેની પાસે હજારો વર્ષ પહેલાં પુષ્પક વિમાન હતું એવા ઉદાહરણો આપીને પોરસાવામાં આવે છે એ દેશની કઈ વસ્તુ વિના દુનિયાને ચાલતું નથી? એક પણ વસ્તુ એવી ગણાવી શકો છો? આવો સવાલ કોઈ કટ્ટર દેશવાદીને પૂછવામાં આવે એટલે યોગાને ‘સંસ્કારને’ સંસ્કૃતિના ટેક્સ્ટબુકીયા ગોખેલા જવાબ આપશે.

જે સાંભળીને હવે યુવાન ભારતીયો પણ કંટાળ્યા છે. છેલ્લાં દસ વર્ષથી સ્કૂલની બાલસભાથી લઈને દેશની સંસદ સુધી એક હકીકતને જોરશોરથી ગાઈ વગાડીને કહેવામાં આવી છે કે ભારત સૌથી યુવા દેશ છે, અહી સૌથી વધુ સંખ્યામાં યુવાનો છે. જો એવું હોય તો પરાગ અગરવાલ ફોરેનની કોઈ કંપની (ટ્વિટર)માં સીઈઓ બને એ આપણા માટે ન્યૂઝ કેમ છે? દરેક મોટીવેશનલ સ્પીકરની ભજીયાના એકધારા ઘાણ જેવી સ્ક્રીપ્ટમાં સ્ટીવ જોબ્સ, બીલ ગેટ્સ, જેફ બેઝોસ, એલન મસ્ક જ કેમ રહે છે? કોઈ કહેશે કે આપણી પાસે પણ તાતા-બિરલા-અંબાણી-અદાણી છે. અરે, વાત પૈસાની નથી, ગ્લોબલ બ્રાન્ડની છે. જે ભારત પાસે નથી.
તાતા આવડી મોટી કંપની છે અને સન્માનીય નામ છે, બીજા બધા જ તવંગરો કરતા. આઈટી ફિલ્ડના લગભગ દરેક વિદ્યાર્થીનું સપનું હોય ટી-સી-એસ એટલે કે તાતા ક્ધસલ્ટન્સી સર્વિસીઝમાં ઊંચા પગાર સાથે જોબ લઈને પુણે/હૈદરાબાદ/બેંગલુરું/મુંબઈમાં સેટ થવાનું. એ ટીસીએસ શું કરે છે?

ફોરેન કંપનીઓના કામ. બસ. જો કે તાતાએ હમણાં ગુજરાતના ફોર્ડના પ્લાન્ટને ટેક ઓવર કર્યું.  કેમ કેન્ડીક્રશ સાગા કે પબ્જી જવી કોઈ ગેમ સુધ્ધાં ભારતીય કંપનીના નામે નથી?! (એ ગેમને ડેવલપ ભારતીય એન્જિનિયરોએ જ કરી હશે!) ઉબેર/ઓલા પણ ભારતના નથી, ટેસ્લા જેવી ઇલેક્ટ્રિક કાર પણ ભારતમાં નથી ઉદ્ભવી કે કોઈ ચેટીંગ એપ પણ ભારતની હોય તેવી પોપ્યુલર થઇ નથી. ઇન્સ્ટાગ્રામ-ફેસબુક-વોટ્સએપ તો ઠીક ટેલીગ્રામ સુધ્ધાં ભારતની પેદાશ નથી. આવી મોટી મોટી કંપનીઓમાં સ્ટાફ ભારતીય હોય, તેના મેન્ટેનન્સનું કામ ભારતીય એન્જિનિયરો કરતા હોય પણ એ બ્રાન્ડ તો વિદેશી જ. અમેઝોન-હોટસ્ટાર-નેટફ્લીક્સ પણ વિદેશી. આપણે ત્યાં એકતા કપૂરે ઓલ્ટ બાલાજી બનાવ્યું – જેમાં કરોડો ભારતીયો ગંદી બાત જેવી સીરીઝ જોયે રાખે છે. એપિસોડ જોઇને ‘આ દેશ આગળ નથી આવતો’- ની ફરિયાદ પણ કરશે.

મહિન્દ્રાની એકમાત્ર સુપરહીટ કાર ‘થાર’ પણ આટલા વર્ષે આવી. તાતા સિવાય મોટરકાર બનાવતી કોઈ કંપની પણ ભારતીય નહિ. મોબાઈલથી લઈને ફર્નિચર સુધી, સરકિટથી લઈને બુલડોઝર જેવાં વાહનો સુધી બધું જ વિદેશી. મદારી અને જાદુગરોનો કહેવાતો દેશ હજુ કટાઈ ગયેલી તલવાર લઈને ઊભો છે – ભારતના રાજા રજવાડાઓના ભવ્ય ભૂતકાળ અને યુદ્ધગ્રસ્ત ઈતિહાસને યાદ કરતો. ગુજરાત ટાઈટન્સ ‘ગુજરાતમાં ચૂંટણી છે એટલે જીત્યું?’ થી લઈને ‘રણબીર-આલિયાના ઘરે ઘોડિયું ક્યારે બંધાશે?’ સુધી બધા જ નેશનલ ઇસ્યુ છે. ભવિષ્ય અંધકારભર્યું છે એવું લાગતું પણ નથી કારણ કે ભવિષ્ય તરફ નજર જ નથી. ભૂતકાળ વાગોળવામાંથી થોડી નવરાશ પડે તો ક્યારેક, ફોર અ ચેન્જ, વર્તમાન તરફ ધ્યાન જાય છે બસ.

આ વાત કોઈ મોટીવેશન આપવા કે પાનો ચડાવવા માટે નથી કરી. આ વાત કદાચ નિરાશ કરવા માટે કરી હોય એવું લાગશે. હકીકત એ છે કે મોટા મોટા દેશો અને તેની ગ્લોબલ કંપનીઓએ ભારતને બહુધા અંશે મજૂરોનો દેશ બનાવી નાખ્યો છે. પહેલા મજૂરી ખેતરો અને રસ્તામાં થતી, હવે કમ્પ્યુટર સ્ક્રીન સામે થાય છે. આ ક્રમ બીજા એકસો વર્ષ સુધી અટકવાનો નથી એ પણ યાદ રાખશો. કારણ કે અહીં નોકરી જ સર્વસ્વ છે. બાયોડેટામાં જે છોકરાનું પેકેજ વધુ તે છોકરાની પસંદગી કન્યાના મા-બાપ પહેલા કરે છે. ત્રીજા વર્ગના કર્મચારીની ભરતીમાં સો જગ્યા ખાલી હોય તો દોઢ લાખ ફોર્મની અરજી થાય છે. ત્રીસ હજારના પગારની નોકરી માટે તેર લાખ સુધીની લાંચ આપવા માટે લોકો તૈયાર છે. સરકારી નોકરીને ઈશ્વરનું વરદાન માનવામાં આવે છે. દસ લાખથી વધુના પેકેજની જીવનભરની શાંતિનો બ્રહ્મ મંત્ર માનવામાં આવે છે. જ્યાં સુધી આ બધામાં ફેરફાર નહિ આવે ત્યાં સુધી ભારતના યુવાનો પાસે અમેરિકન કંપનીના બાગડબિલ્લા જેવા માલિકો મજૂરી જ કરાવશે. ભલેને બધી કંપનીઓના હેડ ભારતીય હોય.

બહુ શરમજનક વાત છે કે ભારતીય યુવાધનની કદર ભારતમાં ઓછી અને વિદેશમાં વધુ થાય છે. આપણી પાસે રિઝર્વેશનથી લઈને શાહરૂખના દીકરા સુધીના વધુ મોટા પ્રશ્નો છે. પગાર એ માણસના સપનાની હત્યા કરવા માટેનું અફીણ છે અને એ અફીણથી અડધો દેશ બંધાણી થઇ ગયો છે. વિદેશી વિદ્યાર્થીઓ બહુ મોટી સંખ્યામાં ભારતની એકોએક કોલેજમાં એડમીશનની લાઈનમાં ઊભેલા જોવા મળી તે દૃશ્ય આપણે ક્યારે જોઈ શકીશું?