ભારતમાં કોરોનાની સામે જંગ જીતવા વેકસિન જ માત્ર ઉપાય

  • હર્ડ ઈમ્યુનિટી બચાવનો વિકલ્પ નથી: કેન્દ્ર સરકાર
  • ૪થી જૂન સુધી એક લાખ લોકો સાજા થયા અને ૩૦મી જુલાઈ સુધીમાં ૧૦ લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના મત મુજબ જનસંખ્યા અને સ્કેલને જોતા ભારતમાં કોરોના વાયરસથી બચાવ માટે હર્ડ ઈમ્યુનિટી પર આધાર રાખી શકાય તેમ નથી. દેશને કોવિડ-૧૯ના સામેનો જંગ જીતવા માટે વેકસિન આવવાની રાહ જોવી જ પડશે. મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા મુજબ કોરોનાના સંક્રમણથી અત્યાર સુધીમાં ૧૦ લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. તે એક મોટી સિધ્ધિ છે. તેમણે વધુમાં કહૃાુ કે ૪થી જૂન સુધી લગભગ એક લાખ લોકો સાજા થયા અને આજે ૩૦ મી જુલાઈએ સવાર સુધીમાં ૧૦ લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે. ડોકટર્સ, નર્સ, હેલ્થ વર્કર્સએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. ભારત જેવા દેશમાં મર્યાદિત સાધનો હોવા છતાંય આટલી મોટી સિધ્ધિ મળી છે. તેની સાથે મંત્રાલયે વધુમાં જણાવ્યુ કે જ્યાં સુધી વેકસિન નહીં આવે ત્યાં સુધી સતર્ક રહેવું પડશે. કોરોના સામેના જંગમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને તેલંગાણામાં સૌથી વધુ હેલ્થ કેયર વર્કરએ જીવ ગુમાવ્યો છે. દેશના ૨૧ રાજ્યોમાં કોરોના પોઝીટીવિટી રેટ ૧૦ ટકાથી ઓછો છે, જે એક સપ્તાહની સરેરાશના આધાર પર છે. જે સારી વાત છે. તો ૨૪ રાજ્યોનો મૃત્યુ દર દેશના મૃત્યુ આંક દરથી ઓછો છે. જ્યારે ૧૬ રાજ્યોમાં દર્દીઓનો સાજા થવાનો દર દેશના રિકવરી રેટથી પણ વધારે છે. આ રાજ્યોમાં દિલ્હીનો રિકવરી રેટ ૮૮ ટકા, લદ્દાખ ૮૦ ટકા, હરિયાણા ૭૮ ટકા, આસામ ૭૬ ટકા, તેલંગાણા ૭૪ ટકા, તામિલનાડુ અને ગુજરાત ૭૩ ટકા, રાજસ્થાન ૭૦ ટકા, મધ્યપ્રદેશ ૬૯ ટકા અને ગોવાનો રિકવરી રેટ ૬૮ ટકા છે. કોરોનાથી થનારા મૃત્યુનો દર ૨.૨૧ ટકા: સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના વાયરસના કારણે થનારા મૃત્યુનો દર હાલ ૨.૨૧ ટકા છે. કોવિડ-૧૯ના કેસોમાં ભારત વિશ્વભરમાં સૌથી ઓછા મૃત્યુ દર ધરાવતા દેશોમાંથી એક છે. દેશના ૨૪ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના સંક્રમણ મૃત્યુ દર રાષ્ટ્રીય દરથી પણ ઓછો છે. આસામ, કેરળ, ઓડિશા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, ગોવા અને ઝારખંડમાં મૃત્યુ દર એક ટકાથી પણ ઓછો છે.