ભારતમાં કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૭૮.૬૪ લાખને પાર, કુલ મૃત્યુઆંક ૧,૧૮,૫૩૪એ પહોંચ્યો

  • દેશમાં ૨૪ કલાકમાં માત્ર ૫૦,૧૨૯ કેસ નોંધાયા, ૫૭૮ દર્દીનાં મોત

    કોરોના સંક્રમણ ફેલાવામાં ભારતમાં ઘણે અંશે અંકુશ લાગી રહી હોય તેવા આંકડા સામે આવી રહૃાા છે. દેશમાં સંક્રમણના કેસો ૫૦ હજારની આસપાસ રહે છે જે આંશિક રાહતની વાત કહી શકાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૫૦,૧૨૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૭૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૮,૬૪,૮૧૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૭૦ લાખ ૭૮ હજાર ૧૨૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૬,૬૮,૧૫૪ એક્ટિવ કેસો છે.
    દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૮,૫૩૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૪ ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ ૧૦,૨૫,૨૩,૪૬૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં ૧૧,૪૦,૯૦૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૦૨૧ નવા કેસ નોંધાયા છે.
    જેની સામે ૧૦૧૩ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૬ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૬૮૨ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ સુરતમાં ૨૩૭ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૧,૬૬,૨૫૪ નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ ૧૩,૯૮૭ છે. આજે રાજ્યમાં કુલ ૫૨,૯૮૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૯.૩૭ ટકા છે.