ભારતમાં નાણાંની પ્રવાહિતા વધારવા માટે રિઝર્વ બેન્કનો બૌદ્ધિક વ્યાયામ

દેશનું અર્થતંત્ર પહેલા કરતાં ઘણું પાટે ચડી ગયું છે. શેરબજારે યુક્રેન યુદ્ધને કારણે ભલે ગોથા ખાધા હોય પરંતુ ઈન્ડિયન ઈકોનોમી તબક્કાવાર મજબૂત બનતી જાય છૈ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા મોનેટરી પોલિસી કમિટીમાં છેલ્લે જે ચર્ચાઓ થઈ એનો લાભ બેન્કોને અને લોન ધારકોને બંનેને થશે. બેન્કોને એટલે થશે કે લોનના હપ્તાઓ જમા થવાનો જે પ્રવાહ અટકી કે અનિયમિત થઈ ગયો છે તે પુન: પ્રવાહિત થશે અને બેન્કની તિજોરીઓનું વજન વધશે. રિઝર્વ બેન્કની એ કમિટીમાં થયેલી ચર્ચાના પરિપાકરૂપે રિઝર્વ બેન્કે દેશની તમામ બેન્કોને હુકમ કર્યો છે કે તમામ કોર્પોરેટ અને વ્યક્તિગત લોનનું એક વખત પુનર્ગઠન કરવું. જો કે લોન રિસ્ટ્રક્ચરિંગનો આ લાભ એવી કંપનીઓ અને એવા વ્યક્તિઓને જ મળશે કે જેમનો લોનના હપ્તા ભરવાનો લોકડાઉન પહેલાનો ઇતિહાસ વ્યવસ્થિત હશે. લોકડાઉન વખતે એટલે કે બીજી લહેર પહેલા રિઝર્વ બેન્કની સૂચનાથી દેશની તમામ બેન્કોએ તેમના લોન ધારકોને હપ્તો ન ભરવાનો વિકલ્પ આપ્યો હતો.
જેનો જરૂરિયાતમંદ અનેક લોકોએ લાભ લીધો હતો. એ મોરેટોરિયમની મુદત પૂરી થઈ એને પણ ઘણો સમય થઈ ગયો છે. ગયા વરસથી એકાએક જ સમગ્ર દેશના લોન ધારકોએ બેન્કોમાં હપ્તા ચૂકવવાની શરૂઆત કરવી પડી હતી કારણ કે રિઝર્વ બેન્કે મોરેટોરિયમની મુદત વધારવાની ના પાડી હતી. રિઝર્વ બેન્કે જોયું કે હજુ સંજોગો સુધારા પર આવ્યા અને ભારતીય બજારો અનલોક થયા એને થોડોક જ સમય થયો છે અને દેશના ઔદ્યોગિક તંત્ર તથા જોબ સેક્ટર બરાબર પાટે ચડ્યા નથી. વળી જો મોરેટોરિયમનો લાભ એકધારા છ મહિના આપ્યા પછી હજુ પણ લંબાવવામાં આવે તો બેન્કોના એનપીએમાં બહુ મોટો ઉછાળો આવી જાય. એટલે વાસ્તવિકતાને નજર સામે રાખીને લોનના પુનર્ગઠનની વાત રિઝર્વ બેન્કે કરી. આ યોજના અંતર્ગત બેન્કો લોનની મુદત વધારીને લોનના હપ્તા નાના કરી આપી શકે છે.
ઉપરાંત જેને ટોપઅપ કહેવાય એવી નવી લોન પણ ( જુની લોનમાં ઉમેરીને ) આપી શકે છે. એના એ જ હપ્તામાં એટલે કે હપ્તો વધે નહીં તે રીતે કે હપ્તો વધે તે રીતે એમ બન્ને વિકલ્પોએ થોડીક નવી લોન પણ આપી શકે છે. આ આખો ખેલ સમય અને નાણાંનો છે. જેમ ટાઈમ એન્ડ સ્પેસ છે એમ ટાઈમ એન્ડ મની પણ એક અજાયબ શાસ્ત્ર છે. એ જેને સમજાય એણે પછી આ જગતમાં બીજું બધું સમજવાની બહુ જરૂર રહેતી નથી. લોનના પુનર્ગઠનના સંયોગો એટલે ઊભા થયા કે કંપનીઓ કે વ્યક્તિઓએ જ્યારે લોન લીધી હતી ત્યારની બજારો, ત્યારનું વાતાવરણ અને ત્યારની લોન લેનારાઓની આર્થિક ક્ષમતા જુદી હતી અને હવે સમગ્ર કાળ જ બદલાઈ ગયો છે. એટલે વ્યક્તિ અને કંપનીની વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે ઓછાવત્તા પણ નિયમિત રીતે લોનના હપ્તા ભરાય તે જરૂરી છે.
જો કે ત્રણ-ત્રણ મહિનાના મોરેટોરિયમનો બે-બે વખત બેન્કોએ વિકલ્પ આપ્યો તોય બધાએ એનો લાભ લીધો નથી. અનેક લોકો કે જેમની ધંધાની, પગારની કે ભાડાની નિશ્ચિત પ્રકારની આવક છે, એ લોકોએ તો નિયમિત રીતે લોનના હપ્તાઓ ભર્યા જ છે. જે લોકોએ મોરેટોરિયમનો લાભ લીધો છે એમને કોર્પોરેટ બેન્કોમાંથી ભવિષ્યમાં નવી લોન લેવામાં તકલીફ પડશે એ નિશ્ચિત છે. કારણ કે રિઝર્વ બેન્ક પોલિસી બનાવે છે અને રાહત આપે છે પરંતુ કોર્પોરેટ કક્ષાની બેન્કો તો, જેમણે મોરેટોરિયમનો લાભ લીધેલો છે એવા વ્યક્તિગત કે કંપની સ્વરૂપના ગ્રાહકોને હવે શંકાથી જોવાની છે. જેમણે મોરેટોરિયમનો લાભ લીધા વિના નિયમિત રીતે હપ્તાઓ ભર્યા છે તેમને એ જ બેન્કો ક્યારનીય વધુ લોનની સામે ચાલીને ઓફર કરી રહી છે. જો કે રિઝર્વ બેન્કની તો સૂચના છે અને એનું ચુસ્ત પાલન પણ થવાનું છે કે મોરેટોરિયમનો જેમણે લાભ લીધો હોય એમને લોનના રિસ્ટ્રકચરિંગનો પૂરો લાભ આપવો અને કોઈ પૂર્વગ્રહ રાખવો નહિ. એટલે અહીં સુધી તો વાંધો નહિ જ આવે.
રિઝર્વ બેન્કે પર્સનલ લોનના હાલના ધોરણમાં પણ બે વરસની વધારાની મુદત ઉમેરવાની સલાહ આપી છે. સોના સામે ધિરાણમાં પણ રિઝર્વ બેન્કે હવે સોનાની ચાલુ બજાર કિંમતના નેવું ટકા સુધી રોકડ લોન આપવાની ભલામણ કરી છે જેનો અમલ થવો મુશ્કેલ છે. કારણ કે સોનાના ભાવ જે કૃત્રિમ રીતે વધ્યા છે એમાં ગમે ત્યારે ગાબડા પડી શકે છે. એટલે માત્ર દસ ટકાના ડિફરન્સથી બેન્કો ગોલ્ડ લોન મંજુર કરશે નહિ. અગાઉના પંચોતેર ટકા લોન આપવાનો નિયમ જ ચાલુ રહેશે. કદાચ એમાં પાંચ કે સાત ટકાનો બેન્કો વધારો કરી શકે. રિઝર્વ બેન્કની મહેનત દેશમાં નાણાંની પ્રવાહિતા વધારવાની અને બેન્કોને આ સંકટકાળે ટકાવી રાખવાની છે.