ભારતમાં હવે બોફોર્સ અને રાફેલ પછી ગાજતો સંરક્ષણનો સ્વદેશી ભ્રષ્ટાચાર

ભારત-ચીનના સરહદે સુધરતા જતાં સંબંધો વચ્ચે દેશમાં નવું આંતરિક સંરક્ષણ કૌભાંડ ચમકવા લાગ્યું છે. ભારતીય સેનાધિકારીઓએ સંરક્ષણ મંત્રાલય સમક્ષ હલકી કક્ષાના અને ખરે સમયે કામ ન આવે એવા દારૂગોળા સપ્લાય કરવા માટે સરકારની ઝાટકણી કાઢી છે. દેશના ભૂમિદળના સર્વોચ્ચ અધિકારીઓની એક ટીમે આ અંગે સંરક્ષણ સચિવ અને રાષ્ટ્રપતિ સમક્ષ સંપૂર્ણ વિગતો સાથેનો વિસ્તૃત ફરિયાદી અહેવાલ રજૂ કર્યો છે. આ દારૂગોળાનું નિર્માણ કદાચ ખાનગી કંપનીઓ દ્વારા થતું હોત તો એમ માની શકાત કે એમાં બોફોર્સ કે રાફેલની જેમ વચેટિયાઓ તરફથી કૌભાંડ આચરવામાં આવ્યા હશે. પરંતુ આ દારૂગોળો તો કેન્દ્ર સરકારની પોતાની ફેક્ટરીઓમાં બને છે.
એકદમ હલકી ગુણવત્તાના દારૂગોળાથી ભૂમિદળના સૈનિકો તંગ આવી ગયા છે. સેના માટે નાના હથિયારો, કેટલાક ઉપકરણો અને દારૂગોળો તો ઓરડિનન્સ ફેક્ટરી બોર્ડ (ઓએફબી) હસ્તકના સરકારી કારખાનાઓમાં બને છે. આ બોર્ડ સંરક્ષણ મંત્રાલયના ઉત્પાદન વિભાગ હેઠળ કામ કરે છે. દેશમાં લશ્કરી શસ્ત્ર સરંજામના ઉત્પાદનનો ધમધમાટ જેવોતેવો નથી હોતો. સરકારનું એક ન દેખાતું વિશાળ વ્યવસ્થાતંત્ર એમાં સખત કામ કરતું રહે છે. એ સરકારી કારખાનાઓમાંથી હલકો માલ કેમ ઉત્પાદિત થવા લાગ્યો છે ?
છેલ્લા પાંચ વરસમાં આ હલકી ગુણવત્તાવાળા દારૂગોળાને કારણે કોઈ પ્રક્ષેપણ કે નિશાન વિના આકસ્મિક રીતે જ ટેન્કો અને બંદૂકોમાં વારંવાર વિસ્ફોટ થવાની ઘટનાઓ બની છે. પોતાના જવાનોને હલકી કક્ષાનો દારૂગોળો આપીને સરકાર દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરે છે અને દુર્ઘટનામાં જવાનોની જિંદગી પર જોખમ રહે છે. સવાલ એ છે કે આખરે સંરક્ષણ મંત્રાલયની સીધી માલિકીની ફેક્ટરીઓનો માલ આવો થર્ડ ક્લાસ કેમ છે ? અને સૈનિકોના હાથમાં પહોંચે ત્યાં સુધી એની ગુણવત્તા તપાસનારું કોઈ નથી ? અત્યારે સેના પાસેનો હલકી ગુણવત્તા ધરાવતો દારૂગોળો કરોડો રૂપિયાનો છે જેનો સેના ઉપયોગ જ કરી શકે એમ નથી.
સરકારી ફેક્ટરીઓમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતો સરંજામ ઉત્પાદિત થઈ શકે એ માટે ભરપુર બજેટ ફાળવવામાં આવે છે. દેશની અંદરના આ કારખાનાઓ હવે ભ્રષ્ટાચારના નવા અડ્ડા બની ગયા છે. ભારતીય સેનાને આપવાનો તમામ માલસામાન સરકારના ડાયરેક્ટોરેટ ઓફ ક્વોલિટી કન્ટ્રોલ દ્વારા મંજુર થયા પછી આવે છે. તો આ હલકી ગુણવત્તાનો દારૂગોળો એ નિદેશાલયમાંથી પસંદગી પામીને કઈ રીતે આવી ગયો ? શું સરકારના ગુણવત્તા નિયમનમાં પણ ઉધઈ ચડી ગઈ છે ?
કેટલા બધા અધિકારીઓનું આ સંયુક્ત કાવતરું હશે તે અત્યારે તો ધારણાનો વિષય છે કારણ કે સેનાધિકારીઓની રજૂઆત પછી રાષ્ટ્રપતિએ તપાસના કોઈ હુકમો કર્યા નથી. રાષ્ટ્રપતિને વડાપ્રધાન સામે જોઈને પછી નિર્ણય લેવાની ટેવ હોય તો એ રાષ્ટ્રપતિ દેશની, બંધારણની કે લોકશાહીની સેવા માટે કોઈ ખપના હોતા નથી એમ સી. રાજગોપાલાચારી કહી ગયા છે. દેશમાં દારૂગોળા ઉપરાંતના પણ અનેક કારખાનાઓ છે જે સરકારી માલિકીના છે અને લશ્કર માટેના જ ઉત્પાદનો કરે છે તે પણ હવે શંકાના ઘેરાવામાં આવી જશે અને તેના ઉત્પાદનોની પણ ફેર ચકાસણી કરવાની થશે.
હવે તો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) ના અહેવાલો પણ વિશ્વસનીય રહ્યા નથી. કેગ પણ શાસકોના ઈશારે એના અહેવાલને પ્રકાશન પહેલા કાપકૂપ અને મોદીફાઈડ કરતા થઈ જતાં સત્યને વીરડાની જેમ ઊંડેથી ગાળવું પડે એમ છે. સેનાધિકારીઓની સરકારી ફેક્ટરીઓ વિરુદ્ધની રજૂઆત ગંભીરતાથી લેવાય એવી શક્યતા પણ આજના માહોલમાં તો નહિવત્ છે.
નબળા દારૂગોળાને કારણે ટી-20, ટી-90 અને અર્જૂન ટેન્કમાં કઈ રીતે ઘર આંગણે જ ભયાનક વિસ્ફોટ થયા છે એની સવિસ્તર વિગતો સેનાએ મંત્રાલયને આપી છે. એમાં કેટલા જવાનો શહીદ થયા છે અને કેટલા ઘવાયા છે એ ગોપનીય વિગતો પણ હવે મંત્રાલયના ટેબલ પર છે. આખરે કેન્દ્ર સરકારની એવી શું મજબૂરી છે કે દારૂગોળાની ગુણવત્તામાં પણ આવી બાંધછોડ કરવામાં આવે છે અને ફેક્ટરીથી ભૂમિદળ વચ્ચેની તમામ સરકારી પરીક્ષણ એજન્સીઓ પણ હલકી ગુણવત્તા પરત્વે આંખ આડા કાન કરે છે ?
આ દારૂગોળો સેના પાસે પહોંચે એ પહેલા અધિકૃત પ્રયોગશાળામાં એની પૂરેપૂરી તપાસ થાય છે. એવી સરકારી પ્રયોગશાળાઓએ પણ ઉક્ત માલ અંગે ખોટા રિપોર્ટ આપેલા છે. એટલે કે આ કાવતરું બહુ જ સુનિયોજિત રીતે અને કૌભાંડમાંથી પ્રાપ્ત નાણાંની ચોક્કસ જગ્યાઓએ નાનીમોટી ઢગલીઓ પહોંચાડીને રચવામાં આવેલું કૌભાંડ છે. આજકાલ આપણા દેશમાં રાષ્ટ્રવાદનો જે રાજકીય સ્વાર્થલોલૂપ પ્રલય થયેલો છે એમાં તરતા લોકોમાંથી કેટલાકે રાષ્ટ્રપ્રેમ ખાતર જ આ કૌભાંડની ફાઈલો ઉથલાવવાની અને સંપૂર્ણ તપાસ કરાવવાની જરૂર છે.