ભારતીય પ્રજા માટે મહિમાવંત જોશીમઠ  ટૂંક સમયમાં જ એક ઈતિહાસ બની જશે? 

છેલ્લા ચાર સપ્તાહથી રાષ્ટ્રીય મીડિયાએ ઉત્તરાખંડમાં ધામા નાખ્યા છે. પ્રથમ તો રિષભ પંતનો અકસ્માત થયો એટલે અત: થી ઇતિ સુધીની કવર સ્ટોરી કરવા પહોંચી ગયા. એ પૂરું થયું ત્યાં ગેટ વે ઓફ હિમાલય કહેવાતા જોશીમઠ તરફ પત્રકારોનું ધ્યાન ગયું. એક બોલકા નાગરિકે ભરીભરીને સરકારને અપશબ્દો આપ્યા એટલે મીડિયાને મસાલો મળી ગયો. જોશીમઠમાં તૂટતી દીવાલોની તસવીરો અને વીડિયો રજૂ કરીને સરકાર સમક્ષ મીડિયાએ સવાલનો મારો કરી દીધો. તો જવાબ સ્વરૂપે તંત્ર તરફથી ‘સરકાર એક્શન મોડમાં છે’ તેવો મોળો પ્રતિસાદ મળી ગયો. અલબત્ત ગત જૂન માસથી જોશીમઠની જ્યોતિર્મય ભૂમિમાં તિરાડ પડવાનું શરૂ થઈ ગયું હતું. ૫૬૧ મકાન અને દુકાનોની ધરતીમાં આવી કોતરણી થઈ ગઈ છે. ઘરની ભૂમિમાં તિરાડની આડી રેખા વચ્ચે નાગરિકો જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બાપડાં રજૂઆત કોને કરે?

સરકાર તો એક્શન મોડમાં છે ને ક્યારે એક્શન લે એ તો સરકારને જ ખબર પરંતુ એ જીવન કેવું હશે જે રાત્રે ભરઊંઘમાં સૂતેલો માનવી સવાર પડે ત્યારે અડધો જમીનમાં દટાયેલો હોય! હૃદય અને સંગીત, આ બંનેમાંથી ઉદ્ભવતા કંપનો સિવાયના દરેક કંપન ભયભીત કરી મૂકે છે. એમાં પણ જમીનના કંપનોની વિનાશક્તાથી જગતભરના માનવીના મનમાં ભયનું લખલખું પસાર થઈ જાય છે. આ કુદરતી હોનારત સામે માણસ સંપૂર્ણપણે લાચાર છે. વાવાઝોડું, વંટોળ, અતિવૃષ્ટિ, પૂર કે સુનામી પણ એવી કુદરતી આપદા વિશે અમુકઅંશે વિજ્ઞાન આગમચેતી આપી શકે છે. તો જોશીમઠમાં વિજ્ઞાન કેમ ચીરનિંદ્રામાં રહ્યું? આમ તો હજુ સુધી વૈજ્ઞાનિકોએ સમસ્યાના નિવારણ માટે કોઈ ઉત્તર આપ્યો નથી.

સરકાર પણ રણમાં મૃગજળની માફક વાયદા કરી રહી છે કે કોઈને કંઈ નહીં થાય. એટલે વિજ્ઞાન અને સરકાર પાસે તો આશા રાખવી કે નહીં એ પણ પ્રશ્ન છે જયારે કુદરત તો વાંરવાર અગમચેતી અને સૂચનાઓ આપતી રહી પણ માનવી તેની સાંકેતિક ભાષાને ઉકેલવામાં અસમર્થ છે. તેનું જીવંત દૃશ્ય જોશીમઠમાં જોવા મળી રહ્યું છે. સરકારે પ્રજાને રેસ્ક્યુ કેમ્પને ભંડાકિયામાં બેસાડી દીધી છે તો શું તેના ભૂ-સ્ખલન અટકી જશે? ભૂ-સ્ખલન કુદરતનો એક એવો ખતરનાક ખેલ છે જેમાં કુદરત પૂર્ણત: સસ્પેન્સમાં માને છે. ચોંકાવી દેવા એની આઘાત યુક્ત લાક્ષણિકતા છે. પૂર જેવી હોનારતને પ્લાનિંગ દ્વારા અટકાવી શકાય છે. જાપાન ટૅકનોલૉજિકલી ખૂબ વિકસિત દેશ હોવા છતાં જાપાનીઝ નિષ્ણાતો ત્યાં છાશવારે આવતા ભૂકંપના આંચકા સામે ફૂલપ્રુફ સિસ્ટમ બનાવી શક્યા નથી. ભારતમાં તો હજુ ૪ દિવસથી સંશોધન શરૂ થયું છે પરંતુ તેનું પરિણામ આવે ત્યાં સુધીમાં જોશીમઠ હતું ન હતું થઈ ગયું તો?

જોશીમઠની આ સ્થિતિને સમજવા તેની પૃષ્ઠભૂમિને સમજવાની આવશ્યકતા છે. જોશીમઠ થિજી ગયેલા ગ્લેશિયર પર વસેલું છે. ગ્લેશિયરની ઉપર હજજારો ટન માટી અને શિલાઓ છે. લાખો વર્ષોની પ્રક્રિયા બાદ ગ્લેશિયરનો બરફ ઓગળે છે ને ગ્લેશિયર પાછળની તરફ સરકી જાય છે, પણ માટી ટેકરી બની જાય છે. આવી જ ટેકરી પર જોશીમઠ છે, તો સમયની સાથે એ પણ સરકશે જ. એવું નથી કે ખાલી જોશીમઠનું ગ્લેશિયર જ શિયાળામાં પીગળે છે. ગત વર્ષે જાન્યુઆરી માસમાં અમેરિકાના નેવાડામાં તો ૩ ગ્લેશિયર એક સાથે ધબાઈ નમ: થઈ ગયા હતા. સદ્નસીબે ત્યાં માનવવસ્તી ન હતી એટલે કોઈ દુર્ઘટના ન થઈ પરંતુ આ મુદ્દે ગંભીર થવાની જરૂર હતી. જગત જમાદાર અમેરિકા આ સમાચારને દબાવવા માંગતું હતું પરંતુ નીડર પત્રકારોએ તેના વીડિયોઝ વાઇરલ કર્યા. એ વખતે ઉહાપોહ થવાને કારણે ગ્લેશિયરના રહસ્યો ખુલ્યા.

ભારતમાં ૨૦૨૦માં ક્યાગર, ખુરદોપીન અને સિસપર ગ્લેશિયરે કારાકોરમની નદીઓનો માર્ગ રોકીને સરોવર બનાવ્યા છે. આ સરોવરો એકાએક ફાટવાથી પીઓકે સહિત ભારતના કાશ્મીરવાળા ભાગમાં ભારે વિનાશ સર્જાયો હતો ફેબ્રુઆરી ૨૦૨૧માં ગ્લેશિયર તૂટી પડતાં ઉત્તરાખંડની ઋષિગંગા અને ધૌલીગંગા નદીમાં અણધાર્યા પૂર આવ્યાં હતાં. પહાડો ઉપરથી ગાંડીતૂર થઈ ખાબકેલી આ નદીઓએ અનેક ગામડાંમાં વિનાશ વેર્યો હતો અને ૨૦૦ લોકોનાં મોત થયાં હતાં. ઋષિગંગા હાઇડ્રોલિક પ્રોજેક્ટ અને તપોવન વિષ્ણુ પ્રોજેક્ટ આ પૂરમાં તણાઈ ગયા હતા.

એ જ વર્ષે ૨૫ જુલાઈએ હિમાચલના ક્ધિનોર જિલ્લાના બાતસેરી ગામ નજીકની સાંગલી ખીણમાં અચાનક જ પર્વતના શિખર પરથી મહાકાય પથ્થરો ગબડવા લાગ્યા હતા. તેમાંથી એક પથ્થર ત્યાંથી પસાર થતી ટુરિસ્ટ બસ પર પડતા દિલ્હીના દસ પર્યટકોનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત થયાં હતાં. એ પથ્થરવર્ષા પણ કલાકો સુધી ચાલુ રહી હતી. હિન્દુસ્તાન તિબેટ ટ્રેડ રૂટ પર બાપસા નદીને સમાંતર દોડતા રસ્તા પર સેંકડો વાહનોનો નાશ થયો હતો. પથ્થરો એટલા વજનદાર હતા કે સેરિંગ ચે અને બાતસેરીને જોડતો પુલ પણ તૂટી ગયો હતો. આખો પહાડ જાણે કે જમીન પર પડતું મૂકતો હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં.

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)વાળા કારાકોરમ ક્ષેત્રમાં કેટલાક ગ્લેશિયરમાં બરફનું પ્રમાણ વધી રહ્યું છે. આ કારણે આ ગ્લેશિયર વિશેષ સમયાંતરે આગળ વધીને નદીઓનો માર્ગ રોકી રહ્યા છે. આ પ્રક્રિયામાં ગ્લેશિયરના ઉપરના ભાગનો બરફ ઝડપથી ગ્લેશિયરના નીચેના ભાગ તરફ આવે છે. ભારતની શ્યોક નદીની ઉપરના કુમદન સમૂહના ગ્લેશિયર્સમાં ખાસ કરીને ચોંગ કુમદને ગયા વર્ષ દરમિયાન અનેક વખત નદીનો રસ્તો રોક્યો. તેનાથી તે સમયે સરોવરો તૂટવાની અનેક ઘટનાઓ ઘટી હતી. જો કે આ વિષય સરકાર કે નાગરિકો કરતા ભૂસ્તરશાસ્ત્રીઓને છે છતાં તેમના ધ્યાને આ સ્થિતિ કેમ ન આવે એ પણ પેચીદો સવાલ છે.

આ દુર્ઘટનાઓ માટે કુદરત નહીં માનવી ખુદ જવાબદાર છે. ૨૦૧૯માં ઋષિગંગા અને ધૌલીગંગા નદી પાસે રહેતા સ્થાનિક લોકોએ કોર્ટમાં એક અરજી કરી હતી કે જે રીતે અહીં બંધનું કામ ચાલી રહ્યું છે તેનાથી આસપાસમાં સરોવર બની રહ્યા છે. તેમાં ગમે ત્યારે પૂર આવી શકે છે. ખરેખર આવ્યું અને મૃતદેહોના ખડકલા કરતું ગયું. એટલું તો સ્વાભાવિક છે કે શિયાળામાં કુદરત ગરમી ફેંકતી નથી તો ગરમી આવે છે ક્યાંથી? વિકાસના નામે ઉપયોગમાં લેવાતા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને કારણે! હિમાચલમાં કુલ ૧૫૨ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તેમાંથી ઉત્પન્ન થતી વિનાશક ગરમી સીધી ગ્લેશિયરને ટકરાઈ છે.

જોશીમઠની નીચેની જમીન માટીને પકડી રાખવાની ઓછી ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને ચોમાસામાં આવી જમીન ઉપર જો વધારાના બાંધકામનો બોજ હોય તો એ ધસી પડે છે. જોશીમઠમાં નાલા બૂરાઇ ગયા છે. ડ્રેનેજ સિસ્ટમમાં લાપરવાહીના કારણે શહેર તેનો જમીનનો આધાર ગુમાવે છે. ૨૦૧૫માં હિમાલયમાં આવેલી સુનામીએ આ નાલાને વધુ અવરોધિત કર્યા છે. માત્ર જોશીમઠ જ નહીં પૂરા દેશમાં નગરનિયોજન બાબતે ગંભીર બનવું પડે એવી સ્થિતિ છે. દર ચોમાસામાં ભરાઈ જતા પાણી, ધસી પડતા મકાનો અને જંગી તારાજી માટે માત્ર કુદરત જ નહીં- ગેરકાયદે બાંધકામો અને અણઘડ આયોજનો પણ એટલા જ જવાબદાર છે.

અત્યારે ઉતરાખંડમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. બદરીનાથ ધામ આઠ ફૂટ બરફમાં ઢંકાયું છે. ચારે તરફ સફેદ હિમચાદર વચ્ચે કુદરતના અલૌકિક સ્વરૂપને નિહાળતા જોશીમઠના લોકો પ્રભુને આવનાર આપદાથી બચાવવા પ્રાર્થના કરી રહ્યા છે. જોશીમઠની જેમ જ બદરીનાથ આસપાસ પણ ભૂસ્ખલનનો ખતરો વધી રહ્યો છે. મશાલો લઈને ‘જોશીમઠ બચાવો’નો પોકાર પાડતા લોકો પૂરા દેશમાં નગર નિયોજન બાબતે ચેતી જવાની વોર્નિંગ બેલ વગાડી રહ્યા છે. કચ્છના ભૂકંપ વખતે પૂરા વિશ્ર્વને જોયું કે આપત્તિ હજજારો લોકોને હરી લે છે. આ શહેરને સ્થળાંતરિત કરી અહીં આપદા પ્રબંધનના નિયમો અનુસાર નવનિર્માણ કરી ખતરાને ઘટાડી શકાય. ડ્રેનેજ અને ગટર વ્યવસ્થાપન માટે નવેસરથી કામે લાગવાનો આ સમય છે.

ઉલ્લેેખનીય છે કે એન્ટાર્કટિકા અને આર્કટિક પછી સૌથી વધારે ગ્લેશિયર હિમાલયમાં છે અને તેને થર્ડ પોલ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકન વિજ્ઞાનીઓના મતે, છેલ્લાં સાતસો વર્ષમાં હિમાલયના ૪૦ ટકા ગ્લેશિયર અદૃશ્ય થઈ ગયાં છે. કારણ ત્યાં પણ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટનું કામ ચાલે છે. વિશ્ર્વના અન્ય વિસ્તારોમાં આવેલાં ગ્લેશિયરો કરતાં છેલ્લા ચાલીસ વર્ષમાં હિમાલયનાં ગ્લેશિયર ૧૦ ગણી વધુ ઝડપે ઓગળી રહ્યાં છે. હિમાલયનાં ૧૫ હજાર ગ્લેશિયરના બરફના જથ્થામાં થયેલો ઘટાડો અસામાન્ય છે અને તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. ગ્લોબલ વોર્મિંગની અસરો ઉપરાંત પર્વત પર ચાલતી બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિ પણ ઘાતક સાબિત થઈ રહી છે. હવે જો સરકાર અને ભારતના ભૂસ્તરશાસ્ત્રીઓ જાગૃત નહીં બને તો ગઢવાલના કપૂરી શાસકોની રાજધાની, અપ્રતિમ કુદરતી સૌંદર્ય, પુરાતન મંદિરો અને પ્રાચીન વૃક્ષોની નગરી એવું જોશીમઠ અલખનંદાના વહેણમાં ધસી જશે અને તેનો કુઠારાઘાત પેઢીઓ સુધી વિસરી ન શકાય તેવો વજ્રઘાત બનીને રહેશે.