ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન કાર્લટન ચેપમેનનું હાર્ટ-એટેકથી નિધન

ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન કાર્લટન ચેપમેનનું સોમવારે બેંગ્લુરુમાં હાર્ટ એટેકને કારણે નિધન થઈ ગયું છે. તે ૪૯ વર્ષનાં હતા. ચેપમેનને રવિવારની રાત્રે બેંગ્લુરુની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને સોમવારે તેઓએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

એક સમયે ચેપમેનના સાથી રહેલાં બ્રૂનો કુટિન્હોએ કહૃાું કે, મને બેંગ્લુરુથી તેમના એક દોસ્તે ફોન પર જણાવ્યું કે, ચેપમેન હવે આપણા વચ્ચે રહૃાા નથી. તેઓનું આજે નિધન થયું છે. તે હંમેશા ખુશ રહેનાર માણસ હતા અને બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહેતા હતા.

મિડફિલ્ડર ચેપમેન ૧૯૯૫થી ૨૦૦૧ સુધી ભારત માટે રમ્યા હતા. તેમની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ૧૯૯૭માં સૈફ કપ જીત્યો હતો. ક્લબ સ્તરે તેઓએ ઈસ્ટ બંગાળ અને જેસીટી મિલ્સ જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ટાટા ફૂટબોલ એકેડમીથી નિકળેલાં ચેપમેન ૧૯૯૩માં ઈસ્ટ બંગાળ સાથે જોડાયા હતા અને તેઓએ તે વર્ષે એશિયાઈ કપ વિનર્સ કપમાં ઈરાકી ક્લબ અલ જાવરાની સામે ૬-૨થી જીતમાં હેટ્રિક બનાવી હતી. પણ તેઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જેસીટી સાથે કર્યું, જેમાં તે ૧૯૯૫માં જોડાયા હતા. ચેપમેને પંજાબ સ્થિત ક્લબ તરફથી ૧૪ ટ્રોફી જીતી હતી. તેમાં ૧૯૯૬-૯૭માં પહેલી રાષ્ટ્રીય ફૂટબોલ લીગ પણ સામેલ છે. તેઓએ આઈએમ વિજયન અને બાઈચુંગ ભૂટિયાની સાથે મજબૂત સંયોજન તૈયાર કર્યું હતું.

ચેપમેન બાદમાં એફસી કોચ્ચિ સાથે જોડાયા હતા, પણ એક સત્ર બાદ જ ૧૯૯૮માં ઈસ્ટ બંગાળ સાથે જોડાયા હતા. ઈસ્ટ બંગાળે તેમની આગેવાનીમાં ૨૦૦૧માં NFL જીતી હતી. તેઓએ ૨૦૦૧માં ફૂટબોલથી સંન્યાસ લીધો હતો. જે બાદ તે વિભિન્ન ક્લબોના કોચ પણ રહૃાા હતા.