ભારતીય બેડમિંટન ટીમના મુખ્ય કોચ ગોપીચંદ સર્વ યશના ખરા હકદાર છે

ભારતીય બૅડમિન્ટન ટીમે થોમસ કપ જીતીને મેળવેલી મહાન સિદ્ધિનો યશ મેદાન પર અને મેદાનની બહાર પણ તનતોડ મહેનત કરનારા ખેલાડીઓને તો જાય જ છે પણ તેના કરતાં વધારે પુલેલા ગોપીચંદને જાય છે. ભારત બૅડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું એ માટે જ નહીં બલકે છેલ્લાં કેટલાંક વરસોમાં ભારતે બૅડમિન્ટનમાં મેળવેલી તમામ સિદ્ધિઓ માટે ગોપીચંદને સલામ મારવી પડે. ગોપીચંદે ભારતને બૅડમિન્ટનમાં એ ઊંચાઈએ પહોંચાડ્યું છે કે જેની કદી કોઈ કલ્પના પણ નહોતું કરી. ગોપીચંદ અત્યારે ભારતીય બૅડમિન્ટન ટીમમાં ચીફ કોચ છે. છોકરા અને છોકરીઓ બંને ટીમના અલગ અલગ કોચ છે પણ એ બધાંથી ઉપર ગોપીચંદ છે. ટેક્નિકલી ગોપીચંદ ચીફ કોચ છે પણ બૅડમિન્ટન ખેલાડીઓ માટે ગોપીચંદ ગોડફાધરથી કમ નથી.

ગોપીચંદ એક ખેલાડી તરીકે તો મહાન સાબિત થયેલા જ પણ એ પછી કોચ તરીકે ભારતીય બૅડમિન્ટનના વિકાસમાં તનતોડ મહેનત કરીને તેમણે બૅડમિન્ટનના યુવા ખેલાડીઓમાં બહુ ઓછા લોકો મેળવી શકે એવું માન અને આદર મેળવ્યાં છે. ગોપીચંદની ખેલાડી તરીકેની સિદ્ધિઓ બહુ મોટી છે. બૅડમિન્ટનમાં ઓલ ઈંગ્લેન્ડ બૅડમિન્ટન ચેમ્પિયનશિપ સૌથી પ્રતિષ્ઠિત મનાય છે. ભારતે અત્યાર લગીમાં બે જ ઓલ ઈંગ્લેન્ડ બૅડમિન્ટન ચેમ્પિયન આપ્યા. પહેલા પ્રકાશ પદુકોણ અને બીજા ગોપીચંદ. અભિનેત્રી દીપિકા પદુકોણના પિતા પ્રકાશ પદુકોણ ભારતમાં બૅડમિન્ટનના પિતામહ ગણાય કેમ કે ભારતમાં બૅડમિન્ટનનો કોઈ ભાવ પણ નહોતું પૂછતું ત્યારે પ્રકાશ બૅડમિન્ટન રમતા હતા. ભારતમાં ક્રિકેટની રમતનો પણ ભાવ નહોતો પૂછાતો ને ભારત કોઈ વર્લ્ડ ચેમ્પિયન પેદા કરે એ વાત અશક્ય લાગતી. એ જમાનામાં પ્રકાશ પદુકોણે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતીને ભારતનું નામ રોશન કરેલું.

ગોપીચંદ પણ પ્રકાશની જેમ દક્ષિણ ભારતીય છે અને તેમણે પ્રકાશ પદુકોણ પાસે જ કોચિંગ લીધું. પ્રકાશ પદુકોણે ૧૯૯૦ના દાયકામાં ઘણા યુવા ખેલાડીઓને તૈયાર કરી ભારતમાં બૅડમિન્ટનની રમતને લોકપ્રિય બનાવી હતી. ગોપીચંદે પણ ગુરૂના પગલે ચાલીને પહેલાં ખેલાડી તરીકે અકલ્પનિય સિદ્ધિઓ મેળવી ને પછી ગુરૂની પરંપરાને આગળ ધપાવી પોતાની બૅડમિન્ટન એકેડમી બનાવી. સાઈના નેહવાલ, પી.વી. સિંધુ, કિદમ્બી શ્રીકાન્ત, પી. કશ્યપ, અરૂંધતી પંટાવણે, ગુરૂ સાઈ દત્ત, અરૂણ વિષ્ણુ વગેરે આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજી રહેલા ખેલાડીઓ ગોપીચંદની એકેડમીની પેદાશ છે. ગોપીચંદે પોતાની ઈન્ટરનેશનલ કરિયરમાં જે અનુભવો મેળવ્યા તેના આધારે આ ખેલાડીઓને કોચિંગ આપ્યું છે.

ગોપીચંદ પોતાના અનુભવો પરથી એક વાત સમજેલા કે વૈશ્ર્વિક સ્તરે રમવા માટે માનસિક તાકાત અનિવાર્ય છે. સાથે સાથે વૈશ્ર્વિક સ્તરે બદલાતી ટેક્નિક્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ પણ જરૂરી છે. આ કારણે ગોપીચંદે પોતાના શિષ્યોને માનસિક રીતે મજબૂત કરવા પર સૌથી વધારે ધ્યાન આપ્યું છે. ગમે તેવા સંજોગોમાં પણ ખેલાડીઓ ગભરાય નહીં ને ઠંડે કલેજે રમી શકે એ ગોપીચંદના શિષ્યોની મુખ્ય તાકાત છે. ગોપીચંદે  લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિરોધીઓની નબળાઈઓ જાણીને તેના પર પ્રહાર કરવાની ટેક્નિક પણ અપનાવી છે. પરંપરાગત રીતે કોચિંગ આપતા આપણા મોટા ભાગના કોચને આ બધી વાતોની ખબર હોય જ છે. તકલીફ એ હોય છે કે, યુવા ખેલાડીને એ વાત સમજાવવાની ક્ષમતા નથી હોતી. ચોક્કસ પ્રકારનો શોટ રમવો હોય તો કઈ રીતે રમવો એ બતાવી શકતા નથી.

ગોપીચંદ ખેલાડી તરીકે પણ મહાન હોવાથી ગમે તેવો શોટ રમવાની તેમનામાં ક્ષમતા છે તેથી ખેલાડીઓને સારી રીતે સમજાવી શકે છે, પ્રોપર કોચિંગ આપી શકે છે.
ગોપીચંદની અસલી તાકાત બૅડમિન્ટનની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝનૂન છે. ગોપીચંદમાં ભરપૂર પેશન છે. આ પેશનના કારણે ગોપીચંદે ગાંઠનું ગોપીચંદન કરીને બૅડમિન્ટન માટે એકેડમી ઊભી કરી છે, તેમાંથી પાઈની પણ કમાણીની આશા રાખ્યા વિના દેશને ગૌરવ અપાવે તેવા ખેલાડી પેદા કરવાનું મિશન અપનાવ્યું છે. ગોપીચંદ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખેલાડી છે પણ બૅડમિન્ટનમાંથી એટલા રૂપિયા મળતા નથી તેથી ગોપીચંદે એકેડમી બનાવવા પોતાનું ઘર ગિરવે મૂકી દીધેલું ને તેમાંથી આવેલા સાડા ત્રણ કરોડ રૂપિયામાંથી બધું ઊભું કરેલું. આવું જોરદાર ઝનૂન આ દેશના બીજા કયા કોચમાં જોવા મળ્યું છે?

ભારતમાં સરકારમાં બેઠેલા લોકોને બૅડમિન્ટન જેવી રમત માટે પૈસા ખર્ચવામાં રસ નથી. ગોપીચંદે જોરદાર મિજાજ બતાવીને સરકાર મદદ ના કરતી હોય તો તેલ લેવા જાય, આપણે આપણી રીતે મથવું એવો મંત્ર અપનાવીને આ દેશને બે ઓલિમ્પિક્સ મેડલ વિજેતા આપ્યા. ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ જીતનારી સાઈના નેહવાલ અને સિલ્વર તથા બ્રોન્ઝ એમ સળંગ બે મેડલ જીતીને ઈતિહાસ રચનારી પી. વી. સિંધુ બંને ગોપીચંદની એકેડમીની દેન છે. દુનિયામાં પેદા થયેલા મહાન ખેલાડીઓમાંથી ૯૦ ટકા ખેલાડી એવા છે કે તેમને મહાન કોચ મળ્યા હતા. ટેલેન્ટ ના હોય તો ગમે તેવો કોચ કંઈ ના કરી શકે પણ સામે ગમે તેટલી ટેલેન્ટ હોય પણ તેને ટીપી ટીપીને જીતવાની આદતમાં ઢાળે એવો કોચ ના હોય તો એ ટેલેન્ટનો કોઈ અર્થ નથી. સિંધુ અને સાઈનાની એ ટેલેન્ટને ગોપીચંદે ટીપી ટીપીને જીતના ઢાંચામાં ઢાળી છે, ભારતને સળંગ ત્રણ એલિમ્પિક્સમાં મેડલ જીતાડ્યા છે. હવે થોમસ કપ જીતાડીને ગોપીચંદે ફરી પોતાની તાકાત સાબિત કરી. થોમસ કપ વિજેતા ટીમના મોટા ભાગના સભ્યો ગોપીચંદ એકેડમીના છે.

ગોપીચંદે ભારતની થોમસ કપની જીતને બૅડમિન્ટનના સંદર્ભમાં ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડકપ વિજય કરતાં પણ મોટી જીત ગણાવી છે. ગોપીચંદની વાત સાવ સાચી છે કેમ કે ભારત બૅડમિન્ટનમાં આ સ્તરે પહોંચશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. ૧૯૮૩ના વર્લ્ડકપ વિજય વખતે પણ ભારત ચેમ્પિયન બનશે એવી કોઈને કલ્પના નહોતી પણ ક્રિકેટમાં ભારતનું નામ હતું, ભારત પાસે ખ્યાતનામ ખેલાડી હતી. ગોપીચંદના મતે, ૧૯૮૩ના વર્લ્ડકપ વિજય પછી ભારતમાં ક્રિકેટની રમત તરફ લોકોનું આકર્ષણ વધ્યું અને ક્રિકેટની કાયાપલટ થઈ ગઈ. થોમસ કપ પણ બૅડમિન્ટન માટે એ જ કામ કરશે. આ વાત સાચી પડશે કે નહીં એ ખબર નથી પણ ગોપીચંદ જેવું ઝનૂન ધરાવતા બીજા દસ જ ખેલાડીઓ આ દેશમાં હોય તો આ દેશમાં બૅડમિન્ટન નહીં કોઈ પણ સ્પોર્ટ્સની શિકલ જ બદલાઈ જાય તેમાં શક નથી.