ભારતીય સંસદના કેટલાક સાંસદો હજુ પણ આડેધડ બકવાસ કરે છે

આપણી ભારતીય સંસદમાં હજુ એવા સાંસદો છે જેઓ ભાજપ અને કોંગ્રેસ બન્ને ખિન્ન થાય એવા ઉચ્ચારણો કરે છે. સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરી વરતાયાં છે. પ્રજ્ઞા ઠાકુરે હિંદુઓની જ્ઞાતિ પ્રથા તથા વસતી મુદ્દે બકવાસ કરીને નવો બખેડો ઊભો કર્યો છે. મધ્ય પ્રદેશમાં એક કાર્યક્રમમાં મમતા બેનરજી પર વાત કરતાં કરતાં અચાનક આ પ્રજ્ઞાજી આપણી જ્ઞાતિપ્રથાની વાત પર ચડી ગયાં. પ્રજ્ઞાએ ક્ષત્રિયોનાં વખાણ કરી નાખ્યા ને દેશની સુરક્ષા માટે ક્ષત્રિયોને વધારે બાળકો પેદા કરવાની હાકલ કરી નાખી. છતાં એ તો ઠીક છે. પ્રજ્ઞાએ વળી જ્ઞાન ઠાલવ્યું કે, આ દેશનનું રક્ષણ સદીઓથી ક્ષત્રિયોએ કર્યું છે ત્યારે હવે દેશની રક્ષા કરવા માટે ક્ષત્રિયોએ વધારે બાળકો પેદા કરવાં જોઈએ. આ બહાને તેમણે આડકતરી રીતે મુસ્લિમોને દેશદ્રોહી પણ ગણાવી દીધા. તેમણે કહ્યું કે, જે લોકો દેશવિરોધી પ્રવૃત્તિ કરે છે તેમની વસતી અંકુશમાં રાખવા માટે કાયદો લાવવો જોઈએ પણ જે લોકો દેશની રક્ષા કરે છે તેમના માટે આ કાયદો ન હોવો જોઈએ. ભારત જેવા લોકશાહી દેશમાં આવું કોઈથી બોલાય ?

પ્રજ્ઞાના આ બકવાસ નવા નથી પણ તેમણે એ પછી જે વાત કરી એ ખરેખર આઘાતજનક છે. પ્રજ્ઞાના કહેવા પ્રમાણે, આપણે ત્યાં બ્રાહ્મણને બ્રાહ્મણ કહો તો ખોટું લાગતું નથી, ક્ષત્રિયને ક્ષત્રિય કહો તો ખોટું લાગતું નથી કે વૈશ્યને વૈશ્ય કહો તો ખોટું લાગતું નથી પણ શૂદ્રને શૂદ્ર કહો તો કેમ ખોટું લાગી જાય છે એ મને સમજાતું નથી. પ્રજ્ઞાએ એ પછી ડહાપણ ડહોળ્યું કે, આપણાં ધર્મશાસ્ત્રોમાં આ ચાર વર્ણ પાડ્યા છે પણ શૂદ્રોમાં તેની સમજ નથી તેથી તેમને ખરાબ લાગી જાય છે. પ્રજ્ઞાની વાત આઘાતજનક છે ને આ દેશની સંસ્કૃતિની વાતો કરનારાની માનસિકતા કૂવામાંના દેડકા જેવી છે તેના પુરાવારૂપ છે. પ્રજ્ઞા દલિત સમુદાયને નાસમજ ગણાવે છે પણ વાસ્તવમાં એ પોતે નાસમજ છે. હિંદુ પરંપરા કે ધર્મશાસ્ત્રોનું તેમને જ્ઞાન નથી તેના કારણે બકબક કરે છે. એ જે વર્ણવ્યવસ્થાની વાત કરે છે તેમાં જન્મના આધારે વર્ણ નક્કી નહોતા થતા પણ કર્મના આધારે વર્ણ નક્કી થતા.

આજે જેમને શૂદ્ર કહેવાય છે એ જન્મના આધારે કહેવાય છે. હાલની જ્ઞાતિ પ્રથા મૂળ પરંપરાનું વિકૃત સ્વરૂપ છે તેથી કોઈને શૂદ્ર કહો તો ખરાબ લાગે જ. બીજું એ કે, આપણે ત્યાં શૂદ્ર શબ્દ અત્યંત હલકી કક્ષાનું હોય તેના માટે વપરાય છે. કોઈ માણસ પર એવું લેબલ લગાવો તો ખોટું ના લાગે? ને તમને કોઈ માણસની કક્ષા નક્કી કરવાનો અધિકાર કોણે આપ્યો? ડો. બાબાસાહેબ આંબેડકરે ‘હુ વેર ધ શૂદ્રાઝ?’ નામે પુસ્તક લખ્યું છે તેમાં તો તેમણે ધર્મશાસ્ત્રોના દાખલા ટાંકીને પહેલાં ત્રણ જ વર્ણ હતા ને બ્રાહ્મણોએ જેમને ધર્મથી દૂર રાખ્યા એ શૂદ્ર કહેવાયા એવું લખ્યું છે. આ સંદર્ભમાં પણ શૂદ્ર શબ્દ ખુશ થવા જેવો નથી જ. જો કે મૂળ મુદ્દો તો એ છે કે, હિંદુઓએ હજુ બે હજાર વર્ષ કે તેના પણ પહેલાં પહેલાં શરૂ થયેલી જ્ઞાતિપ્રથાને જ વળગી રહીને કૂવામાંના દેડકા જ બની રહેવું છે? હિંદુઓ એક છે એવી વાતો કરનારા જ્ઞાતિ પ્રથાની વાતો કરે તેનો અર્થ એ જ થાય કે એ લોકો મનથી આ વાત સ્વીકારતા નથી.

જ્ઞાતિના આધારે થતા વિભાજનને એ લોકો સાચું માને છે. આ માનસિકતા ખતરનાક કહેવાય ને એ દેશના હિતમાં નથી. સાંસદ પ્રજ્ઞાના બકવાસને સંસદે ગંભીરતાથી લેવા જોઈએ કેમ કે પ્રજ્ઞા વારંવારની ચીમકી છતાં સુધરતાં નથી ને પોતે મહાજ્ઞાની હોય એ રીતે બેફામ બકવાસ કર્યા કરે છે. પ્રજ્ઞાએ લોકસભાની ચૂંટણી વખતે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો ત્યારથી  તેમને લૂલીને કાબૂમાં રાખવા સહુ કહ્યા કરે છે પણ એ સમજતાં જ નથી. 2019 ની લોકસભાની ચૂંટણી વખતે કમલ હસને નાથુરામ ગોડસેના સંદર્ભમાં કોમેન્ટ કરેલી કે, ભારત આઝાદ થયો એ પછી આ દેશમાં પાકેલો પહેલો આતંકવાદી એક હિંદુ હતો ને તેનું નામ નાથુરામ ગોડસે હતું. આ દેશમાં ત્યારથી હિંદુ આતંકવાદ શરૂ થયો. કમલ હસનની વાત વાહિયાત હતી કેમ કે તેણે ગોડસેના કૃત્યને હિંદુત્વ સાથે જોડી દીધેલું. ગોડસેના પાપને હિંદુત્વ સાથે કંઈ લેવાદેવા નહોતી એ જોતાં કમલ હસનની વાત હલકી માનસિકતાનો નાદર નમૂનો હતો.

પ્રજ્ઞાને પત્રકારોએ સવાલ કર્યો ત્યારે તેમણે જાહેર કરી દીધેલું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે ને હંમેશાં રહેશે. પ્રજ્ઞાના આ જવાબથી ભડકેલા નેતાઓએ પ્રજ્ઞાના લવારા મુદ્દે હાથ ખંખેરીને પ્રજ્ઞાને માફી માગવા ફરમાન કરી દીધેલું. પ્રજ્ઞાએ માફી માગવાના મુદ્દે જાત જાતના નાટક કર્યા પછી છેવટે તેમણે માફી માગેલી. ભાજપે વાતનો વીંટો વાળી દીધેલો કેમ કે આ મુદ્દાને ચગાવવામાં તેમની જ આબરૂનો ધજાગરો થાય તેમ હતો પણ વડાપ્રધાન તરીકે મોદીએ પ્રજ્ઞાને માફ ન કર્યાં. લોકસભાના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠક મળી ત્યારે મોદીએ પ્રજ્ઞા સામે જોવાનું પણ ટાળીને સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરેલી. પ્રજ્ઞા એ છતાં ન સુધર્યાં ને થોડા મહિના પછી જ લોકસભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને ફરી દેશભક્ત જાહેર કરી દીધા. નેતાઓ ફરી ત્રાસી ગયા ને તેમનો બરાબરનો ઉધડો લીધો. લોકસભાના રેકર્ડ પરથી તેમના લવારાને હટાવી દેવડાવેલો.

પ્રજ્ઞાને સંરક્ષણ પરની સંસદીય સમિતિમાંથી તગેડી મૂકાયાં હતાં. પ્રજ્ઞાને પાર્લામેન્ટરી પક્ષની બેઠકમાં હાજર રહેવા પર પણ પ્રતિબંધ ફરમાવી દીધેલો ને સ્પષ્ટ સંકેત આપી દીધેલો કે આ પ્રકારની માનસિકતાને સંસદ પોષતી નથી ને માન્ય પણ નથી રાખતી. પ્રજ્ઞા પર તેની કોઈ અસર થઈ નથી ને તેમણે ફરી એવી જ હરકત કરી છે. આ દેશના મોટા વર્ગની લાગણીને ઠેસ પહોંચે એવી હરકત કરી છે ત્યારે સંસદે આ વખતે તેમને માફ ન કરવાં જોઈએ. ગયા વરસે પ્રજ્ઞાએ ગોડસેને દેશભક્ત ગણાવ્યો ત્યારે જ પ્રજ્ઞાને સાંસદપદેથી જ દૂર કરવાની માગણી શરૂ થઈ ગયેલી. અત્યારે એ પુણ્યકાર્ય કરી નાખવું જોઈએ. સરકારે આ કામ કરવાની જરૂર છે કેમ કે પ્રજ્ઞા હિંદુઓમાં ભાગલા પાડવાની હલકી માનસિકતાને પોષી રહ્યાં છે. હિંદુ સમાજ એક છે ને બધા હિંદુઓ સમાન છે એવું પોતે સાચ્ચે જ માને છે એવું સબિત કરવા પણ પ્રજ્ઞાને પાઠ ભણાવવો જોઈએ.

પ્રજ્ઞાએ ક્ષત્રિયોને વધારે બાળકો પેદા કરવાની હાકલ કરી એ આ મિથ્યાભિમાની વાતનો હિસ્સો છે તેથી તેની વાત કરીને સમય બગાડવા જેવો નથી. પ્રજ્ઞાએ ક્ષત્રિયોને વધારે બાળકો પેદા કરવાની હાકલ કરી પણ તમામ હિંદુઓને વધારે બાળકો પેદા કરવાની સલાહ આપનારા કેટલાય નમૂના આ દેશમાં છે જ. આ કહેવાતા નેતાઓને સમયાંતરે સનેપાત ઉપડે ત્યારે આ પ્રકારના લવારા એ લોકો કર્યા જ કરે છે. હિંદુઓ સમજદાર છે તેથી આ લવારાને કાને ધરતા નથી કેમ કે છોકરાં પેદા કર્યા પછી તેમનું પૂરું કરવા માટે હિંદુવાદી નેતાઓ આવવાના નથી. આ વાત તમામ હિંદુઓને લાગુ પડે છે ને ક્ષત્રિયોને પણ લાગુ પડે જ છે. આ દેશના બીજા હિંદુઓની તકલીફો આ દેશના ક્ષત્રિયોની પણ છે જ. હિદુંઓ સમજે જ છે કે, પ્રજ્ઞા જેવાં લોકો બકબક કરીને ઘરે જઈને સૂઈ જાય છે પણ અસ્તિત્વની લડાઈ લોકોએ લડવાની છે તેથી પ્રજ્ઞા જેવાં લોકો બકવાસ કરે તેને કાને ન ધરવાના હોય, એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખવાના હોય.