ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં પાક.સેનાના ત્રણ સૈનિકોને ઠાર કર્યા

એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા વારંવાર યુદ્ધવિરામ ભંગની સામે ભારતીય સેનાએ જડબેસલાક કાર્યવાહી કરી હતી. જેમાં પાકિસ્તાની સેનાના ૩ સૈનિકો માર્યા ગયા અને અનેક સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ઇન્ડિયન આર્મીએ કાશ્મીરના રાઝોરીના નૌશેરા સેક્ટર ખાતે પાકિસ્તાની સેનાના યુદ્ધવિરામ ભંગ વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન દુશ્મન દેશની મહત્વની ચાર સેના ચોકીઓ પણ ભારતીય સેનાએ નષ્ટ કરી નાંખી હતી. રવિવારે દુશ્મન દેશની સેનાએ તેના આતંકીઓને ભારતની સરહદમાં ઘૂસાડવાના કાવતરા હેઠળ એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કરી ભારતીય સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતીય સુરક્ષા દળોની બાજ નજરથી આતંકીઓ બચી શક્યા નહીં.
ભારતીય સેનાએ આતંકીઓને કવર ફાયર આપી રહેલી પાકિસ્તાની સેના વ્યાજબી પાઠ ભણાવતાં જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં તેના ૩ સૈનિકોના મોત થયા હતા અને અન્ય સૈનિકો ઘાયલ થયા હતા. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી હેતબાઇ ગયેલી પાકિસ્તાની સેનાએ હાલમાં રાઝોરી એલઓસી પર યુદ્ધવિરામ ભંગ બંધ કરી દીધુ હતું.
જોકે આ અંગે એક રિપોર્ટ દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના હટાવ્યા પછી પાકિસ્તાન તરફથી એલઓસી પર યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો. એલઓસી પર આતંકીઓને ઘૂસણખોરી માટે પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવતા યુદ્ધવિરામ ભંગની બનાવોએ વિતેલા ૧૭ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ગયા આખા વર્ષ દરમિયાન પાકિસ્તાને એલઓસી પર ૪૭૦૦ વખત યુદ્ધવિરામ ભંગ કરી ગોળીબાર અને મોર્ટાર હુમલા કર્યા હતા.