ભારતે ઓસ્ટ્રેલિયાને માત આપવા માટે કોઇ કસર બાકી નથી: શોએબ અખ્તર

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે મેલબોર્નમાં અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ટીમના પ્રદર્શનની જોરદાર પ્રશંસા કરતાં કહૃાું કે ભારતે જીતનો જુસ્સો અને પ્રતિબદ્ધતા દર્શાવી છે. એડિલેડમાં ૩૬ રનમાં આઉટ થયા બાદ ભારતીય ટીમે મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને સીરિઝ બરોબરી કરી હતી.
અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહૃાું, ભારતે ઓસ્ટ્રેલિયાને માત આપવા માટે ખરેખર કોઈ કસર છોડી નથી. સંકટમાં જુસ્સો દેખાડવામાં આવે છે. ભારતીય ટીમે ભારે સંકટની સ્થિતિમાં પોતાની કુશળતા અને જુસ્સો દેખાડ્યો છે. તેઓએ બતાવ્યું હતું કે તેઓ હાર માનવાવાળામાં નથી. અખ્તર એ વાતથી વધુ પ્રભાવિત લાગ્યો કે વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને રોહિત શર્માની ગેરહાજરી હોવા છતાં રહાણેએ પોતાની ભૂમિકા સહજતાથી ભજવી હતી.
રાવલિંપડી એક્સપ્રેસએ કહૃાું કે, અજિંક્યએ સહજતાથી ટીમની આગેવાની કરી હતી. તેણે બોલિંગમાં યોગ્ય ફેરફાર કરીને કોઈનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો ન હતો અને હવે સફળતા આખી કહાની કહી રહી છે. એવું કહેવામાં આવે છે કે જો તમે ચૂપચાપ સખત મહેનત કરો છો, તો સફળતા તેની કહાની કહે છે. ત્યારબાદ અખ્તરે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમીને મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલની પ્રશંસા કરી હતી જેમણે દબાણમાં પણ સારો દેખાવ કર્યો હતો.