ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી બે ટેસ્ટ સિડનીમાં યોજાવાની શક્યતા

નવા વર્ષે પોતાના ગ્રાઉન્ડ પર યોજનારી ટેસ્ટ મેચ સામે જોખમ જોતાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ સત્તાવાળાઓએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન સિરીઝની અંતિમ બંને ટેસ્ટ સિડનીમાં જ યોજવાની ઓફર કરી છે. સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ બ્રિસબેનમાં રમાનારી છે. સિડનીમાં ટેસ્ટ રમાયા બાદ બંને ટીમ ક્વિન્સલેન્ડ જનારી છે પરંતુ ક્વિન્સલેન્ડ રાજ્યની સરકાર કોરોનાને ધ્યાનમાં રાખીને ન્યૂ સાઉથ વેલ્સથી આવતી ટીમને રાહત આપવાનો ઇનકાર કરી શકે તેવી દહેશત છે. સિડની નજીક કોરોનાના કેસ આવતાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને સાવચેતીના પગલા લીધા હતા. હાલમાં તેઓ ચુસ્ત બંદૃોબસ્ત ગોઠવી રહૃાા છે.

સાતમી જાન્યુઆરીએ સિડનીમાં ટેસ્ટ રમાનારી છે. જોકે પરિસ્થિતિમાં સુધારો થાય તો પણ એવી દહેશત છે કે ક્વિન્સલેન્ડ સરકાર આગામી દિવસોમાં ન્યૂ સાઉથ વેલ્સની સરહદ બંધ કરી દે. આમ થાય તો બંને ટીમના ખેલાડીઓ તથા ટીવી કંપનીના સદસ્યો સિડનીથી બ્રિસબેન પહોંચી શકે તેમ નથી. સિડની ક્રિકેટ એન્ડ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ટ્રસ્ટે આ અંગે જણાવ્યું હતું કે આ સંજોગોમાં અમે સળંગ બે ટેસ્ટ યોજવા તૈયાર છીએ.

સિડનીની આ ઓફર પાછળનું અન્ય કારણ એ છે કે જો ક્વિન્સલેન્ડ સરકાર આવો કોઈ નિર્ણય લે તો ૨૬મીથી શરૂ થઈ રહેલી મેલબોર્ન ખાતેની બીજી ટેસ્ટ બાદ બાકી રહેલી બંને મેચ મેલબોર્નને  જ ફાળવાય અને એમ થાય તો ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો બીજી, ત્રીજી અને ચોથી ટેસ્ટ મેલબોર્નમાં જ રમશે.જોકે ઓસ્ટ્રેલિયન બોર્ડે એવી ખાતરી આપી છે કે સિડની ખાતે જ સાતમી જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ રમાશે.