મિત્રતા એટલે અપૂર્ણતામાં પૂર્ણતા. જીવનમાં અઢળક સંપત્તિ એકઠી કરી ધનના ઢગલાં પર બિરાજો પણ જો સાચા મિત્રનો સાથ ન હોય તો એ ઢગલો પણ ધૂળ બની જાય. આવી જ મિત્રતા જાપાન અને ભારતની છે. જાપાન એટલે ઉગતા સૂરજનો દેશ અને ભારત એટલે સૂર્યની શક્તિથી સમતોલ વિકાસ સાધતું રાષ્ટ્ર. શિન્ઝો આબેના નિધન બાદ હવે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા બાળકને પણ ખબર પડી ગઈ છે કે ભારત અને જાપાનની મિત્રતામાં મોદી અને આબેનો ફાળો અભૂતપૂર્વ છે પણ આ તો ૨૦૧૪ બાદ બનેલી સુખદ ઘટનાઓ છે. ભારત અને જાપાનની મિત્રતા તો આદિકાળથી ચાલી આવે છે અને કદાચ વિશ્ર્વના અંત સુધી અકબંધ રહેશે. કારણ કે મિત્રતાને સદીઓના સીમાડા નડતા નથી. તેના મૂળમાં જયારે ધર્મ ભળે તો કર્મ પણ કલાત્મક બની જાય.
૫૨૦મી શતાબ્દીમાં ભારતમાં પલ્લવ રાજ્યના કંચિપુરમના રાજ પરિવારમાં જન્મેલા રાજા બોધિધર્મન દેશની પ્રાચીન યુદ્ધ કલા કલરિપયટ્ટુમાં પારંગત હતા.
તેમની માતાની આજ્ઞાથી બોધિધર્મન રાજપાટનો ત્યાગ કરીને દુનિયામાં બૌદ્ધ ધર્મના પ્રચારના અર્થે નીકળ્યા હતા ત્યારે જાપાનમાં તેમણે વિસામો લીધો હતો. તેમની સેવા-સુશ્રુષાથી જાપાના એ સમયના સમ્રાટ કામુ નુનાગાવામિમીનો મિકોટો અભિભૂત થયા હતા અને તેમણે પણ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી જાપાનમાં ધર્મ નગરી ક્યોટોની સ્થાપના કરી હતી. ક્યોટો એટલે ભારતનું કાશી. આ બન્ને પાવન ભૂમિ પર ધાર્મિક ચેતનાઓ પુરબહારમાં ખીલી છે. જેમ કાશીમાં પિતૃઓનું તર્પણ કરવાથી તેમને મોક્ષ મળે તેમ જાપાનના ક્યોટોમાં પૂર્વજોની યાદમાં દીવડા પ્રજ્વલ્લીત કરવાથી દિવંગતોના આત્માને શાંતિ મળે છે તેવી માન્યતા છે.
બોધિધર્મને પ્રગટાવેલા બુદ્ધ ધર્મના દિપકથી જાપાનની પ્રજા આધ્યાત્મિક બની, સાત્વિક બની, સુસંસ્કૃત બની. આજે જાપાનમાં ભગવાન બુદ્ધની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત છે; લાખો ભક્તો તેની પૂજા-અર્ચના-આરતી કરે છે. ઇતિહાસના પાનાઓ પર ભારત અને જાપાની મિત્રતાનો આ પ્રથમ પ્રસંગ હતો. દેશની આઝાદી કાજે આધુનિક ઢબે યુદ્ધ કરવા નીકળેલા સુભાષચંદ્ર બોઝને પણ જાપાનનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો હતો. તેમને ભારતની આઝાદી માટે મોટી સંખ્યામાં સૈન્યબળની જરૂર હતી. જેને ધ્યાને લઈને સુભાષબાબુએ જાપાનના તત્કાલીન પ્રધાનમંત્રી હિદેકી તોજો પાસે તેમની જેલમાં કેદ બ્રિટિશરો માટે લડતા ભારતીય સૈનિકોની આઝાદીની માંગ કરી હતી. ત્યારે દલીલ કર્યા વગર પીએમ તોજોએ તાળા ખોલીને સૈનિકોને મુક્ત કર્યા હતા. સુભાષબાબુએ ફોજને આધુનિક યુદ્ધ માટે તૈયાર કરવા જન, ધન અને સંસાધન એકઠાં કર્યાં ત્યારે જાપાનના સમર્થન થકી જ તેમણે આઝાદ હિંદના સર્વોચ્ચ સેનાપતિ તરીકે સ્વતંત્ર ભારતમાં અસ્થાયી સરકારની રચના કરી હતી.
જેને જર્મની, ફિલિપાઇન્સ, કોરિયા, ચીન, ઇટાલી, આયરલેન્ડ સહિતના દેશોએ માન્યતા આપી હતી . આઝાદ હિંદની ઐતિહાસિક સિદ્ધિ એ હતી કે તેણે જાપાનની મદદથી અંદામાન-નિકોબાર દ્વિપસમૂહને ભારતના પહેલા સ્વાધીન ભૂભાગ રૂપે મેળવ્યો હતો.
સુભાષબાબુ પર હવાઈ હુમલો અને હિરોશિમા નાગાસાકી પર થયેલા પરમાણુ પ્રહાર બાદ જાપાન અને ભારતનો સંક્રાંતિકાળ શરૂ થયો હતો. પરમાણુ હુમલાએ પાયમાલ કરેલા જાપાન પર સત્તાધારી દેશ શાસન કરવા માંગતા હતા. જાપાન મૂળ તો ૬૮૫૨ ટાપુઓનો બનેલો દેશ છે. જો ટાપુઓની તાકાતને તોડી નાખવામાં આવે તો જાપાન ક્યારેય વ્યાપારિક ક્ષેત્રે વિકાસ કરી જ શકે. એ માટે અમેરિકાએ ૧૯૪૯માં સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં જળમાર્ગે થતા દરેક વ્યાપારની વિગતવાર માહિતી સત્તાધારી દેશોને આપવાની રજુઆત કરવામાં આવી હતી.
એ સમયે ૪૯ દેશોએ આ પ્રસ્તાવને માન્ય રાખ્યો પણ ભારતે પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને જાપાનને સમર્થન પૂરું પાડ્યું હતું. ભારતની સાથે ચીન અને ચેકોસ્લોવાકિયાએ પણ આ સંધિ પર હસ્તાક્ષર કરવા મનાઈ ફરમાવી હતી. સૌ જાણતા હતા કે આ ષડયંત્ર જાપાન વિરુદ્ધ રચાયું છે પણ અન્ય દેશના અર્થતંત્ર પર પણ તેની ઘાતક અસરો પડી શકે છે. ત્રણ દેશોના વિરોધને કારણે આ કરાર કડકભૂસ થયા. ભારતે સૌપ્રથમ વિરોધનો વાવટો ફરકાવ્યો હતો એટલે જાપાનના પૂર્વ પીએમ અને શિન્ઝો આબેનાને નાના નોબુસુકે કિશીએ તેની નોંધ લીધી હતી. એ જ ક્ષણે ભારત અને જાપાનના સૌહાર્દપૂર્ણ સંબધોની શરૂઆત થઈ.
૧૯૫૭માં તો નોબુસુકે કિશી ભારતની મુલકાતે પણ આવ્યા હતા. એ સમયે ભારત સાથે સ્ટીલ અને લોખંડની આયાત-નિકાસનો વ્યવસાય જાપાને શરૂ કર્યો હતો. ત્યારથી શરૂ થયેલી મિત્રતા ૧૯૯૮ સુધી અકબંધ રહી પણ પોખરણ પરીક્ષણ વખતે અમેરિકાએ તેમના ઝેર ભેળવવાનું કામ કર્યું. અમેરિકાએ જાપાનના મનમાં એ વાત બેસાડી દીધી કે જે પરમાણુએ તેમની અડધી આબાદીને રાખ કરી નાંખી ભારત તેને જ પ્રોત્સાહન આપે છે. આ કેવું બે સારા મિત્રોની દોસ્તીને તોડવા માટે ક્લાસના તોફાની છોકરાઓ તરકટ કરે પણ એમ કંઈ દોસ્તી થોડી તૂટે! જાપાને તો આ પરીક્ષણને સકારાત્મક સમજ્યું. જેમ ભારતમાં સરકારી આંકડાઓની પ્રચારાત્મક માયાજાળ સરકાર રજૂ કરે છે.
એમ જાપાન સરકારે પણ પરમાણુના આંકડાઓનું ઉજળું ચિત્ર રજૂ કરીને જાહેર કરી દીધું કે, હવે જો હુમલો થશે તો ‘માથા સાટે નો ખેલ રચાશે’ અંતે અમેરિકાએ કદમ પાછા ખેંચવા પડ્યા પણ ભારત અને જાપાનના કદમ અસ્થિર ન થયા. આબે યુગમાં દેશને બુલેટ ટ્રેન જેવા ૧-૨ નહીં કુલ ૧૫ પ્રોજેક્ટ મળ્યા. જેના કારણે મોદીના વિકાસનું મોડલ આજે પણ મરક મરક હંસે છે.
જાપાને ૨૦૦૮માં ભારતને દિલ્હી-મુંબઈ-દિલ્હી રેલ્વે પ્રોજેક્ટ માટે ૪૫૦૦ કરોડ ડોલરની લોન સાવ નાખી દેવાના વ્યાજે આપી હતી. આબે ફરી વડા પ્રધાન બન્યા પછી તેમણે આ સહયોગને ગતિ આપી હતી. આબેના સમયમાં જ ભારત-જાપાન વચ્ચે શિંકનસેન ટૅકનોલૉજીનો ઉપયોગ કરીને બુલેટ ટ્રેન માટેના કરાર થયા ને પરમાણુ કરાર પણ થયા. બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ એ હદે વધ્યો કે, અત્યારે જાપાન ભારતમાં ત્રીજા નંબરનું સૌથી મોટું રોકાણકાર છે. શિન્ઝો આબે અને નરેન્દ્ર મોદીને મિત્રતા તો જય-વીરુ જેવી હતી. આબેના નિધન બાદ ખરેખર દેશને મોટી ખોટ પડી છે.
આજે જાપાન ભારત સાથે મુક્તપણે વ્યાપાર કરે છે. દેશના દરેક ખૂણે ટોયોટા, સેડાન, સુઝુકી અને હોન્ડાના વાહનો પરિવહનનું પર્યાય બન્યા છે. પેનાસોનિકથી લઈને સોની સુધીના ઇલેક્ટ્રિક ઉપકરણોએ ભારતના માર્કેટને બાનમાં લીધું છે. બીજી તરફ ભારતની ૧૩૮ જેટલી સ્વદેશી પ્રોડક્ટનું વેચાણ જાપાનમાં થાય છે. પાટણના કારીગરોના એક વર્ષના સખત પરિશ્રમ અને પ્રસ્વેદથી તૈયાર થતા પટોળાની માંગ ભારતમાં ઘટી છે પણ જાપાનમાં કુદકેને ભૂસકે વધી રહી છે. જાપાનમાં દર ત્રીજી યુવતી તેમના પરંપરાગત તહેવાર પર પટોળા પહેરવાનું પસંદ કરે છે. એટલે જ વિશ્ર્વમાં પટોળાની સૌથી વધુ આયત જાપાન કરે છે.
આ સંબંધો માત્ર વ્યાપાર પૂરતા જ સીમિત નથી. વ્યવહાર નિભાવવામાં પણ બંને દેશ મોખરે છે. ૨૦૧૧માં જયારે જાપાનમાં પૂર આવ્યું તો ભારતમાંથી ૩૮૪ લોકોની ટીમ ખાસ રેસ્ક્યુની કામગીરી માટે પહોંચી હતી. કેરળ અને કેદારનાથ જળમગ્ન થયા તો જાપાને બચાવ કામગીરી માટે આધુનિક સંસાધનો પૂરા પાડયા હતા. હાલ દેશમાં ઇન્ટરડિસિપ્લિનરી થિયોરિટિકલ એન્ડ મેથેમેટિકલ સાયન્સિસ પ્રોગ્રામ ચાલે છે. આ યોજના ઊપલક્ષમાં ભારતના યુવા વૈજ્ઞાનિકો જાપાનમાં જઈને તેની આધુનિક ખેતીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. એ ખેતીમાં ઉપયોગમાં લેવાતા બિયારણોની આયત જાપાન ભારતથી કરે છે. તેનાથી જ તો જાપાની મિયાવાકી પદ્ધતિ ભારતમાં વિકસી. આ તો એક પદ્ધતિનું નામ છે. આવી અનેક આધુનિક કૃષિ પદ્ધતિઓની ભેટ જાપાને આપી છે. તેના જ માધ્યમથી હવે લોકો નાનકડી બાલ્કનીમાં પણ ગાર્ડન બનાવીને તેમાં શાકભાજીનું વાવેતર કરે છે.
આજે પણ બન્ને દેશો વચ્ચે આધ્યાત્મિક ચેતનાઓનું આદાન-પ્રદાન થાય છે. હાલ નરેન્દ્ર મોદી કાશીને ક્યોટો બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એ જ કયોટો જ્યાં બૌદ્ધ ધર્મનો સંચાર થયો. નિષ્ણાતોના મતે કાશીને ક્યોટો બનાવવું અત્યંત મુશ્કેલ છે. ક્યોટો જાપાનની ધાર્મિક નગરી તો છે જ પણ તેનો સમાવેશ જાપાનના સ્માર્ટ સિટીમાં થાય છે. ત્યા બુલેટ ટ્રેન ચાલે છે, પહોળી સડકો છે. આઇટી પાર્ક છે, જાપાનનો વિશાળકાય ફિલ્મ સ્ટુડિયો છે. જયારે શિવજીની નગરી કાશી આજે કથળેલી પરિસ્થિતિમાં છે. અસ્સી ઘાટ હોય કે હડકીપૌડી. સ્વચ્છતાનો સદંતર અભાવ છે. છતાં કાશીને કલાત્મક બનાવવા માટે ‘નમો’ રૂ.૪૦૦ કરોડ ખર્ચીને પોતાની નેમ પુરી કરવા જઈ રહ્યા છે. કારણ કે કાશીની દિવ્યતા જ ભારતની અસ્મિતાની ઓળખ છે. ક્યોટોને તો ૧૯૯૪માં જ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો મળી ચુક્યો છે ત્યારે જોવાનું રહેશે કે કાશી ક્યારે કલાત્મક બનશે અને જાપાન તથા ભારતની દોસ્તીમાં સુવર્ણ પીંછું ઉમેરીને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સામેલ થશે!