ભારત અને પાડોશી નેપાળના સંબંધો વારંવાર કેમ બદલાતા રહેતા હોય છે?

ભારત અને નેપાળ વચ્ચેના રાજદ્વારી સંબંધોને બે ભાઈઓની ઉપમા દાયકાઓથી આપવામાં આવી છે. કાલાપાની વિસ્તારને લગતા વિખવાદને કારણે બંને દેશો વચ્ચેના સંબંધ ઉપર ખતરો ઉભો થયો છે. બંને દેશના નાગરિક એકબીજા દેશમાં આસાનીથી જઇ શકે છે, વેપારધંધા કરી શકે છે. ભવિષ્યમાં આ ખુલ્લી સરહદ બંધ થઈ શકે એવો સરહદી વિવાદ ઉભો થયો છે. નેપાળ હવે તો ચીનના ખોળે બેઠું છે. ખંધાપણાના પાઠ ભણીને ભારત સાથે વિવાદ કરવા આવી પહોંચ્યું છે. નેપાળના વડાપ્રધાને આ મહિને નવી દિલ્હી ઉપર સીધું નિશાન તાકતા આશ્ચર્ય થયું હતું. માનસરોવરની યાત્રા માટે કાલાપાની પ્રદેશ પાસે લિપુલેખ ઘાટ થઈને પસાર થતો એક રસ્તો ભારતે બનાવ્યો છે. એ રસ્તાનો ઉપયોગ કરતા માનસરોવરની યાત્રા બહુ સરળતાથી થઈ શકે તેમ છે. લિપુલેખ ઘાટનો રસ્તો ભારત માટે તિબેટનો રસ્તો છે અને મુક્ત વેપાર માટે તે રસ્તો વાપરવા મુદ્દે ચીન સાથે ઈ. સ. 1954 માં કરાર થયા હતા. ફરી ઈ. સ. 2015 માં પણ તે કરાર ઉપર ભારત અને ચાઇના વચ્ચે પુન: સહમતીની મહોર લગાવવામાં આવી હતી.
ભારત અને નેપાળની પ્રજાના હૃદય એક સરખા છે. કુદરત તરફની ગાઢ પ્રીતિ, નિર્મળ અંત:કરણ અને પરોપકારી ભાવનાઓ આ બધો ગુણસંપુટ તો ભારત-નેપાળનો સહિયારો છે. એ જુગજુના સંબંધમાં ચીને બહુ મહેનત કરીને તિરાડ પાડી છે. ઇ.સ. 1981 થી ચાઇનાએ કૈલાસ-માનસરોવર યાત્રાપથ ભારત માટે ખુલ્લો કર્યો છે, ત્યારથી તે ઘાટ તિબેટ જવા માટે વાપરવામાં આવ્યો છે. આ જ ઘાટ પર બનેલો પાક્કો રસ્તો હવે માનસરોવરની જાત્રા માટે વાપરવામાં આવશે. આ રસ્તાને કારણે માનસરોવરની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓનો ત્રણ દિવસ કરતા પણ વધુ સમય બચશે. પરંતુ નેપાળે તેનો તીવ્ર વિરોધ કર્યો. ત્યાંના વડાપ્રધાન મિસ્ટર ઓલીએ કડક શબ્દોમાં નિંદા કરી અને નેપાળના વિદેશમંત્રી પ્રદીપ ગેવાલીએ તો ભારત-નેપાળ સરહદે વધુ લશ્કર મોકલવાની ચિમકી આપી.
નેપાળી મંત્રીમંડળે ભારત સાથે સરહદી વિવાદ શરૂ કરવા માટે નવી રણનીતિ અપનાવી હોય એવું લાગે છે. નેપાળીઓ હવે લિપુલેખ સિવાયના બીજા ભારતીય પ્રદેશો ઉપર પણ હક્કદાવો જમાવવા માંગે છે. 1816 માં બ્રિટિશ રાજ વખતે થયેલી સમજૂતીને નેપાળ સરકાર યાદ કરે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં થયેલી આ સમજૂતીને ભારતીય વિદેશ મંત્રાલય કૃત્રિમ અને અસ્વીકાર્ય ગણે તે સ્વાભાવિક છે. પરંતુ ચાઈનીઝ ડ્રેગનના જેવી ભાષા શીખી રહેલા નેપાળના સત્તાધીશો પોતાના કદ કરતા વધુ ઉછળી રહ્યાં છે. નેપાળના વડાપ્રધાને એવું કહ્યું કે ભારતને કારણે નેપાળમાં કોરોના વાઇરસ આવ્યો અને ચાઇનાના કોરોના વાઇરસ કરતા ભારતથી આવેલો વાઇરસ વધુ પ્રાણઘાતક છે. કોરોના મહામારી માટે નેપાળ ભારતને જવાબદાર ઠેરવે છે. નેપાળ પાસે રાતોરાત આટલી હિમ્મત કેમ આવી ગઈ તે રહસ્ય છે પણ સમજી શકાય એવું છે.
જે દેશો વચ્ચેના સંબંધોનો ઇતિહાસ પુરાતન હોય એ દેશો વચ્ચે સરહદી વિખવાદ હોય તે સમજી શકાય એમ છે. ભારત-નેપાળ બોર્ડર વચ્ચે આવેલા કાલાપાની પ્રદેશનો વિવાદ તો સદી કરતા પણ જૂનો છે. 2014 માં નરેન્દ્ર મોદી, બીજા વિદેશ અધિકારીઓ અને તે સમયના નેપાળના સુશીલ કોઈરાલા જેવા વડાઓ મળ્યા હતા પરંતુ આ વિવાદ ઉપર સુખદ પૂર્ણવિરામ મૂકી શક્યા ન હતા. ભારતને હવે લાગે છે કે વિવાદને બિનજરૂરી ખેંચવામાં આવી રહ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે જાહેર કર્યું હતું કે મહામારી ખતમ થઈ જાય પછી સરહદી વિખવાદ ઉકેલવામાં આવશે અને જરૂર પડ્યે મંત્રણા કરવામાં આવશે. પરંતુ નેપાળ ચાઈનીઝ કાંકરીચાળો કરી રહ્યું છે. જો કે નેપાળની સરકારે ગત વરસે નવેમ્બર મહિનામાં પણ આ વિવાદ છેડયો હતો. અમુક રાજદ્વારી નેતાઓને દિલ્હી મોકલીને સરહદી વિવાદનું નિરાકરણ લાવવાનો પ્રસ્તાવ મુકાયો હતો જે રદ કરવામાં આવ્યો હતો. ભારત અને નેપાળ વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર છે. તકલીફના સંયોગોમાં વાટકી વહેવાર પણ છે. ભારતે નેપાળને આજ સુધી આપ્યું જ છે અને ત્રાજવે જોખ્યા વિના આપ્યું છે.
પાછલી સરકારોએ પણ નેપાળ જાણે કે ભારતનું એક રાજ્ય હોય એવું વાત્સલ્ય અને એવી ઉદારતા દાખવ્યા છે. પરંતુ હવે સંબંધોમાં કડવાશ આવી છે. આ રોગચાળાના સમયમાં પાડોશી દેશો ખભેખભા મિલાવીને સમયને મહાત કરે તે અપેક્ષિત છે. આવા નાજુક સમયમાં ત્રણ બાજુ હિન્દુસ્તાની સરહદ અને એક બાજુ ચીની સરહદ ધરાવતું નેપાળ શાંતિ ડહોળવાના પ્રયાસો કરે તે અનિચ્છનીય છે અને ચિંતાજનક પણ છે. ચીન નેપાળને ખભે બંદૂક રાખીને દિલ્હી તરફ નિશાન તાકે છે. નેપાળની મૂર્ખતા ચીન માટે લાભકારી છે. ચીનને આવા જ નાના મૂર્ખ રાષ્ટ્રો ખોરાક તરીકે જોઈએ છે. ભારત સામે ઊંચુ માથું કરતા નેપાળને હજુ એ ભાન નથી કે ચીન એને બલિનો બકરો બનાવે છે. દુનિયાના દરેક મોટા દેશો કોરોના સંક્રમણ માટે ચીનને જવાબદાર ઠેરવે છે અને ચીનથી અંતર રાખે છે. આવા સમયે ચીન નાના નાના દેશોને પોતાના આજ્ઞાંકિત બનાવવા માટે લુચ્ચાઈ કરે અને પોતાની હિંસક રણનીતિનો ફેલાવો બીજા રાષ્ટ્રોમાં પણ કરે તે બહુ સહજ બાબત છે. ભારત સહિત બધા દેશોએ ચીનના ખંધાપણાથી ચેતીને ચાલવું પડશે. નેપાળ તેના માટે એક પ્યાદુ માત્ર છે.