ભારત-ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ એક લોટરી જેવી હતી: ડેવિડ લોઇડ

અમદાવાદના નવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ બે દિવસમાં જ પૂરી થઈ ગયા બાદ પીચને લઈને ક્રિકેટ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઈંગ્લેન્ડમાં પણ આ મેચ ચર્ચાનો વિષય બની ચુકી છે. ઈંગ્લિશ કોમેન્ટેટર ડેવિડ લોઈડે પોતાની અખબારી કોલમમાં પીચની આકરી ટીકા કરીને લખ્યુ છે કે, આ મેચ એક લોટરી જેવી હતી. અહીંયા કોણ જીત્યુ અને કોણ હાર્યુ તે મહત્વનુ નથી. હા બેટ્સમેનોની ટેકનિક ખરાબ રહી હશે પણ જો આ પ્રકારની પીચ આઈસીસી(ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને સ્વીકાર્ય હોય તો આ પ્રકારની વધુને વધુ પીચો આગામી મેચોમાં જોવા મળશે અને ટેસ્ટ ક્રિકેટ પર તેની ગંભીર અસર પડશે. ક્રિકેટ બોર્ડને ટેસ્ટ મેચ લાંબી ચાલે તેનાથી કમાણી થતી હોય છે અને ટેસ્ટ મેચ જો ટૂંકી બની જાય તો આર્થિક રીતે નુકસાન થતુ હોય છે. લોઈડે કહૃાુ હતુ કે, પહેલાની ટેસ્ટની પીચને મેં બેનિફિટ ઓફ ડાઉટ આપ્યો હતો પણ આ પિચ પણ પહેલાની પિચ જેટલી જ ખરાબ હતી. આ માટે ફરી આઈસીસીને સવાલ પૂછાવો જોઈએ, શું આઈસીસી આ પ્રકારે ટેસ્ટ મેચ રમાય તેવુ જોવા માંગે છે, ટેસ્ટ મેચ સમય પહેલા પૂરી થઈ જાય તે આઈસીસીને સ્વીકાર્ય છે ? આ મેચ તો બે દિવસ પણ ચાલી નહોતી.જોકે મન ખબર છે કે, આઈસીસી કોઈ જવાબ નહીં આપે. ઉલ્લેખનીય છે કે, મોટેરા ટેસ્ટના બીજા જ દિવસે ઈંગ્લેન્ડનો ભૂંડો પરાજય થયો હતો અને ભારતે આ ટેસ્ટ ૧૦ વિકેટથી જીતી લીધી હતી.