ભારત ચીનની વિસ્તારવાદી નીતિ પર પાણી ફેરવવા સક્ષમ

સમગ્ર વિશ્ર્વમાં આર્થિક મંદીના વાદળો ઉમટ્યા છે ત્યારે ચીન ભારત સાથે ન ફક્ત ભીડાઇ રહ્યું છે, પણ સાથે સાથે આપણને ઉશકેરવા,ધમકાવવા અને આંખ દેખાડવાની પેરવી કરી રહ્યું છે. આ હરકતો જોઇને સૌ પ્રથમ આપણા મગજમાં એ જ સવાલ ઊઠે કે આખરે આ ચીનને જોઇએ છે શુંં? આખરે તેનું આ વલણ કઇ રણનીતિ તરફ ઇશારો કરી રહી છે?
ઉલ્લેખનીય છે કે ગલવાનની ઘાટીઓમાં વિશ્ર્વાસઘાતી હરકતો બાદ વાતચીત કરવા અંગે ન કેવળ ઇચ્છા દર્શાવી હતી, પરંતુ તેવું બતાવવાની કોશિશ પણ કરી હતી કે હવે પછી આવી હરકતો કરવાથી એ દૂર રહેશે. જોકે, આ ગલવાન ઘાટીના સમાચારોની હજી શાહી પણ નથી સુકાઇ ત્યાં ફરીથી હરકતમાં આવી ગયુ છે. જોકે અત્યારે આપણા સૈનિકો પહેલા કરતા પણ વધારે સતર્ક થઇ ગયા છે એ સારું છે. તેમને આશંકા તો હતી જ કે ચીન બોલે છે એના કરતા કંઇક ઊંધુ જ કરશે, પણ આપણા જવાનોએ તેમને બીજી વાર પણ મહાત આપી.
ભારતીય જવાનો આટલેથી જ અટક્યા નથી, પરંતુ તેમણે એવા શિખરો પર પોતાનો કબજો જમાવ્યો છે જેને ચીન પોતાની એક આગવી રણનીતિ અનુસાર પોતાના પ્રદેશનો હિસ્સો ગણાવતું હતું. ચીને ભારતીય સૈનિકો પર સીમાને લઇને બનેલી સહમતીનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. બીજી બાજુ ભારતીય સેનાનું સાફ શબ્દોમાં કહેવું એમ છે કે ચીન યોજનાબદ્ધ રીતે ચક્રવ્યૂહ રચવા માગે છે જેથી ભારતીય જમીન પર કબજો કરી શકે. ચીનને કદાચ કલ્પના પણ નહીં હોય કે ભારતીય સેના ન ફક્ત વળતો હુમલો કરશે, પરંતુ આક્રમક થઇને ચીની સેનાને ખદેડી પણ મૂકશે. આ જ કારણે ચીન ધૂંઆ પૂંઆ થઇ રહ્યુ છે.હકીકતમાં 29-30 ગસ્ટની અંધારી રાતે ચીની સૈનિકોએ ભારતીય વિસ્તારોમાં કબજો કરવાના બદ ઇરાદાથી હુમલો કર્યો, પરંતુ ભારતીય સૈનિકો સતર્ક હતા. તેમણે વળતો હુમલો કર્યો. પરિણામે બન્ને સેનાઓ વચ્ચે નાનો પણ તીખો સંઘર્ષ થયો જેમાં ચીની સેનાએ પીછેહઠ કરવી પડી. ભારતીય સેના માટે આ કાર્યવાહી એટલા માટે પણ જરૂરી હતી કે ચીની સૈન્યે પેગોંગ સરોવરના એક ભાગ પર પાછલા ચાર મહિનાથી કબજો જમાવ્યો હતો. અહીંની લગભગ આઠથી દસ કિમી.ની જમીન પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. આ વિસ્તારમા બંકર પણ બનાવી લીધા છે. પાછલા દિવસોમાં ભારત અને ચીની સેનાના અધિકારીઓ વચ્ચે અધિકૃત વાતચીત થઇ તેમાં વાતચીતનો મુદ્દો ચીનની આ હરકત જ હતી. ચીને આ વાતચીત દરમ્યાન દબાયેલા સ્વરમાં એવું પણ કહ્યું હતું કે તે આ જગ્યાએથી હટી જશે અને જ્યાં મે મહિનાની પહેલા હતા ત્યાં પાછા જતા રહેશે,પરંતુ ચીનના રાજનેતાઓ હોય કે લશ્કરી અધિકારીઓ તેમની સમસ્યા એ છે કે તેઓ જે બોલે છે એ પ્રમાણે કરતા નથી. આ બાબતમાં પણ એવું જ થયું. ચીની સૈન્ય પાછળ ન હટ્યું. ચીનની સાથે ભલે વિદેશ મંત્રીઓથી લઇને વિશેષ પ્રતિનિધિના સ્તર પર વાતચીત થતી હોય, પણ આ કવાયતનું કોઇ સકારાત્મક પરિણામ નથી મળતું.
આ પાર્શ્ર્વભૂમિમાં સ્વાભાવિક છે કે ચીન પર ભરોસો કરવો એ આપણા જ પગ પર કુહાડો મારવા જેવી વાત છે. ભારતીય સેના ચીનના આવા વલણને સારી રીતે ઓળખે છે એટલે તે હંમેશા સતર્ક રહે છે. તેની આ સતર્કતાને લીધે જ 29-30 ગસ્ટની રાતે ચીની સૈન્યના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું. એ પેગોંગ સરોવરના દક્ષિણી વિસ્તારના મહત્ત્વના શિખરો પર કબજો જમાવવા માગતુ હતું. જો તે એ કરી શક્યું હોત તો બેશક સુરક્ષાની દૃષ્ટિએ આપણને નુકસાન થયું હોત. જોકે કાબેલ અને સતર્ક ભારતીય સેનાએ તેમ ન થવા દીધું. ઉલટાનું તેણે જ એ ચાવીરૂપ શિખરો પર પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. જેને કારણે રણનીતિ અનુસાર આપણે લાભની સ્થિતિમાં પહોંચી ગયા છીએ.
આને કારણે ચીન હવે એટલું બધું ઘૂંઘવાઇ ઊઠ્યું છે કે તેણે એલ.એ.સી. પર ભારતીય સીમામાં સ્થિત થાકુંગ સૈન્ય બેઝની નજીક પોતાની સેના ખડી કરી દીધી છે. ભારત એનો વારંવાર વિરોધ કરી રહ્યું છે, પરંતુ ચીન તો જાણે એવી રીતે વર્તન કરી રહ્યું છે જાણે તેને આ મામલે કોઇ લેવા દેવા જ ન હોય. કદાચ ચીન પોતાના પર લાગનારા આરોપોથી બચવા માટે ઉલટાનું ભારત પર આરોપ લગાવીને પોતાને વધુ સુરક્ષિત સમજી રહ્યું છે. ભારત સ્થિત ચીનના રાજદૂતે પણ એટલા માટે એવું નિવેદન કર્યું છે કે ભારતીય લશ્કરે એલ.એ.સી. પર રેચિન-લા વિસ્તાર પર કબજો કરી લીધો છે. પરંતુ ભારતનું કહેવું એમ છે કે આ વિસ્તાર ભારતનો જ હિસ્સો છે, ચીનનો નથી.આટલું જ નહીં, ભારતીય સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ચીનનું રાજકીય નેતૃત્વ ચીની સૈનિકોની બિનજરૂરી આક્રમકતા પર અંકુશ લાદે, કારણ કે એમાં જ બન્ને દેશોનો લાભ છે. ભારતીય સૈન્યે સ્પષ્ટ શબ્દોમાં એ પણ કહી દીધું છે કે ચીની સેનિકોને કોઇ પણ કિંમતે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની છૂટ નહીં આપવામાં આવે. ભારતના રાજકીય નેતૃત્વે પણ ચીની રાજદૂતને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે ભારતીય લશ્કર તેની સીમામાં જ છે એટલે પીછેહઠ કરવાનો કોઇ સવાલ જ પેદા નથી થતો. એટલું જ નહીં, પણ ભારતે એ વાતનો ઇશારો પણ કરી જ દીધો છે કે માત્ર લદાખ જ નહીં, ચીન સાથેની તમામ સરહદો પરના સંવેદનશીલ વિસ્તારો પર ભારત દળને તૈયાર રાખશે અને ચીનની દરેક હરકતોનો જવાબ આપવામાં આવશે.