ભારત પહોંચ્યા વધુ ત્રણ રાફેલ, નોન સ્ટોપ પૂરી કરી ૭૦૦૦ કિમીની મુસાફરી

ફ્રાન્સમાંથી ૭૦૦૦ કિ.મી.નો નોન-સ્ટોપ પ્રવાસ ખેડીને વધુ ત્રણ રફાલ ફાઈટર જેટ વિમાન ભારતમાં ભારતીય હવાઈ દળના એક મથક ખાતે લેન્ડ થઈ ચૂક્યા છે. ભારતીય હવાઈ દળે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ સાથે ભારતને ફ્રાન્સ તરફથી અત્યાર સુધીમાં કુલ ૧૧ રફાલ વિમાન પ્રાપ્ત થયા છે, જે અણુબોમ્બ લઈ જવા માટે પણ સક્ષમ છે. આ વિમાનોની કોમ્બેટ રેન્જ ૭૮૦ કિ.મી.થી લઈને ૧,૬૫૦ કિ.મી. સુધીની છે. પાંચ રફાલ વિમાનોનો પહેલો જથ્થો ૨૦૨૦ની ૨૯ જુલાઈએ ભારત પહોંચ્યો હતો. ત્યારબાદ ત્રણ વિમાનનો બીજો જથ્થો ગયા વર્ષની ૩ નવેમ્બરે ભારત પહોંચાડવામાં આવ્યો હતો. પહેલા પાંચ વિમાનોને અંબાલા હવાઈદળ મથકમાં રાખવામાં આવ્યા છે જ્યારે બીજા ત્રણ વિમાનને પશ્ર્ચિમ બંગાળના હસીમારા હવાઈદળ મથકમાં રાખવામાં આવ્યા છે.

ફ્રાન્સની એરોસ્પેસ કંપની દૃાસોલ્ટ એવિએશન પાસેથી ૩૬ રફાલ વિમાન ખરીદવા માટે ભારત સરકારે ૨૦૧૬માં રૂ. ૫૯,૦૦૦ કરોડનો સોદો કર્યો હતો. તમામ ૩૬ વિમાનો ૨૦૨૨ની સાલ સુધીમાં ભારતને ડિલીવર કરી દેવામાં આવશે.