ભારત રશિયામાં થનારા બહુપક્ષીય યુદ્ધાભ્યાસમાં ભાગ નહીં લે

ભારતે જાહેરાત કરી છે કે તે આગામી મહિને રશિયામાં થનારા બહુપક્ષીય યુદ્ધાભ્યાસમાં ભાગ નહીં લે. એક સપ્તાહ પહેલા જ ભારતે સૈન્યાભ્યાસમાં ભાગ લેવાની પુષ્ટિ કરી હતી જેમાં ચીન અને પાકિસ્તાનના સૈનિકો પણ ભાગ લઈ શકે છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ મોડી રાતે જાહેર કરેલા નિવેદનમાં કહૃાું છે કે ભારતે કોરોના વાયરસ મહામારી અને અન્ય પડકારોને ધ્યાનમાં રાખીને પોતાની ટુકડી નહીં મોકલવાનો નિર્ણય લીધો છે.

આ સમગ્ર મામલે જાણકારોનું કહેવું છે કે સૈન્યાભ્યાસમાં ચીનની ભાગીદારી ભારતના આ નિર્ણયનું મુખ્ય કારણ છે. ભારતે ગત અઠવાડિયે રશિયાને જણાવ્યું હતું કે તે ૧૫થી ૨૬ સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ રશિયાના અસ્ત્રાખાન વિસ્તારમાં થનારા રણનીતિક કમાન પોસ્ટ અભ્યાસમાં સામેલ થશે.

રક્ષા મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણ બાબુએ કહૃાું કે “રશિયા અને ભારત નીકટના અને ગૌરવાન્વિત રણનીતિક ભાગીદાર છે. રશિયાના નિમંત્રણ પર ભારત અનેક આંતરરાષ્ટ્રીય આયોજનોમાં સામેલ થતું રહૃાું છે. જો કે મહામારી અને માલ સામાનના બંદોબસ્ત સહિત અનેક કપરા પડકારોને ધ્યાનમાં રાખીને ભારતે આ વખતે કવકાજ-૨૦૨૦માં પોતાની ટુકડી નહીં મોકલવાનું નક્કી કર્યું છે. તેમણે કહૃાું કે રશિયાને આ નિર્ણયથી માહિતગાર કરી દેવાયું છે.