ભારે વરસાદથી અમરેલીમાં તમામ રાજમાર્ગોનું ભયંકર ધોવાણ

અમરેલી,

હમણા હમણા ચારેક દિવસથી રાજકારણના રસિયા એવા અમરેલીમાં નવી ચર્ચાનો વિષય છેડાયો છે કે, અમરેલીના હજારો લોકોે રોજ ચાર વખત ખાડા પડી ગયેલા ખરાબ રોડ ઉપર ચાલે છે અને વાહનોમાં નુકસાની ભોગવી ખાડામાં પણ ખાબકે છે છતા નગરપાલિકાને લેખિત ફરિયાદ નથી કરી શકતા તે બ્રોડગેજ ટ્રેન મેળવવા માટે સૌશ્યલ મીડિયામાં જોરદાર ઝુંબેશ ચલાવી રહયા છે !.(એ હકીકત છે કે અમરેલી શહેરને મળવી જોઇતી સુવિધા આપવામાં અને મેળવવામાં સતત 75 વર્ષથી તમામ સરકારો અને લોકોના પ્રતિનિધિઓ નબળા સાબીત થયા છે. ગાયકવાડ સરકારે આપેલી મીટરગેજ પણ આપણે અમરેલીથી અમદાવાદની શરૂ નથી કરાવી શકયા, આ સુવિધા લોકોને મળવી જ જોઇએ પણ એ જો મોબાઇલ ઉપર સૌશ્યલ મીડિયામાં કોમેન્ટ કે સમર્થન આપવાની ઝુંબેશ ચલાવવાથી મળતી હોય તો સારુ છે.કદાચ આના માટે લોકોએ આગેવાન ન મળે તો પણ રોડ ઉપર આવવુ જોઇએ અને તેમાથી જ આગેવાનનો જન્મ થાય છે.)આ ચર્ચા એના માટે ચાલી છે કે, છેલ્લા એકાદ માસથી ભારે વરસાદના કારણે અમરેલીમાં તમામ રાજમાર્ગોનું ભયંકર ધોવાણ થયું છે એક પણ માર્ગ ખાડા વગરનો નથી રહયો અને અમરેલી શહેરમાં તમામ મુખ્ય માર્ગો ઉપર એક તરફથી મોટા ખાડાઓ અને બીજી તરફ રોડ ઉપર બેઠેલા રેઢીયાળ ઢોર અને રોડ ઉપર બેફામ આખડતા આખલાઓ વચ્ચે અમરેલીની ભારે દુર્દશા થઇ છે એ પણ કડવી વાસ્તવીકતા છે કે, રસ્તે રખડતા ઢોરના મામલે અમરેલીમાં બેવડી હત્યા જેવા દુખદ બનાવ બન્યા પછી પણ કોઇ નકકર પગલા પાલિકા કે સરકાર લઇ શકી નથી. એવુ નથી કે વરસાદને કારણે માત્ર ડામરના ચિતલ રોડ કે લાઠી રોડ ધોવાયા છે અમરેલી શહેરના ડામર સીવાયના માણેકપરાના તથા અન્ય સીસી રોડ પણ તુટી ગયા છે. દર વખતે આપણા પૈસાનો ધ્ાુમાડો થાય તુટી જાય તેવા નબળા રોડની ડીઝાઇન કે બજેટ સરકાર શા માટે બનાવી મંજુર કરે છે ? તેવો આક્રોશ લોકો એક બીજાની પાસે વ્યકત કરે છે પણ સરકારમાં લેખીત રીતે રજુઆત કરવા કોઇ આગળ આવ્યું હોય તેવા બનાવો કોઇના ધ્યાને નથી આવ્યા. અનેક કહેવાતા આરટીઆઇ એકટીવીસ્ટોએ જરુરીયાત પ્રમાણે “”વિવિધ’’ આરટીઆઇ કરી છે પણ આપણા નાણા બચાવવા માટે આ રસ્તો સરકાર મંજુર કરે છે કેટલા વર્ષ ટકશે ?ત્રણ વર્ષ ? તો દસ વર્ષ ચાલે તેવો રસ્તો શા માટે નથી બનાવવામાં આવતો ? કેટલા નાણા વધારે ખરચવાથી આ રોડ ત્રણ ને બદલે દસ વર્ષ ચાલશે ?આવી આરટીઆઇ એકેય ઝાંબાજોએ કરી હોય તેવુ જાણવા નથી મળ્યું ! અને કરી હોય તો તેના માટે કોઇ નકકર માંગણી કરી નથી.