ભારે વરસાદની આગાહી બાદ રાજ્યમાં વરસાદથી ખેડૂતોની વધી ચિંતા

એકબાજુ ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે, તેવામાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટું પડતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અને વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગત રાત્રિએથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાંએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. આણંદના ખંભાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતના ડાંગરના પાકને પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠાના ભાભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમરેલી જિલ્લામાં પણ ૨૦૦ ટકા વધારે વરસાદે તારાજી સર્જી છે. અમદાવાદમાં પણ મોડી રાત્રે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગરના કલોલમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી હતી. કચ્છમાં રાપર સહિતનાં આસપાસના ગામોમાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લાના નડિયાદમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ભિલોડા, શામળાજી અને માલપુરમાં વરસાદ વરસ્યો હતો.
વરસાદી ઝાપટું પડવાને કારણે ખેતરોમાં તૈયાર પાક પલળી ગયો હતો. જેના કારણે ખેડૂતો પર પડતાં પર પાટુ જેવો ઘાટ સર્જાયો હતો. વરસાદને કારણે ડાંગર, બાજરી સહિતના અન્ય પાક પલળી જતાં ભારે નુકસાન થયું છે. અને તેને કારણે ખેડૂતોના મોં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. પાક પલળી ન જાય તે માટે ખેડૂતોએ પ્લાસ્ટિક અને તાડપત્રી લઈને પાક ઢાકવા ખેતરોમાં દોડી ગયા હતા.