ભારે વરસાદને પગેલ રાજ્યના ૧૩૯ ડેમ હાઈ એલર્ટ પર

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવ્યા છે. એક તરફ બે દિવસ વરસાદ વિરામ પર છે અને ગુજરાતની જીવાદૃોરી ગણાતો સરદાર સરોવર ડેમ ૭૪.૦૫ ટકા ભરાઈ ગયો છે. સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૯.૯૪ મીટરે પહોંચી છે. હાલ નર્મદા ડેમમાં ૮૮ હજાર ૨૮૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ખેડૂતો માટે ખુશખબર એ છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ૯૧ ડેમ ૧૦૦ ટકા છલોછલ ભરાઈ ગયા છે. ૭૩ ડેમ ૭૦થી ૧૦૦ ટકા ભરાયા છે. ૧૬ ડેમ એવા છે જે ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાયા છે. ૧૪ ડેમ એવા છે જે હજુ ૨૫ થી ૫૦ ટકા જ ભરાયા છે અને ૧૧ ડેમમાં ૨૫ ટકાથી પણ ઓછું પાણી સંગ્રહિત થઈ શક્યું છે.

તો કુલ મળીને અત્યારે ૧૩૯ ડેમોની જળસપાટી તેની ટોચને સ્પર્શી શકે તેમ હોવાથી હાઈ એલર્ટ પર મુકાયા છે. ૧૫ ડેમને એલર્ટ પર મુકાયા છે અને ૧૦ ડેમ વોર્નિંગ સ્ટેજ પર મૂકાયા છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૬ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૯ જિલ્લાના ૧૧૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટયુ છે ત્યારે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યના ૪ તાલુકાઓમાં એક ઈંચથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ૪૭ મી.મી. એટલે કે ૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે ખંભાળિયામાં ૩૫ મીમી, ખેરાલુ ૩૦ મીમી, ગાંધીધામમાં ૨૪ મીમી વરસાદ વરસ્યો છે.

જ્યારે રાણાવાવ-સાણંદમાં ૧૯ મી.મી., માંડવી(કચ્છ)-બોરસદમાં ૧૮ મી.મી., સિધ્ધપુર-જોટાણામાં ૧૬ મી.મી., પોરબંદરમાં ૧૫ મી.મી., ભચાઉ, દ્વારકા, અમદાવાદ શહેર અને તારાપુરમાં ૧૪ મી.મી., ગાંધીનગરમાં ૧૩ મી.મી., તલોદ-ભાણવડમાં ૧૨ મી.મી. એટલે અડધા ઇંચથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કે, રાજ્યના ૮૨ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો-સામાન્ય વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે. રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૭.૯૭ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૨૧.૮૦ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૪૨.૦૨ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૫.૬૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૯૨.૭૭ ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં ૮૦.૭૯ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.