ભાલા ફેંકમાં દિગ્ગજ નીરજ ચોપરાએ  અભૂતપૂર્વ ઝનૂનથી વિશ્વવિજય મેળવ્યો 

ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ એવા ભારતના જેવલિન થ્રોઅર એટલે કે ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપરાએ ફરી ઈતિહાસ રચી દીધો. અમેરિકાના યૂઝીનમાં રમાઈ રહેલી ૧૮મી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને નીરજ ચોપરાએ ભારતને ફરી ગૌરવાન્વિત કર્યું છે. આ પહેલાં નીરજ ચોપરાએ જાપાનના ટોક્યોમાં રમાયેલી ઓલિમ્પિક ગેઈમ્સમાં ભારત માટે ટ્રેક એન્ડ ફિલ્ડમાં પહેલો ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
નીરજ ચોપરાની સિદ્ધિ બહુ મોટી છે કેમ કે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક ગેઈમ્સ બંનેમાં ભારત માટે મેડલ જીતનારો નીરજ પહેલો એથ્લેટ છે. નીરજ ઓલિમ્પિક ગેઈમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારો નીરજ બીજો ખેલાડી હતો. ઓલિમ્પિક ગેઈમ્સમાં ભારત માટે નીરજ પહેલાં શૂટર અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તો ભારત વતી કોઈએ પહેલી વાર સિલ્વર મેડલ જીત્યો છે.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૧૯૮૩થી યોજાય છે પણ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતના નામે એક જ મેડલ બોલે છે. આ મેડલ અંજુ બોબી જ્યોર્જે ૨૦૦૩માં લાંબા કૂદકામાં જીત્યો હતો. અંજુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તેથી નીરજ આ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. સાથે સાથે નીરજ પ્રથમ ભારતીય પુરૂષ એથ્લેટ પણ છે, જેણે વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં કોઈ મેડલ જીત્યો હોય. નીરજે ઓલિમ્પિકમાં કરેલા દેખાવના કારણે તેની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રખાતી હતી પણ ભારતનું ગોલ્ડ જીતવાનું સપનું પૂરું થઈ શક્યું નથી. અલબત્ત તેનો અફસોસ કરવા જેવો નથી કેમ કે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જેવી સ્પર્ધાઓમાં ગમે તે મેડલ જીતવો જ અઘરો છે. અઘરો ન હોત તો નીરજ પહેલાં બીજા ખેલાડી ન જીતી લાવ્યા હોત ?

આ પહેલાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત ગોલ્ડ મેડલ તો જીત્યું નથી જ પણ પુરૂષ ખેલાડીઓ એક મેડલ સુધ્ધાં લાવી શક્યા નહોતા. નીરજે એ મહેણું ભાંગ્યું છે ને સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું છે. નીરજે ૮૮.૧૩ મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો છે. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે ૯૦.૪૬ મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો એ જોતાં નીરજ તેના કરતાં ઘણો પાછળ રહ્યો છે પણ ભારત માટે નીરજે સિલ્વર જીતી બતાવ્યો એ છે. ભાલા ફેંકમાં ભારતના રોહિત યાદવ પણ ઉતરેલા પણ ૭૮.૭૨ મીટરના થ્રો સાથે છેક દસમા નંબરે રહ્યા છે. નીરજે ભલે ગોલ્ડ મેડલ ના જીત્યો પણ સારી વાત એ છે કે નીરજે ઓલિમ્પિક્સમાં કરેલા દેખાવ કરતાં પણ બહેતર દેખાવ કર્યો છે. બલ્કે અત્યાર સુધીનો તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે. નીરજ ઓલિમ્પિક ગેઈમ્સમાં ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૮૬.૬૫ મીટર થ્રો કરીને ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેમાં પહેલો આવેલો. નીરજ ફાઈનલમાં આવ્યો ત્યારે ભરપૂર આત્મવિશ્ર્વાસ સાથે ઉતરેલો અને કોઈ તબક્કે લોકોને નિરાશ કર્યા વિના પહેલેથી છવાઈ ગયેલો.

ઓલિમ્પિક્સ જેવી ગેઈમ્સમાં પહેલો ઘા સૌથી મહત્ત્વનો હોય છે. શરૂઆતમાં શાનદાર દેખાવ કરો તો હરીફો પર માનસિક દબાણ પણ પેદા કરી શકો ને નીરજે એ મંત્રને અમલમાં મૂકીને પહેલા બંને પ્રયત્નમાં જ પોતાની બધી તાકાત લગાવી દીધી હતી. નીરજે પહેલા પ્રયાસમાં ૮૭.૦૩ મીટર દૂર ભાલો ફેંક્યો અને ટોપ પર રહ્યો.
બીજા થ્રોમાં નીરજે પોતાનો દેખાવ અડધો મીટર સુધારીને ૮૭.૫૮ મીટર કર્યો ને પોતાની સરસાઈ વધારી. નીરજે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ૮૬.૬૫ મીટર દૂર ભાલો ફેંકેલો. પહેલા બે રાઉન્ડ કરતાં તેનો દેખાવ ખરાબ હતો પણ પહેલા બે રાઉન્ડના દેખાવના કારણે જ તેના હરીફો અડધા તો ઢીલાઢફ થઈ ગયા હતા.

આ વખતે નીરજે ૮૮.૧૩ મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો છે અને આ સ્કોર એલિમ્પિક્સ કરતાં બહેતર છે જ. અલબત્ત ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા કરેલો દેખાવ તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ નહોતો. નીરજે ૨૦૧૮ એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીતતી વખતે વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ૮૮.૦૬ મીટર દૂર થ્રો કર્યો હતો. નીરજે આ વખતે આ દેખાવનું પુનરાવર્તન કરીને વધારે સારો સ્કોર કર્યો છે. કોઈ પણ ખેલાડી એક ઊંચાઈએ પહોંચે પછી તેના માટે પોતાના દેખાવમાં થોડોક સુધારો કરવો પણ મુશ્કેલ થઈ જતો હોય છે ત્યારે નીરજે સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને સાબિત કર્યું છે કે હજુ પણ તેની રમતમાં સુધારો થઈ રહ્યો છે. નીરજના દેખાવમાં થઈ રહેલા આ સુધારાના કારણે નીરજ ભારતને ફરી ઓલિમ્પિક મેડલ અપાવશે એવી આશા જાગી છે.

નીરજની જીત એ રીતે પણ મહત્વની છે કે ઈજામાંથી બહાર આવીને તેણે જીત મેળવી છે. નીરજ ચોપરા છેલ્લી ત્રણ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપથી મેડલ જીતવા મથતા હતા પણ સફળતા નહોતી મળતી. નીરજ કોણીની સર્જરીને કારણે ગઈ સીઝનમાં રમી શક્યો ન હતો.
૨૦૧૭ની સીઝનમાં નીરજ ફાઈનલ માટે ક્વોલિફાય પણ નહોતો થયો. એ વખતે નીરજે ૮૨.૨૬ મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ સ્કોર તેની ક્ષમતા કરતાં બહુ ઓછો હતો એ જોતાં તે ક્વોલિફાય ના થાય તેમાં નવાઈ નથી. નીરજે એ પછી સતત તેની રમતમાં સુધારો કર્યો ને તેના કારણે પહેલાં ઓલિમ્પિક ગોલ્ડ જીત્યો ને હવે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પણ જીત્યો છે.

નીરજની જીતથી વિશ્વમાં એથ્લેટિક્સ ક્ષેત્રે સાવ પાંગળું ગણાતા ભારતની નોંધ લેવાઈ છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપને ઓલિમ્પિક ગેઈમ્સ પહેલાંનો રણટંકાર ગણવામાં આવે છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સારો દેખાવ કરી શકે એ ખેલાડી ઓલિમ્પિક ગેઈમ્સમાં જીતી જ શકે એવું મનાય છે કેમ કે એથ્લેટિક્સમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું લેવલ બહુ ઊંચું છે.
વિશ્વના સર્વોત્તમ એથ્લેટ્સ પોતાની તાકાત અજમાવવા માટે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઊતરે છે. તેમની વચ્ચે જીતી શકે એ ગમે ત્યાં જીતી શકે. નીરજે આ લેવલ પાર કરીને પોતાનો ક્લાસ તો પુરવાર કર્યો જ છે પણ આ દેશના યુવાઓને પણ મેસેજ આપ્યો છે કે દેશમાં ભલે સ્પોર્ટ્સ માટે સારો માહોલ ના હોય પણ તમારામાં તાકાત હોય, ઝનૂન હોય તો તમે વર્લ્ડ ચેમ્પિયન બની જ શકો.