ભેટમાં મળેલી વિરાટની જર્સીથી વૉર્નરની પુત્રી ખુશખુશાલ

ઑસ્ટ્રેલિયનો તાજેતરમાં ઘરઆંગણે ભારત સામેની ટેસ્ટ-સિરીઝ ૧-૨થી હારી ગયા એને પગલે ડેવિડ વૉર્નર અને ટીમના બીજા ખેલાડીઓ હજી વધુ થોડા દિવસ ગમગીનીમાં રહેશે, પરંતુ વૉર્નરની દીકરી ઇન્ડિ રેઇ ખુશખુશાલ છે. વિરાટ કોહલીએ ઇન્ડિ માટે ભેટ આપેલી પોતાની જર્સીમાં સજ્જ ઇન્ડિના ફોટાને ખુદ વૉર્નરે શનિવારે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

વૉર્નર ઘણા વર્ષોથી ભારતની આઇપીએલમાં રમે છે અને તેને ભારત ખુદ પ્રિય છે એટલે જ તેણે પુત્રીનું નામ ‘ઇન્ડિયા પરથી પાડ્યું છે. વૉર્નરે ફોટા સાથેની પોસ્ટમાં લખ્યું હતું, ‘હું જાણું છું કે અમે ભારત સામે સિરીઝ હારી ગયા, પણ આ છોકરીને જુઓ…તે કેટલી બધી ખુશ છે. વિરાટે તેનું જર્સી મારી દીકરી ઇન્ડિને બક્ષિસમાં આપ્યું એ બદલ તેનો ખૂબ આભાર. ઇન્ડિને એ જર્સી ઘણું જ ગમ્યું છે. ઇન્ડિને તેના ડૅડી અને ઍરોન ફિન્ચ તો ગમે જ છે, તે વિરાટ કોહલીની પણ ફૅન છે.

વૉર્નરની પત્નીનું નામ કૅન્ડિસ છે. તેમને ત્રણ પુત્રીઓ છે. કૅન્ડિસે તાજેતરની રેડિયો ચૅટમાં કહૃાું હતું કે ‘અમારા બાળકોને ક્રિકેટ રમવું ખૂબ ગમે છે. અમે બંગલાની પાછળના પ્લૉટમાં ઘણી વાર રમીએ છીએ. મારી સૌથી મોટી દીકરી તેના ડૅડીની ફૅન છે, જ્યારે સૌથી નાની પુત્રીને ફિન્ચની બૅટિંગ ખૂબ ગમે છે. જોકે, વચલી દીકરી ઇન્ડિ તો વિરાટ કોહલી જેવી ક્રિકેટર બનવા ઇચ્છે છે. હું મજાક નથી કરતી…તેને વિરાટ કોહલી બેહદ પ્રિય છે.