શિવરાજસિંહે ટ્વિટ કરી છે કે, મારા પ્યારા ભાણિયાને ભાણીઓ, આજથી મધ્ય પ્રદેશમાં તમામ સંસાધનો પર પહેલો અધિકાર મધ્ય પ્રદેશનાં બાળકોનો રહેશે. હવે તમામ સરકારી નોકરીઓ મધ્ય પ્રદેશનાં બાળકો માટે જ અનામત રખાશે. અમારું લક્ષ્ય મધ્ય પ્રદેશની પ્રતિભાઓને રાજ્યના વિકાસમાં સહભાગી બનાવવાનું છે. શિવરાજસિંહને મધ્ય પ્રદેશમાં લોકો પ્રેમથી મામા કહે છે તેથી શિવરાજે ટ્વિટ કરી તેમાં બધાંને ભાણિયા ને ભાણીઓ તરીકે સંબોધન કર્યું છે. શિવરાજે ચાર દિવસ પહેલાં જ સ્વાતંત્ર્ય દિને કરેલા પ્રવચનમાં કહેલું કે, રાજ્યમાં સરકારી નોકરીઓમાં સ્થાનિક યુવાનોને પહેલી તક અપાશે ને ધોરણ 10 તથા ધોરણ 12 ની માર્કશીટના આધારે મધ્ય પ્રદેશના સ્થાનિક યુવાનોને સરકારી નોકરીઓ મળશે.
રાજકારણીઓ સ્વાતંત્ર્ય દિને બોલવા બેસે ત્યારે બહુ બધી ઊંચી ઊંચી કથા કરતા હોય છે તેથી લોકો તેમની વાતને ગંભીરતાથી લેતા નથી. આ કારણે લોકોએ શિવરાજની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી હતી. શિવરાજે એ વખતે ફોડ પણ નહોતો પાડ્યો કે એ ખરેખર કઈ રીતે મધ્ય પ્રદેશમાં સરકારી નોકરી સ્થાનિક યુવાનોને આપવા માગે છે. તેના કારણે શિવરાજ ખાલી વાતોનાં વડાં કરે છે એવું સૌએ માનેલું પણ શિવરાજે ખરેખર આ વાત ગંભીરતાથી કરેલી. હવે તેમણે સત્તાવાર રીતે એલાન જ કરી દીધું છે તેના કારણે હવે આખી વાત ગંભીર બની જાય છે.
શિવરાજે આ જાહેરાત કેમ કરી એ કહેવાની જરૂર નથી. શિવરાજસિંહ મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા પછી બેઠાં બેઠાં તળિયા તપાવતા હતા ને દિલ્હીમાં ભાજપના નેતાઓના ઓશિયાળા બનીને જીવતા હતા. કૉંગ્રેસે મધ્ય પ્રદેશમાં સત્તા કબજે કરીને શિવરાજને સાવ નવરા કરી નાંખેલા પણ જ્યોતિરાદિત્ય સિંધિયા કૉંગ્રેસની પંગત છોડીને ભાજપમાં બેઠા તેમાં શિવરાજસિંહને લોટરી લાગી ગઈ. સિંધિયાની સાથે કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ કૉંગ્રેસમાંથી રાજીનામાં આપી દીધેલાં. ભાજપે લીલા તોરણે બધાંને પોંખ્યા ને હવે તેમની પાલખી ઊંચકીને ફરે છે. આ સિવાય બીજી બે બેઠકો પણ જુદાં જુદાં કારણોસર ખાલી પડેલી. આ 24 બેઠકોની પેટાચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે એમ છે.
શિવરાજસિંહ સિંધિયાની મહેરબાનીથી ગાદી પર તો બેસી ગયા પણ તેમના માટે હજુ વીમો છે. શિવરાજસિંહે આ 24 બેઠકોમાંથી 10 બેઠકો ગમે તે રીતે જીતવી પડે તેમ છે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 બેઠકો છે ને મધ્ય પ્રદેશ વિધાનસભાના સ્પીકર એન.પી. પ્રજાપતિએ કૉંગ્રેસમાંથી બળવાનો ઝંડો ફરકાવનારા 22 ધારાસભ્યોનાં રાજીનામાં મંજૂર કર્યાં પછી વિધાનસભાનાં સમીકરણો બદલાઈ ગયાં હતાં. હવે કૉંગ્રેસ પાસે 92 ધારાસભ્યો બચ્યા છે જ્યારે ભાજપ પાસે 106 ધારાસભ્યો છે. ભાજપ પાસે અત્યારે સ્પષ્ટ બહુમતી છે કેમ કે 22 ધારાસભ્યોનાં રાજીનામાં સાથે વિધાનસભાની સભ્યસંખ્યા ઘટીને 108 થઈ ગઈ છે. બીજી બે બેઠકો ખાલી પડી તેના કારણે સભ્યસંખ્યા ઘટીને 106 થઈ છે.
આ પરિસ્થિતિમાં ભાજપને સ્પષ્ટ બહુમતી માટે 103 સભ્યો જોઈતા હતા ને ભાજપ પાસે તેના કરતાં ત્રણ વધારે સભ્યો છે. તેના કારણે ભાજપ પોતાના જોરે સરકાર રચી નાંખી પણ ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામ અવળાં આવે તો શિવરાજસિંહ પાછા નવરાધૂપ થઈ જાય. કૉંગ્રેસ પાસે અત્યારે 92 સભ્યો છે ને એ બધી 24 બેઠકો જીતે તો તેની પાસે 116 ધારાસભ્યો થઈ જાય ને તેની બહુમતી થઈ જાય. વાસ્તવિક રીતે આ વાત શક્ય નથી પણ કાગળ પર કૉંગ્રેસ માટે મધ્ય પ્રદેશમાં સત્તામાં પાછા ફરવાની હજુ એક તક છે જ. શિવરાજ કોઈ ચાન્સ લેવા માગતા નથી ને એવી કોઈ તક ન રહે એ માટે બધાં વાનાં કરી રહ્યા છે. બલ્કે શિવરાજની ઈચ્છા તો ચોવીસે ચોવીસ બેઠકો જીતીને સપાટો બોલાવી દેવાની જ છે કે જેથી ભવિષ્યમાં કોઈ ચૂં કે ચાં કરે જ નહીં ને બીજાં ત્રણ વરસ સુખરૂપ નિકળી જાય. તેના ભાગરૂપે જ એ મતદારોને આકર્ષવા જાતજાતના દાવ ખેલી રહ્યા છે ને સ્થાનિક લોકોને જ સરકારી નોકરીઓ તેમાંનો જ એક દાવ છે.
શિવરાજે પોતાના રાજકીય સ્વાર્થ માટે આ દાવ ખેલ્યો છે પણ આ જાહેરાત ગેરબંધારણીય ને દેશનાં લોકોમાં પ્રદેશવાદના આધારે ભેદભાવ કરનારી છે. આ દેશનું બંધારણ બધાંને સમાન ગણે છે ને દેશનાં બધાં રાજ્યોમાં તમામ નાગરિકોને સરકારી નોકરીનો અધિકાર છે જ. શિવરાજસિંહ આ અધિકાર કઈ રીતે છિનવી શકે ? મધ્ય પ્રદેશ કંઈ કોઈના બાપની મિલકત નથી કે દેશનાં બીજાં લોકોનો સરકારી નોકરીનો અધિકાર છિનવી લેવાય. શિવરાજે હજુ કાનૂની રીતે જાહેરાત કરી નથી. કાનૂની રીતે આ જાહેરાત નહીં ટકે પણ મૂળ વાત માનસિકતાની છે.
જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ 370 અને 35 – એ સામે ભાજપને એ કારણસર વાંધો હતો કે, એક દેશમાં બે બંધારણ ના હોઈ શકે ને એક રાજ્યના નાગરિકોને ખાસ અધિકારો ના હોઈ શકે. જમ્મુ અને કાશ્મીરનાં સંસાધનો પર કાશ્મીરીઓનો જ અધિકાર હોય ને દેશના બીજા નાગરિકોને કશું ન મળે એ બંધારણીય જોગવાઈ સામે ભાજપને વાંધો હતો. ભાજપનો વાંધો સો ટકા સાચો હતો. આ દેશમાં સરકારી નોકરી હોય કે બીજી જે પણ સવલત હોય, તેના પર બધાં લોકોનો અધિકાર છે એ જોતાં ભાજપની વાત બિલકુલ સાચી હતી.
ભાજપે કલમ 370 અને 35 – એ બંને નાબૂદ કરીને એ અન્યાય, એ ભેદભાવ દૂર કરીને ઐતિહાસિક પગલું ભરેલું. ભાજપની એ માટે સરાહના કરવી જ જોઈએ પણ હવે ભાજપની સરકાર મધ્ય પ્રદેશમાં એ જ ધંધો કરી રહી છે. આ નિર્ણય પાછળ કોઈ સૈદ્ધાંતિક કારણ હોય તો હજુ સમજી શકાય. છત્તીસગઢ કે ઝારખંડ જેવાં પછાત રાજ્યોમાં ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં આ પ્રકારની જોગવાઈ થાય તો હજુય સમજાય. આ રાજ્યો વિકાસમાં ઘણા પાછળ છે તેથી ત્યાંના સ્થાનિક લોકોને એક તક આપવાના નામે આ પ્રકારની જોગવાઈ હજુ ચલાવી લેવાય પણ મધ્ય પ્રદેશમાં એવું કરવાની જરૂર જ નથી.
બીજું એ કે, દેશનાં બાકીનાં રાજ્યોમાં અલગ કાયદો ને મધ્ય પ્રદેશમાં અલગ કાયદો એવું કઈ રીતે ચાલે ? આમ જુઓ તો ભાજપે કાશ્મીરમાં જે મુદ્દો ઊભો કરેલો એ જ આ મુદ્દો છે. ભાજપ રાષ્ટ્રીય પક્ષ છે, દેશનો શાસક પક્ષ છે ને દેશનાં તમામ નાગરિકોના અધિકાર સાચવવાની તેની ફરજ છે ત્યારે ભાજપને તકલીફ પડે એવી જાહેરાતો શિવરાજ કરે એ શરમજનક કહેવાય. આ પ્રકારની સંકુચિત વાતો પ્રાદેશિક પક્ષો કરે, ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષને ન શોભે. ખરેખર તો આવી જાહેરાત કરનારા શિવરાજને ભાજપે લાત મારીને તગેડી મૂકવા જોઈએ.
આપણે આ પ્રકારની જાહેરાતોની અસરો શું થાય છે તે વિશે પણ વિચારવાની જરૂર છે. આ પ્રકારની જાહેરાતો દેશની એકતાને તોડી નાંખશે. આજે મધ્ય પ્રદેશે આવી જાહેરાત કરી છે, કાલે બીજું કોઈ રાજ્ય કરશે ને પછી ધીરે ધીરે બધાં રાજ્યો એ તરફ વળશે એ જોતાં ડોશી મરી જાય તેનો ભય નથી પણ જમ ઘર ભાળી જાય તેનો ડર છે. સરકારી નોકરીથી શરૂઆત થઈ છે, પછી એવું આવશે કે હવે રાજ્યમાં રાજ્યના નાગરિકો સિવાય બીજું કોઈ વેપાર નહીં કરી શકે, રાજ્યના તમામ કોન્ટ્રાક્ટ રાજ્યનાં લોકોને જ મળશે ને એ રીતે સ્થિતિ એ આવીને ઊભી રહેશે કે એક રાજ્યનાં લોકોને બીજા રાજ્યમાં કશું કરવાની છૂટ જ નહીં હોય. દરેક રાજ્ય પ્રદેશવાદના વાડામાં વહેંચાઈ જશે. આ સ્થિતિ આપણને જોઈએ છે ?
શિવરાજ જેવા સ્વાર્થમાં આંધળા થયેલા લોકો આ પ્રકારના બકવાસનાં શું પરિણામો આવી શકે એ વિશે પણ વિચારતા નથી. આ જાહેરાત પછી દેશનાં બીજાં રાજ્યોના લોકો મધ્ય પ્રદેશના લોકોને બિસ્તરા પોટલા બાંધીને મધ્ય પ્રદેશ ભેગા થવાનું કહેશે તો તેને માટે જવાબદાર કોણ હશે ? બહારનાં લોકોને મધ્ય પ્રદેશમાં સરકારી નોકરી ન મળે તો મધ્ય પ્રદેશનાં લોકો પણ બીજાં રાજ્યોમાં ન જ રહી શકે એવી દલીલ કોઈ કરે તો શું કરશો ?