મન મનાવવા અને કોંગ્રેસને સપનાઓ દેખાડવા પ્રશાન્તના અજાયબ તરંગો

ઈલેક્શન સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે કોંગ્રેસને ફરી બેઠી કરવા લોકસભાની તમામ 543 બેઠકો પર લડવાના બદલે માત્ર 370 બેઠક પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી છે. આ સલાહ અક્સિર છે ને વાસ્તવમાં કોંગ્રેસે અત્યારથી આ સ્ટ્રેટેજી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કોંગ્રેસ બીજે બધે પોતાની શક્તિ વેડફવાના બદલે આ 370 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમાંથી 40 ટકા એટલે કે 150ની આસપાસ બેઠકો પણ જીતી લાવે તો કેન્દ્રમાં સરકાર રચી શકે તેમ છે. કોંગ્રેસ આ બેઠકો જીતે તેનો અર્થ એ થાય કે ભાજપની બેઠકો ઘટે. કોંગ્રેસની ભાજપ સાથે સીધી ટક્કર છે એ રાજ્યોમાં મજબૂત બનીને કોંગ્રેસ ભાજપને સત્તાથી વંચિત જ ન રાખી શકે પણ પોતે પણ સત્તામાં આવી શકે. કોંગ્રેસ 150 બેઠકો જીતે પછી સત્તા માટે તેણે 122 સાંસદોના ટેકાની જરૂર પડે. મમતા બેનરજી, એમ.કે. સ્ટાલિન, કે.સી. ચંદ્રશેખર રાવ, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, ડાબેરીઓ વગેરે એટલી બેઠકો લઈ આવી શકે એટલા તાકાતવર છે જ તેથી કોંગ્રેસ માટે તક ઊભી થાય જ.
પી.કે.ની વ્યૂહરચના એ રીતે મહત્ત્વની છે કે ભાજપ કોંગ્રેસના ભોગે તાકાતવર બન્યો છે. ભાજપ સામે લડવામાં કોંગ્રેસ સૌથી નબળી સાબિત થઈ છે તેથી ભાજપની તાકાત અનેકગણી વધી ગઈ, ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી શક્યો. લોકસભાની ચૂંટણીમાં ગુજરાત (25), મધ્ય પ્રદેશ (28), રાજસ્થાન (26), છત્તીસગઢ (13), કર્ણાટક (28), હિમાચલ પ્રદેશ (4), ઝારખંડ (14), હરિયાણા (10), ઉત્તરાખંડ (5), આસામ (14) એ દસ રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે. આ રાજ્યોમાં લોકસભાની 167 બેઠકો છે. લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપ ક્લીન સ્વીપ કરીને મોટા ભાગની બેઠકો જીતી ગયો છે. લોકસભાની 2019ની ચૂંટણીમાં ભાજપે આ રાજ્યોમાં 90 ટકા બેઠકો જીતી હતી. કોંગ્રેસ આ રાજ્યોમાં ફટકો મારીને ચાલીસ ટકા બેઠકો જીતે તો પણ તેના ભાગમાં 65 બેઠકો આવે ને તેના કારણે મોટો ફરક પડી જાય.
કોંગ્રેસ પાસે અત્યારે પણ કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યો એવાં છે જ કે જ્યાં તે પોતાના જોર પર સારો દેખાવ કરી શકે છે. તામિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં પણ કોંગ્રેસ બે-બે ચાર-ચાર બેઠકો જીતે જ છે તેથી કોંગ્રેસના ખાતામાં આ 65 બેઠકો ઉમેરો તો કોંગ્રેસ 120 બેઠકોના આંકડાને સરળતાથી પાર કરી જાય. કોંગ્રેસના ખાતામાં નવી ઉમેરાય એ બેઠકો ભાજપની ઓછી થાય તેથી ભાજપને બંને રીતે ફટકો મારી શકે. પી.કે.એ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં કોંગ્રેસને એકલા હાથે લડવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. યુપીમાં 80, બિહારમાં 40 અને ઓડિશામાં 21 મળીને આ ત્રણ રાજ્યોમાં થઈને લોકસભાની કુલ 141 બેઠક છે.
પી.કે.નું માનવું છે કે, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં કોંગ્રેસ પાસે કોઈ વિશ્વસનીય અને મજબૂત સાથી નથી તેથી કોંગ્રેસે એકલા લડવું જોઈએ. આ વાત ખોટી છે ને વાસ્તવમાં કોંગ્રેસે ભાજપને પછાડવો હોય તો કમ સે કમ બિહાર અને ઉત્તર પ્રદેશમાં તો સાથી પક્ષો સાથે જોડાણ કરવું જ પડે. ઓડિશામાં નવિન પટનાઈકની બીજેડી સાથે જોડાણ ના કરી શકે પણ યુપી-બિહારમાં જોડાણ
જરૂરી છે. બિહારમાં લાલુપ્રસાદ-તેજસ્વી યાદવની આરજેડી અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે કોંગ્રેસ જોડાણ કરે એ અનિવાર્ય છે કેમ કે ભાજપને હરાવવાની ચાવી ઉત્તર પ્રદેશ અને બિહાર પાસે જ છે. ઉત્તર પ્રદેશમાં 80 અને બિહારમાં 40 મળીને બે રાજ્યોમાં લોકસભાની 120 બેઠકો છે. તેમાંથી પોતાના સાથી પક્ષો સાથે ભાજપ 104 બેઠકો જીતેલો છે. કોંગ્રેસ બિહારમાં પોતે લડવાના બદલે આરજેડીને મદદ કરે ને યુપીમાં અખિલેશને મદદ કરે તો મોટો ફરક પડી જાય.
આ જોડાણ વધારે નહીં ને ચાલીસેક બેઠકો પણ આંચકી લે તો ભાજપને મોટો ફટકો પડી જાય. તેના બદલે કોંગ્રેસ એકલી લડે તો યુપી અને બિહાર બંને રાજ્યોમાં ભાજપ વિરોધી મતો વહેંચાઈ જાય. તેના કારણે ભાજપને ફાયદો થાય. ભાજપને ફાયદો રોકવા માટે યુપી અને બિહારમાં કોંગ્રેસે મજબૂત પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કરવું જરૂરી છે. યુપીમાં 2019ની લોકસભા ચૂંટણીમાં સપા અને બસપા સાથે મળીને લડ્યા તો બંનેને મળીને 16 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસે રાયબરેલીની બેઠક જીતી હતી. આમ વિપક્ષોએ 17 બેઠકો જીતીને ભાજપ પાસેથી 10 બેઠકો આંચકી લીધી હતી. જો કે પ્રશાંત કિશોરે રજૂ કરેલા તરંગો માત્ર તરંગો જ છે. કોંગ્રેસ એનાથી ખુશ હોય પણ વાસંતિકતા અલગ છે. ભાજપના મૂળ બહુ ઊંડા પહોંચી ગયા છે. આજે ભાજપ દેશની જીવનધારાનો એક ભાગ છે કારણ કે લાગણીથી ભાજપ સાથે જોડાયેલા લોકોની સંખ્યા બહુ જ મોટી છે.
એક દલીલ એવી છે કે, આરજેડીની સાથે મળીને બિહારમાં કોંગ્રેસ ચૂંટણી લડી ચૂકી છે પણ લોકસભામાં કોઈ ફાયદો થયો નથી. તેથી બિહારમાં એકલા લડવું જોઈએ. બિહારમાં લોકસભાની 40 બેઠક છે. તેમાંથી 2019માં 39 બેઠકો પર ભાજપ-જેડીયુ જોડાણે જીત મેળવી હતી. કોંગ્રેસના ખાતામાં ફક્ત એક જ બેઠક આવી હતી જ્યારે આરજેડીએ ખાતું પણ નહોતું ખોલાવ્યું.
લોકસભામાં આરજેડી-કોંગ્રેસ જોડાણ ભલે ના ચાલ્યું પણ વિધાનસભામાં આરજેડી-કોંગ્રેસ જોડાણે ભાજપ-જેડીયુને ફીણ પડાવી દીધું હતું. વાસ્તવમાં કોંગ્રેસના કારણે તેજસ્વીને નુકસાન થયું ને એ સત્તાથી વંચિત રહી ગયો.
બિહાર વિધાનસભાની 243 બેઠકોમાંથી આરજેડી 144, કોંગ્રેસ 70 અને ત્રણ ડાબેરી પક્ષો 29 બેઠકો પર લડેલા. આરજેડીએ 75 અને ડાબેરીઓએ 16 બેઠકો જીતીને શાનદાર દેખાવ કર્યો પણ કોંગ્રેસે ધોળકું ધોળીને 19 બેઠકો જીતીને મહાગઠબંધનને ડૂબાડી દીધું હતું. આરજેડી-ડાબેરીઓ પોતે લડેલી 55 ટકા બેઠકો પર જીત્યા જ્યારે કોંગ્રેસે માત્ર 27 ટકા બેઠકો જીતીને મહાગઠબંધનનું પાટિયું અધ્ધર કરી નાખેલું. આ દેખાવ જોયા પછી કોંગ્રેસે આરજેડીને વધારે બેઠકો આપીને પણ જોડાણ ટકાવવું જોઈએ. તેના બદલે કોંગ્રેસ એકલા હાથે લડે તો બંનેને નુકસાન થશે. પી.કે.ની સ્ટ્રેટેજી કામ કરે એવી છે પણ કાગળ પર સ્ટ્રેટેજી બનાવવાથી જીતાતું નથી. જીતવા કોંગ્રેસે પણ મહેનત કરવી પડે ને પોતાની નબળાઈઓ પર કોંગ્રેસે સૌથી પહેલાં કાબૂ મેળવવો પડે. પી.કે. પાસે એ નબળાઈઓ પર કાબૂ માટે કોઈ સ્ટ્રેટેજી છે કે નહીં એ ખબર નથી પણ કોંગ્રેસને અસલી જરૂર એ સ્ટ્રેટેજીની છે.