મફતમાં ફિલ્મો અને વેબ સિરીઝ જોવાની લ્હાયમાં લાખોમાં લૂંટાતી ભારતીય પ્રજા

તાજેતરમાં વિનામૂલ્યે વેબ સિરીઝ પ્રદાન કરતી થોપ ટીવી એપ્લિકેશનના ઓપરેટર અને તેના એક સહયોગીની જ મુંબઈ સાયબર સેલે ધરપકડ કરી હતી અને તેના અનુસંધાને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જ્યાં મુંબઈ સાયબર સેલના ડીસીપી સંભાજી કદમે ગંભીર ખુલાસા કરતા જણાવ્યું હતું કે,અમારી સામે સૌથી મોટો પડકાર આંતરરાષ્ટ્રીય પાઈરેટેડ એપ્લિકેશન સામે લડવાનો છે. કારણ કે આ એપ્લિકેશનનું ઓપરેટિંગ અન્ય દેશોમાંથી થાય છે. લોકો ફ્રીમાં ફિલ્મ અને વેબ સિરીઝ જોવાંની લ્હાયમાં આવી એપ્લિકેશન ડાઉનલોડ કરીને બેસે છે અને પછી તેમના બૅન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા કપાય જાય ત્યારે અમારી શરણે આવે છે. આ અંગે અમે કાર્યવાહી કરતા રહીએ છીએ પણ લોકોએ ચેતવું જરૂરી છે. આજે પણ, માત્ર એક ક્લિકમાં, આપણે આ એપ્સને ગૂગલ, ફેસબુક, ટેલિગ્રામ અને અન્ય સર્ચ પ્લેટફોર્મ પર શોધી શકીએ છીએ.

તમારા સ્માર્ટ ફોનમાં પણ આવી કોઈ એપ્લિકેશન છે.. જો હા, તો ચેતી જજો.. નાણાં બચવાની લાલસામાં આપણે પિકસશો, મોમિક્સ, પોપકોર્ન ફ્લિક્સ અને ટેલિગ્રામ જેવી એપ ડાઉનલોડ કરીને બેસી જઇએ છીએ પણ આ એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં આપણો જ ડેટા રીડ કરી રહી છે. ન સમજાયું ? તમે જયારે પણ કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યારે એક ટોગલ મેસેજ જનરેટ થાય છે. જેના અનુસાર તમે એ એપ્લિકેશનને તમારા ફોનની ગેલેરી, કેમરો, સ્પીકર, લાઈવ લોકેશન શેર કરવાની પરવાનગી આપો છો.., પરંતુ પર્સનલ ડેટા ચોરતી એપ આ સાથે તમારા ફોનને એક્સેસ કરવાની પણ પરવાનગી માગે છે. આ પૈકી કોઈ એક પણ ઓપ્શનમાં જો તમે મનાઈ ફરમાવો તો એપ્લિકેશન ઇન્સ્ટોલ જ નહીં થાય. એટલે ક-મને પણ તમે એપને પરવાનગી આપશો.. બસ, આટલું જ જોઈએ પેલી એપ્લિકેશનના માલિકોને.

તમે એમ વિચારો છો કે તમને ફિલ્મ ફ્રીમાં મળી ગઈ પરંતુ તમારો અંગત ડેટા પેલી એપ્લિકેશનના સર્વરમાં લોડ થઈ રહ્યો છે. હવે આજથી ૩ મહિના પહેલાની ઘટના યાદ કરો જયારે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રિલીઝ થઈ હતી. લોકો બેમોઢે ફિલ્મને વખાણી રહ્યા હતા. એ સમયે વ્હોટ્સએપમાં લિંક વાયરલ થઈ હતી. જેમાં ક્લિક કરવાથી આખી ફિલ્મ હાઇ ક્વોલિટીમાં જોઈ શકાશે તેવી લાલચ આપવામાં આવી હતી. દેશમાં ઘણા લોકોએ ધડાધડ આ લિંક ખોલી હતી. પણ ફિલ્મની જગ્યાએ ‘એપિકે ફાઇલ્સ’ નામની એપ્લિકેશન ખુલી હતી. ફ્રીમાં ફિલ્મ જોનાર આકંઠ રસિયાએ આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી. એ બાદ ખાલી મુંબઈ સાયબર ક્રાઇમમાં દોઢ લાખથી વધુ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં ‘એપિકે ફાઇલ્સ’ નામની એપ્લિકેશને લોકોના બૅન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉસેડી લીધાની ઘટના સામે આવી હતી.

પાઈરેટેડ ફિલ્મો જોવામાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ૨૦૧૭માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘રઇસ’ને એ વર્ષની ‘મોસ્ટ પાઇરેટેડ ફિલ્મ જાહેર’ કરવામાં આવી છે કારણ કે વર્ષ ૨૦૧૭માં આ ફિલ્મને દુનિયામાં ૬ કરોડથી વધુ લોકોએ પાઈરેટેડ ફિલ્મો પ્રદાન કરતી વેબસાઈટ ફિલ્મીવેપ માંથી ડાઉનલોડ કરી હતી. અરે ! વેબ સિરીઝ તો હમણાં આવી આ પૂર્વે નવી આવેલી ફિલ્મની સીડી ફિલ્મ રિલીઝના દિવસથી જ બજારમાં મળી જતી. તમને જાણીને આશ્ર્ચર્ય થશે પણ પાઈરસી સીડીનો વર્ષે કરોડોનો બિઝનેસ થતો હતો કારણ કે માત્ર ૨૫થી ૩૦ રૂપિયામાં જ ફેમિલીના દરેક સભ્ય એક જ ડીવીડીમાં ત્રણ – ચાર નવી ફિલ્મો જોઇ લેતા. ખાલી ગુજરાતમાં પાઈરેટેડ ફિલ્મોના ૧૧૯૫ જેટલા કેસ છેલ્લે ૨૦૧૨માં નોંધાયા હતા.

ફિલ્મ જોવી છે પણ ટિકિટનો ખર્ચ નથી કરવો આ માનસિકતા પાછળ લોકો પોતાનો મહત્ત્વનો ડેટા ગુમાવી રહ્યા છે. ૨૧મી સદીનો યુગ સાયબર વોરનો છે. આપણને પ્રશ્ર્ન થાય કે આપણો આટલો ડેટા ભેગો કરીને હેકર કરશે ? જે દિવસે રશિયન ટેન્કો એ બોર્ડર ક્રોસ કરીને યુક્રેનમાં પગપેસારો કર્યો, રશિયન આર્મીએ યુક્રેન ટાર્ગેટ પર મિસાઈલ છોડવાના શરૂ કર્યા, તે દિવસથી જ વિશ્ર્વભરના હેકરોએ ડિજિટલ વોર શરૂ કરી દીધું હતું. જેને લોકો સાયબર વોર તરીકે પણ ઓળખે છે. જો કે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરતા પહેલા, યુક્રેનની સરકારી વેબસાઈટ, બૅન્કિંગ વેબસાઈટ, સ્ટોક માર્કેટ જેવી ઇન્ટરનેટ સાઈટ ઉપર, સરકારી ખર્ચે ચાલતા હેકર ગ્રૂપ દ્વારા સાયબર એટેક શરૂ કરી દીધા હતા. જેના જવાબમાં ‘એનોનીમસ’ હેકરોએ રશિયાની આધાર સ્તંભ જેવી ટીવી ચેનલ રશિયા ટુડે ની વેબસાઈટ ડાઉન કરી દીધી હતી. જેને હેકરોની ભાષામાં ‘ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ એટેક’ કહે છે. હવે જો આપણો પણ અંગત ડેટા તેમની પાસે હોય તો શું થાય ??

૩ વર્ષ પહેલા અમેરિકાની ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી) એ ફેસબુક પર પ્રાઇવસીના ઉલ્લંઘન મામલામાં ૫ બિલિયન ડોલર મતલબ કે લગભગ ૩૪ હજાર કરોડનો દંડ લગાવ્યો હતો. એ સમયે હેકર્સની એક વેબસાઈટ પર ૫૦ કરોડથી વધુ ફેસબુક યૂઝર્સના ડેટાની ચોરી કરી હતી. ખુદ માર્ક ઝુકરબર્ગે આ વાતની પુષ્ટિ કરી હતી અને દંડ ભરીને પોતાની ભૂલ સ્વીકારી હતી. વિશ્વમાં જ્યારથી સોશિયલ મીડિયાનો પ્રભાવ વધ્યો છે તે પછી ૨૧મી સદીનો માનવી ખરેખર તો ઉન્નત બનવાની જગાએ પછાત, પરસ્પર ધિક્કાર, વૈમનસ્ય અને સંકુચિત માનસનો બનતો જાય છે. દુનિયાના મનોજગત પર ૫ ટેકનોક્રેટ્સે કબજો લઇ લીધો છે. ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, ગૂગલના સુંદર પીચાઈ, લેરી પેજ, સેર્ગે બ્રિન, યુ-ટયુબની સી.ઈ.ઓ. સુસાન વોજસ્કી અમેરિકા, ચીન, રશિયા સહિતના યુરોપ અને ચીનના નેતાઓ કરતા પણ તાકતવર છે.

સોશિયલ મીડિયાના આ ટેકનોક્રેટ ધારે તો પૃથ્વીને જીવવા લાયક બનાવી શકવા સમર્થ છે પણ કમનસીબે તેઓનાં માનસમાં એ હદે વ્યાપારી વૃત્તિ અને ગ્રાહકવાદ ભારોભાર ભરેલો છે કે સૃષ્ટિમાં અંધાધૂંધી અને અરાજકતા ફેલાય તો પણ તેઓનું રૂંવાડું ન ફરકે. સોશિયલ મીડિયાના આવા બિહામણા સત્ય વચ્ચે આજે લોકો ફ્રી જોવા મળતી ફિલ્મો અને વેબ સિરીઝ માટે પિકસશો, મોમિક્સ, પોપકોર્ન ફ્લિક્સ અને ટેલિગ્રામ જેવી એપ ડાઉનલોડ કરે છે. સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ સર્વિસ કંપની અકામાઈ ટેક્નોલોજીસના રિપોર્ટ અનુસાર, ૨૦૨૧માં પાઈરેટેડ એપ્સ અને વેબસાઈટ્સના એક્સેસના સંદર્ભમાં ભારત વિશ્ર્વમાં ત્રીજા ક્રમે હતું. ભારતે પાઈરેટેડ વેબસાઇટ્સની ૬.૫ અબજ મુલાકાતો નોંધી છે, જે યુએસ (૧૩.૫ અબજ) અને રશિયા (૭.૨ અબજ) પછી ત્રીજા ક્રમની સૌથી વધુ છે.

વીડિયો સ્ટ્રીમિંગ સેવાઓ પ્રદાન કરતું ભારતીય ઓટીટી પ્લેટફોર્મ દર વર્ષે ૩૦-૩૦% આવક ગુમાવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ નાણાંનો ઉપયોગ ભારત વિરુદ્ધ એટલે કે ટેરર ફંડિંગ માટે પણ થઈ શકે છે. મુંબઈ પોલીસના સાયબર સેલની સત્તાવાર અખબારી યાદી અનુસાર ૧૯૯૩ બ્લાસ્ટનો આરોપી દાઉદ ઈબ્રાહિમ પણ ઘણા વર્ષોથી ફિલ્મોની પાઈરસી કરી રહ્યો છે. દાઉદ ગેંગ સાથે સંકળાયેલા લોકો ઓટીટી ક્ધટેન્ટની પાઇરસીમાં સામેલ થઈ ગયા છે અને દર વર્ષે હજારો કરોડ રૂપિયા એકઠા કરી રહ્યા છે. આટલું જાણ્યા પછી પણ જો તમે ફ્રી ફિલ્મ મેળવવા આવી કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો.