આ મહાશયનું નામ પાર્થ નહિ પણ પાર્થો ચેટરજી જ છે. પણ આપણે ગુજરાતીઓને આખું નામ બોલવામાં બળ પડે ને બોક્સનું બાક્સ.. એલેક્ઝેન્ડરનું.. સિકંદર.. એમ પાર્થોનું પાર્થ કરી નાખ્યું. એના નામની આટલી ચર્ચા હું એટલા માટે કરું છું કે હવે પાર્થોનું પ્રકરણ સોશિયલ મીડિયામાં વારે વારે ઉછળશે. ખાસ તો તેનું નામ ન્યાયના દેવી તરીકે ઓળખાતા ‘દીદી’ સાથે વાયરલ થશે.. દુ:ખની વાત છે કે જે બંગાળને ભ્રષ્ટાચાર મુક્ત હોવાના ઓઠા અપાય છે, જેના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. ત્યાં તેનો જ અંગત માણસ અને બંગાળનો કદાવર નેતા શિક્ષકોની ભરતીનું કૌભાંડ આચરીને કરોડો રૂપિયા તેની રખાતના ઘર ભેગા કરી દે છે.. છતાં ગામ આખાની ‘દીદી’ પાંચ દિવસ સુધી તો મૌન સાધીને બેસી જાય અને પછી મીડિયાના પ્રભાવથી ડરીને તે પાર્થોની હકાલ પટ્ટી કરે છે.
બંગાળમાં કૉંગ્રેસનું સામ્યવાદી શાસન ૩૪ વર્ષ સુધી ચાલ્યું હતું. જેનો ભાગ ખુદ મમતા બેનર્જી અને પાર્થો ચેટરજી પણ હતા. ૭ જાન્યુઆરી ૧૯૯૩ના રોજ એક ઘટના બની જેણે બન્ને પોતાનો અલાયદો પક્ષ ઉભો કરવાની પ્રેરણા આપી. એ સમયે મુખ્યપ્રધાન તરીકે જયોતિ બાસુ બંગાળની ધુરા સાંભળતા હતા. ૭ જાન્યુઆરીના રોજ બન્યું એવું કે બંગાળના નાડિયા ગામની એક ગરીબ અને બહેરી ટીનેજર છોકરીની ઉપર તે ગામના આગેવાને નિર્દયરીતે બળાત્કાર ગુજારીને તેને લોહીલુહાણ કરી નાંખી હતી. આ અંગેની જાણ જયારે મમતા બેનર્જીને થઈ તો તે નાડિયા ગામે દોડી ગયા અને પરિવાજનોને ન્યાય આપવાની બાહેંધરી આપી કારણ કે એ સમયે તેઓ બંગાળ કૉંગ્રેસના કેન્દ્રીય પ્રધાન હતા. પણ મુખ્યપ્રધાન જયોતિ બાસુને મમતાથી સખત નફરત હતી.
આવા સમયે જયારે મમતા પેલી યુવતીની ફરિયાદ લઈને બાસુ પાસે ગયા તો જયોતિ બાસુના મળતિયાઓએ મમતા બેનરજીને તેમના વાળથી ઘસડીને ચીફ મિનિસ્ટરની કચેરીની બહાર લઈ ગયા એટલું જ નહીં પણ તેમને નજીકના લાલ બજાર પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અંધારી કોટડીમાં પૂરીને તેમને જમીન ઉપર છોડવાની પણ પોલીસે ના પાડી હતી! કઠણાઈ જુઓ કે મમતાદેવી ત્યારે પાછાં કેન્દ્રીય પ્રધાન હતાં. પણ જે દિવસે તેમને અંધારી કોટડીમાં પુરાયાં ત્યારે તેમણે પ્રતિજ્ઞા લીધી કે હવે જો હું આ ‘મહાકરણ’ બિલ્ડિંગમાં દાખલ થઈશ (રાઈટર્સ બિલ્ડિંગનું બંગાળી નામ-‘મહાકરણ’) તો બંગાળના મુખ્યપ્રધાન તરીકે જ દાખલ થઈશ અને પછી બરાબર ૧૮ વર્ષે ૨૦ મે ૨૦૧૧ના રોજ ને મમતાદીદી બંગાળના મુખ્યપ્રધાન બની ‘મહાકરણ’માં પ્રવેશ્યાં હતાં.
લેખિકા ડૉ. મોનોબીના ગુપ્તાએ ‘દીદી-એ પોલિટિકલ બાયોગ્રાફી’માં આ સમગ્ર પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે.
તેમની આ આખી સફરમાં પાર્થો તેની સાથે રહ્યો હતો. પોતાની વિનિંગ સ્પીચમાં પણ મમતાદીદીએ કહ્યું હતું કે, ‘મારી સરકારમાં ક્યારેય કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરશે તો તેની એ જ સમય હકાલપટ્ટી કરવામાં આવશે.’ પણ શું સાચે આવું થયું? પાર્થો મમતા સરકારમાં સુપર સીએમ તરીકે ઓળખાય છે. બંગાળના રાજકારણમાં પણ પાર્થોએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ઈ. સ. ૨૦૦૧થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેણે સરકારમાં હાયર એજ્યુકેશન, ઈન્ફર્મેશન ટૅકનોલૉજી, ઈન્ડસ્ટ્રી, કોમર્સ જેવાં નાણાં રળી આપતા ખાતાંનું પ્રધાનપદ સંભાળ્યું છે. તેની ધરપકડ થઈ અને કરોડો રૂપિયાનો ઢગલો તેના ઘરમાંથી મળ્યો ત્યારે ન્યાયની સ્થાપના કરનાર મમતા ‘દીદી’ મૌન સેવીને બેસી ગયા હતા.
તેમની આ આખી સફરમાં પાર્થો તેની સાથે રહ્યો હતો. પોતાની વિનિંગ સ્પીચમાં પણ મમતાદીદીએ કહ્યું હતું કે, ‘મારી સરકારમાં ક્યારેય કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરશે તો તેની એ જ સમય હકાલપટ્ટી કરવામાં આવશે.’ પણ શું સાચે આવું થયું? પાર્થો મમતા સરકારમાં સુપર સીએમ તરીકે ઓળખાય છે. બંગાળના રાજકારણમાં પણ પાર્થોએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ઈ. સ. ૨૦૦૧થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેણે સરકારમાં હાયર એજ્યુકેશન, ઈન્ફર્મેશન ટૅકનોલૉજી, ઈન્ડસ્ટ્રી, કોમર્સ જેવાં નાણાં રળી આપતા ખાતાંનું પ્રધાનપદ સંભાળ્યું છે. તેની ધરપકડ થઈ અને કરોડો રૂપિયાનો ઢગલો તેના ઘરમાંથી મળ્યો ત્યારે ન્યાયની સ્થાપના કરનાર મમતા ‘દીદી’ મૌન સેવીને બેસી ગયા હતા.
એવી પણ વિગતો સામે આવી હતી કે, ગત શનિવારે ઇડીએ પાર્થો ચેટરજીની ધરપકડ કરી હતી તો તેમણે મમતા બેનર્જીને ત્રણ વખત ફોન કર્યો હતો. અલબત્ત દીદીએ તેમનો ફોન ઉઠાવ્યો ન હતો. ત્યારબાદથી એવી અટકળો વહેતી થવા લાગી હતી કે મમતા બેનર્જી આ કેસમાં પોતાના મંત્રીનું નામ સામે આવ્યા બાદ તેમનાથી અંતર કરી રહ્યા છે. પણ પાર્થો ચેટરજીની ધરપકડ થયા બાદ સીએમ મમતા બેનર્જીએ તેની મંત્રીપદમાંથી હટાવીને એક નિવેદન આપ્યું હતું કે હું ભ્રષ્ટાચાર કે કોઈ અયોગ્ય કામનું સમર્થન કરતી નથી. જો કોઈ દોષિત માલુમ પડે છે તો તેને સજા થવી જોઈએ, જોકે હું મારી સામે ચલાવવામાં આવી રહેલા દુષ્પ્રચારની ટીકા કરું છું. પાર્ટી અથવા સરકારને આ મહિલા (અર્પિતા મુખર્જી) સાથે કોઈ સંબંધ નથી.
મમતાએ કહ્યું કે રાજકારણ મારા માટે બલિદાન છે અને તૃણમુલ કૉંગ્રેસ ચોર-ડાકુઓને માફ કરતી નથી. તેમનું આ નિવેદન વાસી થઈ ગયું હતું. કારણ કે બંગાળની પ્રજાને ન્યાયમાં રસ હતો. એટલું કહો કે તૃણમૂલના કાર્યકરોએ આ મામલે હિંસા ન કરી. મમતા અને પાર્થો બન્ને ગુંડાગીરીના રાજકારણની પેદાશ છે, બન્ને રાજકીય હિંસાથી જ મોટાં થયાં છે. જે જયોતિ બાસુએ મમતાને હેરાન પરેશાન કર્યા હતા. તેના પાર્થોએ સત્તા પર આવ્યા બાદ સીનવીંખી નાખ્યા હતા. તેથી મમતાને બધી વાતોમાં કશું ખોટું લાગતું નથી. સત્તા મેળવવા માટે હિંસા કરવી કે સત્તા ટકાવવા ગુંડાગીરી કરવી એ મમતા માટે સાવ સહજ છે. બંગાળના રાજકારણ પર ગુંડાગીરી અને હિંસા દ્વારા વર્ચસ્વ જમાવનારાં મમતા હિંસાના જોરે જ ટકી રહેવામાં માને છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી છાકટા બનેલા તૃણમૂલના કાર્યકરોએ રાજકીય હિંસાનું જે તાંડવ કર્યું તેમાં પાર્થોનો મોટો હાથ હતો.
તેમાંય મદથી છકેલા પાર્થોના શોખ પણ પૂરેપૂરા રંગીન છે. ટીએમસીના પૂર્વ નેતા અને પશ્ચિમ બંગાળ કૉલજ-યુનિવર્સિટીના પ્રોફેસર ઍસોસિએશનના જનરલ સેક્રેટરી રહેલા બૈસાખી બેનર્જીએ તો મીડિયાને એવું નિવેદન આપ્યું છે કે,પાર્થોની સાથે નિયમિત ચાર-પાંચ છોકરીઓ રહેતી હતી, જે તેમનો પરસેવો પણ લુંછતી હતી. પાર્થો ચેટર્જી જ્યારે એજ્યુકેશન મિનિસ્ટર હતા, ત્યારે મોટી સંખ્યામાં આવી છોકરીઓને રિક્રૂટ કરવામાં આવી હતી, જે અન્ડર ક્વોલિફાઈડ હતી. કારણ કે હું પોતે મિલી અલ-અમીન કૉલેજની પ્રિન્સિપાલ હતી, આ કારણે બધું જાણવા મળતું હતું.
પાર્થો અને તેની કથિત પ્રેમિકા અર્પિતા મુખર્જીએ આ કૌભાંડ થકી કરોડો રૂપિયાની પ્રોપર્ટી એકઠી કરી લીધી છે. પાર્થો હંમેશા સ્ત્રીઓને પોતાની તરફ આકર્ષવા મોંઘી ગિફ્ટ્સ, કાર, ફ્લેટ અને રોકડ આપતો હતો. મૂળ તો પાર્થો બંગાળમાં સૌથી ભવ્ય દુર્ગા પૂજા કરાવતો હતો અને તેના માટે લાખો રૂપિયાનું આંધણ કરી નાખતો. આજથી ૧૦ વર્ષ પહેલા આવી જ એક દુર્ગા પૂજામાં પાર્થોને માતાજીની પૂજા કરતી એક મહિલાના પોસ્ટર છપાવવા હતા. એ સમયે તેની ટીમે અર્પિતાનું સિલેક્શન મોડેલ તરીકે કર્યું. માનુનીઓમાં રચ્યો પચ્યો રહેતા પાર્થોને નવો શિકાર મળી ગયો અને તેને અર્પિતાને દુર્ગા પૂજા કમિટીની મોડલ બનાવી દીધી. આખા કોલકાતામાં અર્પિતાનાં હોર્ડિંગ્સ લાગ્યા અને બંગાળની સૌથી મોટી દુર્ગા પૂજાની આરતી અર્પિતા અને પાર્થોએ સાથે મળીને કરી. બસ પછી તો શું હોય.. રૂપિયો જુવાનીને આકર્ષે તેમ.. પાર્થો અને અર્પિતા મુખજીમાં અનૈતિક સંબધો બંધાયા. છતી પત્નીએ પાર્થોના અર્પિતા સાથે છડેચોક છાનગપતિયા કરતો જોવા મળતા.
એટલે જ ઇડીએ તેની પ્રેમિકાના ઘરે દરોડા પાડ્યા જેમાં અઢળક સંપત્તિ મળી આવી. આજે અડધા બંગાળમાં પાર્થોની મિલકતો પથરાયેલી છે જેમાં કોલકાતામાં એક ઘર, બોલપુરમાં ૯ મકાનો, ડાયમંડ સિટીમાં ૪ ફ્લેટ, બેલઘરિયા ક્લબ ટાઉનમાં ૨ ફ્લેટ, બદનગરમાં ૧ ફ્લેટ, ન્યુટાઉનમાં ૨ ફ્લેટ, સોનારપુરમાં ૧ ઘર, જંગીપરા ખાતે આવેલ એક મહેલ, બરુઈપુરના બેગમપુરમાં ૨૫ વીઘા જમીન, સિંગુરમાં દુર્ગાપુર હાઇવે પર ફર્મહાઉસ, દક્ષિણ ૨૪ પરગણામાં ગેસ્ટ હાઉસ, ગોસાબા ટાપુમાં સોનારગાંવ રિસોર્ટ, બરુઇપુરમાં ફર્મહાઉસ, ઝારખંડમાં ૨૪ એકર જમીન, કોલકાતામાં બાગ જતીન સ્ટેશન પાસે પેટ હૉસ્પિટલ માટે ૧૭ વીઘા જમીન. બંટાલા ખાતે લેધર કૉમ્પ્લેક્સમાં એચચાઈ એન્ટરટેઈનમેન્ટના નામે ૨૪ કરોડની કિંમતની ૧૦ વીઘા જમીન, બર્ધમાનમાં રેતી ખનન માટે અનેક ડમ્પરો, પાર્થની પત્ની બબલી ચેટરજીના નામે શાળાનું બાંધકામ ચાલુ છે.
પાર્થોના કેસમાં મમતાએ બોરિસ જોન્સન જેવી ભૂલ કરી છે. જે રીતે પીચર પિંચરના સેક્સ સ્કેન્ડલને અવગણી બોરિસે મિત્રની ગંદી હરકતો તરફ આંખ આડા કાન કરે રાખ્યા હતા અંતે તેને રાજીનામું આપવું પડયું. એ જ રીતે આ રંગીન મિજાજના મંત્રીની દરેક હરકતોથી વાકેફ હોવા છતાં મમતા મૌન સાધીને બેઠા હતા. તેમના મૌનનું કારણ તો તે જ જાણે પણ હવે આ કૌભાંડમાં મમતા સરકારના ધારાસભ્ય અને ટીએમસીના નેતા માણિક ભટ્ટાચાર્યનું નામ પણ ઇડીની તપાસમાં ખુલ્યું છે. ઈડીએ ભટ્ટાચાર્યને સમન્સ મોકલ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ કૌભાંડમાં શું નવો વળાંક આવશે અને તેનાથી મમતાની સરકારને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડશે.