મમતાને હરાવવા ભાજપની મહેનત છે પણ મમતા એમ જલદી જાય એમ નથી

પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીને પછાડીને સત્તા કબજે કરવા માટે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે ત્યારે મમતાએ શુક્રવારે મોટો દાવ ખેલી નાખ્યો. મમતાએ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પોતે એક જ બેઠક પરથી ચૂંટણી લડશે ને આ બેઠક પણ નંદીગ્રામ હશે એવું એલાન કરી દીધું છે. મમતાના ખાસ ગણાતા શુભેન્દુ અધિકારીને તોડીને અમિત શાહ ભાજપમાં લઈ ગયા ત્યારે જ મમતાએ એલાન કરેલું કે, પોતે વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડશે. મમતા છેલ્લી ચૂંટણીમાં કોલકાત્તાની ભવાનીપુર બેઠક પરથી જીતેલાં તેથી સૌને એમ હતું કે, મમતા ભવાનીપુર બેઠક પરથી તો ચૂંટણી લડશે જ પણ વધારામાં નંદીગ્રામ બેઠક પરથી પણ લડશે કે જેથી પોતે ભાજપથી ડરી ગયાં નથી એ સાબિત કરી શકાય.

ભવાનીપુર બેઠક મમતાનો ગઢ છે તેથી આ ગઢમાં મમતાની જીત પાકી જ છે તેથી મમતા ભાજપને હૂલ આપવા જ નંદીગ્રામમાંથી લડવાની જાહેરાત કરી રહ્યાં છે એવું સૌ માનીને બેઠેલાં. આપણે ત્યાં મોટા ભાગના રાજકારણીઓ એ રીતે જ વર્તે છે. એક સલામત બેઠક રાખીને બીજી બેઠક પરથી લડે કે જેથી વિમો હોય એ બેઠક જાય તો પણ વાંધો નહીં. મમતા પણ રાજકારણીઓવાળો આ જ જૂનો દાવ ખેલ્યાં છે એવું સૌને લાગેલું. મમતાએ આ ધારણાને ખોટી પાડી છે ને બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતી વખતે મમતાએ ડંકે કી ચોટ પર એલાન કરી દીધું છે કે, પોતે નંદીગ્રામ બેઠક સિવાય બીજી કોઈ બેઠક પરથી ચૂંટણી લડવાનાં નથી. મમતાએ કહ્યું છે કે, બોલ્યા બાદ બોલ્યા ને એ ફોક કરવાનો સવાલ જ નથી તેથી નંદીગ્રામ બેઠક સિવાય બીજી બેઠક પરથી લડવાનો પ્રશ્ર્ન જ પેદા થતો નથી. મમતાએ પોતાની જૂની ભવાનીપુર બેઠકના ઉમેદવાર તરીકે શોભનદેબ ચટ્ટોપાધ્યાયના નામની જાહેરાત પણ કરી દીધી છે.

મમતાએ એક જ બેઠક પરથી લડવાની જાહેરાત કરીને ભાજપને આંચકો આપ્યો છે તેમાં શંકા નથી. ભાજપ મમતાને દબાવવા અને ડરાવવા માટે પૂરા ઝનૂનથી મચી પડ્યો છે. મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોને તોડવાથી માંડીને મોટી મતબેંક ગણાતા સમુદાયોને વચનોની લહાણી કરવા સુધીનું બધું ભાજપના નેતા કરી રહ્યા છે. મમતાની નજીક મનાતા નેતાઓને વિણી વિણીને ભાજપ પોતાની પંગતમાં બેસાડી રહ્યો છે. બીજી તરફ મટુઆ સમુદાય જેવા બહારથી આવેલા ને અહીં જામી ગયેલા વિદેશીઓને સીએએ હેઠળ નાગરિકતા આપવાનાં વચનોની લહાણી છૂટથી કરાઈ રહી છે.

અમિત શાહ અને જે. પી. નડ્ડા જેવા ભાજપના ધુરંધરો તો બંગાળમાં ધામા નાખીને જ પડ્યા છે ને હવે નરેન્દ્ર મોદી પોતે મેદાનમાં આવી ગયા છે. ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો પણ પૂરો ઉપયોગ કરી રહ્યો છે ને મમતા બેનરજીના પરિવારને પણ લપેટી લીધો છે. આ બધાના કારણે મમતા ફફડી ગયાં છે એવું સાબિત કરવા પણ ભાજપના નેતાઓ યથાશક્તિ મથ્યા કરે છે. ટૂંકમાં ભાજપ સામ, દામ, દંડ, ભેદ એમ બધા રસ્તા અપનાવીને મમતાને પછાડવા મથી રહ્યો છે. મમતાએ માત્ર નંદીગ્રામ બેઠક પરથી જ લડવાની જાહેરાત કરીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, ભાજપ ગમે તેટલા ધમપછાડા કરે પણ પોતે જરાય ડગ્યાં નથી ને ડર્યાં પણ નથી.

મમતાએ એક જ બેઠક પરથી ચૂંટણી લડવાનું એલાન કરીને બહુ મોટો જુગાર ખેલ્યો છે તેમાં શંકા નથી. ભાજપ નંદીગ્રામ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા શુભેન્દુ અધિકારીને ખેંચી ગયો પછી આ વિસ્તારમાં તૃણમૂલ કૉંગ્રેસ પતી જશે એવી વાતો વચ્ચે મમતાએ જબરદસ્ત આત્મવિશ્વાસ બતાવ્યો છે. તેના કારણે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોમાં એક સ્પષ્ટ મેસેજ જશે કે ભાજપ ગમે તે કહે પણ આપણે જરાય ડરવાની જરૂર નથી ને આપણે જીતવાના જ છીએ. મમતાની આ જ ખાસિયત છે ને આ જ લડાયકતાના જોરે મમતા ટકેલાં છે. મમતાની રાજકીય કારકિર્દી બહુ લાંબી છે. ૧૯૮૪માં એ પહેલી વાર સાંસદ બન્યાં ત્યારે પણ તેમનામાં આ લડાયકતા હતી ને સાડા ત્રણ દાયકા પછી પણ મમતાની એ લડાયકતા, ઝનૂનથી લડવાની આગ ઠરી નથી ગઈ તેનો આ જાહેરાત પુરાવો છે. ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા કે તેમણે તરત જ લોકસભાની ચૂંટણી જાહેર કરાવી હતી. રાજીવ યુવા નેતા હતા ને તેમણે અનેક યુવાઓને લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતાર્યાં હતાં.

પશ્ર્ચિમ બંગાળ એ વખતે ડાબેરીઓનો ગઢ હતો ને સોમનાથ ચેટરજી દિગ્ગજ ડાબેરી નેતા હતા. ચેટરજી જાદવપુર બેઠક પરથી ઊભા રહેલા ને ત્યાંથી તેમને હરાવી શકાય તેવી કલ્પના પણ નહોતી થઈ શકતી. એ વખતે રાજીવે જુગાર ખેલીને ૨૯ વર્ષના મમતા બેનરજીને સોમનાથદા સામે મેદાનમાં ઉતારીને મોટો જુગાર ખેલેલો. સૌ માનતાં કે મમતા બેનરજીની કરીયર શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જશે પણ તેમને ઓળખનારાં માનતાં કે મમતા સોમનાથદાને પછાડી દેશે. તેનું કારણ મમતાની વિદ્યાર્થી નેતા તરીકેની કામગીરી હતી.

મમતા ૧૫ વર્ષની વયે રાજકારણમાં આવી ગયેલાં. કોલકાત્તાની જાગમાયા દેવી હાઈસ્કૂલમાં એ ભણતાં હતાં ત્યારે કૉંગ્રેસ (આઈ)ની વિદ્યાર્થી પાંખ છાત્ર પરિષદ યુનિયનની સ્થાપના કરાવીને ડાબેરીઓને પડકાર્યાં હતા. બંગાળમાં ડાબેરીઓનો ડંકો વાગતો ને વિદ્યાર્થીઓમાં ડાબેરીઓની લોકપ્રિયતા બહુ હતી. મમતાએ ડાબેરી યુનિયનને હરાવીને છાત્ર પરિષદનું વર્ચસ્વ ઊભું કરેલું. મમતા કોલેજમાં ભણતાં ત્યારે જ ડાબેરી યુનિયનની ગુંડાગીરી સામે ઝીંક ઝીલીને પણ છાત્ર પરિષદનું કામ કરતાં. એ વખતે કોલકાત્તામાં કહેવાતું જ કે, છાત્ર પરિષદમાં પુરૂષો બહુ છે પણ મરદ તો મમતા જ છે. મમતાની આ છાપના કારણે એ સોમનાથદાને ફીણ પડાવશે એવું તેમની નજીકનાં લોકો માનતાં ને મમતાએ આ માન્યતાને સાચી ઠેરવી હતી. મમતા બેનરજીએ સોમનાથદાને ધૂળચાટતા કરીને ડાબેરીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. મમતા બંદોપાધ્યાય ઉર્ફે મમતા બેનરજીએ પોતાની પહેલી જ ચૂંટણીમાં લડાયકતાનો જે પરચો આપ્યો તેના પર સૌ વારી ગયા હતા.

ત્યાં પછી નવો જંગ શરૂ થયો ને ડાબેરીઓએ મમતાને પછાડવા પૂરી તાકાત લગાવી દીધી. બાકી હતું કે રાજીવ ગાંધીનું બોફોર્સ કૌભાંડ આવ્યું તેના કારણે કૉંગ્રેસ વિરોધી લહેર ઊભી થઈ. આ લહેરના કારણે ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં મમતા હારી ગયેલાં પણ તેનાથી ડર્યા વિના તેમણે જંગ ચાલુ રાખ્યો. ૧૯૯૦માં કોલકાત્તા યુનિવર્સિટીની ચૂંટણી વખતે ડાબેરીઓએ કૉંગ્રેસ તરફી વિદ્યાર્થી નેતાઓને ચૂંટણીમાં ઊભા રહ્યા તો પતાવી દેવાની ધમકી આપેલી. મમતાએ તેની સામે મોરચો માંડીને રેલી કાઢી ત્યારે પોલીસે તેમને રીસતર ફટકારેલાં. ડાબેરીઓના ગુંડાઓએ મમતાને રસ્તા પર ઢસડીને મારેલાં પણ એ બધાથી ડર્યા વિના મમતાએ રેલી કાઢી જ હતી. ભારતમાં બહુ મહિલા નેતાઓ આવી પણ મમતાની જેમ આ રીતે રસ્તા પર ઉતરીને, ગુંડાઓ સામે લડીને કોઈ મહિલા નેતા આગળ આવી નથી.

મમતાના આક્રમક તેવર કેન્દ્રમાં પ્રધાન બન્યા પછી પણ ઢીલા નહોતા પડ્યા. મમતા ૧૯૯૧માં કોલકાત્તા દક્ષિણ બેઠક પરથી જીતીને નરસિંહરાવ સરકારમાં માનવ સંશાધન, યુવા બાબતો અને રમતગમત તથા મહિલા અને બાળ વિકાસનાં રાજ્ય કક્ષાનાં પ્રધાન બન્યાં હતાં. તે વખતે તેમણે દેશમાં રમતગમતનું સ્તર સુધારવા દરખાસ્ત મૂકેલી. સરકારે એ દરખાસ્ત ના સ્વીકારતાં મમતાએ કોલકાત્તાના પરેડ ગ્રાઉન્ડમાં રેલી કાઢેલી. પોતાની જ સરકાર સામે રેલી કાઢવાની હિંમત મમતા જેવી મરદ બાઈ જ કરી શકે. આ વિરોધના કારણે તેમને પ્રધાનમંડળમાંથી પડતાં મૂકાયાં પણ તેનાથી ડર્યા વિના મમતાએ જંગ ચાલુ રાખેલો.

રાવ સરકારમાંથી તગેડી મૂકાયા પછી મમતાએ જાહેરાત કરી હતી કે હવે પોતે બંગાળમાંથી ડાબેરીઓની સફાઈ કરીને જ રહેશે. મમતાએ બંગાળમાં જઈને ડાબેરીઓ સામે મોરચો માંડ્યો પણ કૉંગ્રેસમાં ખાઈ બદેલા નેતાઓ તેમની વાત સાંભળવા તૈયાર નહોતા. અકળાયેલાં મમતાએ બંગાળના સિધ્ધાર્થ શંકર રે, અબ્દુલ ગનીખાન ચૌધરી સહિતના કૉંગ્રેસી નેતાઓને ડાબેરીઓના દલાલ જાહેર કરતાં કૉંગ્રેસમાં જે તેમની સામે ઉગ્ર વિરોધ શરૂ થયો. મમતાએ તેની સામે શક્તિપ્રદર્શન કરીને કોલકાત્તામાં પાંચ લાખ લોકોની રેલી કાઢીને સૌની બોલતી બંધ કરી દીધી હતી.

મમતાએ ૧૯૯૭માં કૉંગ્રેસને રામરામ કરીને તૃણમૂલ કૉંગ્રેસની સ્થાપના કરી પછી તો ડાબેરીઓ સામે ખુલ્લો જંગ જ શરૂ થઈ ગયેલો. મમતાએ ડાબેરીઓને હરાવવા લાંબી લડત કરવી પડેલી. ૨૦૦૫માં તેમણે ખેડૂતોની જમીનો છિનવીને ઉદ્યોગોને આપવાની બંગાળની ડાબેરી સરકારની નીતિ સામે મોરચો માંડ્યો. ઈન્ડોનેશિયાના સલીમ ગ્રુપને નંદીગ્રામમાં તથા તાતાને નેનો પ્રોજેક્ટ માટે સિંગુરમાં જમીન આપવા સામે તેમણે લડત આપી ત્યારે ડાબેરીઓએ સત્તાનો દુરૂપયોગ અને ગુંડાગીરી કરીને મમતાને દબાવી દેવા ભરપૂર કોશિશ કરી હતી પણ મમતા મરદની જેમ લડ્યાં ને પરિણામે બંગાળમાં ડાબેરીઓ સાફ થઈ ગયા. મમતાએ ફરી આ લડાયકતાનો પરચો આપ્યો છે. આ લડાયકતા આ વખતે તેમને ફળે છે કે નહીં એ જોઈએ