મરાઠી નેતાઓ કેન્દ્ર સામે શૃંગ ઉછાળવાને બદલે કોરોનામાં ધ્યાન આપે તોય બહુ છે

દેશમાં કોરોનાના કેસોની સંખ્યા કૂદકે ને ભુસકે વધી રહી છે. કોરોનાના કારણે વધારે ને વધારે લોકો મરી રહ્યા છે. લોકોમાં ફફડાટ વધતો જાય છે ને કોરોના સામે કઈ રીતે લડીશું તેની ચિંતામાં લોકો તણાવમાં જીવતા થઈ ગયા છે. આ માહોલમાં આપણા શાસકોએ લોકોને સમયસર સારવાર મળે, આરોગ્ય મળે ને કોરોનાનો ફફડાટ દૂર થાય એ માટે હૂંફ પણ મળે એ માટે મથવાનું હોય છે. કોરોનાની રસીના મુદ્દે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર સામસામે આવી ગયા છે ને આક્ષેપોનો મારો ચાલુ થઈ ગયો છે. ઉદ્ધવ સરકાર જે રીતે આ વિકટકાળે કેન્દ્ર સામે એક પછી એક આક્ષેપો કરે છે તે યોગ્ય નથી.
આ રમતની શરૂઆત મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ મહારાષ્ટ્ર પાસે વેક્સિનનો પૂરતો જથ્થો નથી એવી રાવ નાખી એ સાથે થઈ. ટોપેએ બુધવારે એવું કહેલું કે, મહારાષ્ટ્ર પાસે કોરોના વેક્સિનનો ત્રણ દાડા ચાલે એટલો જ જથ્થો છે ને હવે 14 લાખ ડોઝ જ બચ્યા છે તેથી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને તાત્કાલિક 40 લાખ વેક્સિનના ડોઝ મોકલી આપવા જોઈએ. ટોપેએ તો એમ પણ કહી દીધું કે, વેક્સિનના અભાવે મહારાષ્ટ્રમાં કેટલાંય રસીકરણ કેન્દ્ર બંધ કરવાં પડ્યાં છે તેથી કેન્દ્રે તાત્કાલિક રસીનો ડોઝ મોકલી દેવો જોઈએ.
આ વાત કેટલી સાચી છે તેની આપણને ખબર નથી પણ આ વાતથી કેન્દ્રના ડો. હર્ષવર્ધનને મરચાં લાગી ગયાં. ડો. હર્ષવર્ધને ટોપેની વાતને વાહિયાત ગણાવીને કહ્યું કે, આ નિવેદન બેજવાબદાર છે અને લોકોનું ધ્યાન બીજી તરફ વાળીને ડર પેદા કરવા માટે કરાય છે. કેટલાક લોકો સ્થિતિને બગાડવા માગે છે તેથી આ બધી વાતો કરે છે. મહારાષ્ટ્ર સરકાર પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે હવાતિયાં મારે છે તેથી આ બકવાસ વાતો કરે છે, બાકી કેન્દ્ર સરકાર તો બધાને કોરોનાની રસી સરખા પ્રમાણમાં જ આપે છે. ડો. હર્ષવર્ધને તો ત્યાં સુધી કહી દીધું કે, મહારાષ્ટ્રના બેદરકારીભર્યા વલણના કારણે કોરોના સામે લડવામાં આખા દેશે જે પણ કર્યું તેના પર પાણી ફરી વળ્યું છે.
શિવસેનાનાં સાંસદ પ્રિયા ચતુર્વેદીએ માત્ર 45 વર્ષથી વધુ વયનાં લોકોને રસી આપવાના બદલે તમામ પુખ્ત વયનાં લોકોને રસી આપવાની માગણી કરતો પત્ર ડો. હર્ષવર્ધનને લખેલો. ચતુર્વેદીનું કહેવું હતું કે, કોરોનાની લપેટમાં અત્યારે નાનાં બાળકો પણ આવી રહ્યાં છે ત્યારે કમ સે કમ 18 વર્ષથી વધારે વયના તમામ લોકોને રસી આપવાની વ્યવસ્થા થાય તો સારું. ડો. હર્ષવર્ધને પ્રિયાને પણ લપેટમાં લઈ લીધાં. શિવસેનાના નેતા પોતાની સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે ભળતીસળતી વાતો કરીને લોકોને ડરાવી રહ્યાં છે ને એવી બધી વાતોનો મારો તેમણે ચલાવી દીધો. હર્ષવર્ધને બીજી પણ ઘણી વાતો કરી છે ને એ બધી વાતો માંડી શકાય તેમ નથી પણ તેમની આખી પારાયણનો ટૂંક સાર એ છે કે, મહારાષ્ટ્રને ઓછી વેક્સિન મળે છે એ વાત ખોટી છે.
ડો. હર્ષવર્ધનની વાતનો ટોપેએ ગુરૂવારે જવાબ આપ્યો તેમાં વાત આગળ વધી છે. ટોપેનું કહેવું છે કે, મહારાષ્ટ્ર સાથે અન્યાય થાય છે ને તેને ઓછી વેક્સિન મળે છે એ સામી દીવાલે લખાયેલું સત્ય છે ને આંકડા જોશો તો પણ ખબર પડી જશે. ટોપેનું કહેવું છે કે, ભાજપ શાસિત રાજ્યો માટે મોસાળમાં જમણવાર ને મા પિરસે જેવો ઘાટ છે. મોદી સરકાર ભાજપ શાસિત રાજ્યો પર વરસી રહી છે ને વિરોધી પક્ષોનું રાજ હોય એવાં રાજ્યોને અન્યાય કરી રહી છે. ટોપેએ ગુજરાતનું ઉદાહરણ પણ આપ્યું છે. ગુજરાતની વસતી મહારાષ્ટ્ર કરતાં અડધી હોવા છતાં ગુજરાતને એક કરોડ ડોઝ મળ્યા છે જ્યારે મહારાષ્ટ્રને એનાથી ડબલ મળવા જોઈએ એના બદલે ગુજરાત જેટલા જ આપ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારને પણ થોકબંધ ડોઝ મળે છે જ્યારે મહારાષ્ટ્રને આપવાનું આવે ત્યારે જ મોદી સરકારનો જીવ ટૂંકો થઈ જાય છે એવું ટોપેનું કહેવું છે. ટોપેએ કબૂલ્યું કે કેન્દ્ર અમને મદદ કરે છે પણ જે રીતે કરવી જોઈએ એ રીતે નથી કરતી.
ટોપે ને હર્ષવર્ધનનો ડખો આગળ ન વધે એટલા માટે શરદ પવાર વચ્ચે કૂદી પડ્યા. કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને પૂરતો સહકાર આપે જ છે તેથી આ વિવાદનો અર્થ નથી એવી શાણપણભરી વાત તેમણે કરી. ટોપે શરદ પવારની પાર્ટીના નેતા છે તેથી તેમને સમજાવવાનું ન હોય કે, પવાર એક વાર બોલે પછી પક્ષમાંથી બીજા કોઈએ ન બોલવાનું હોય. પવારની વાત સાંભળ્યા પછી ટોપે ચૂપ થઈ ગયા પણ પ્રિયા ચતુર્વેદી મેદાનમાં આવી ગયાં. ડો. હર્ષવર્ધન કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે વર્તવાના બદલે ભાજપના પ્રવક્તા હોય એ રીતે વર્તી રહ્યા હોવાનો આક્ષેપ મૂકીને તેમણે નવો મોરચો ખોલી દીધો છે. ડો. હર્ષવર્ધનના સમર્થનમાં ભાજપના નેતા પણ કૂદી પડ્યા ને સામે શિવસેનાના નેતા પણ મેદાનમાં આવી ગયા તેથી હવે સામસામી પટ્ટાબાજી ચાલી રહી છે. બંને પક્ષના નેતા યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે ને એકબીજાને ગાળાગાળી કરી રહ્યા છે.
આ વિવાદ ક્યાં સુધી ચાલશે તે ખબર નથી પણ આપણા રાજકારણીઓને લોકોની કંઈ પડી નથી ને પોતાના ટૂંકા સ્વાર્થ જ તેમના માટે મહત્ત્વના છે તેનો આ ઘટનાનો પુરાવો છે. રાજેશ ટોપેએ જે કંઈ કહ્યું તેની સત્યતા આપણે ચકાસી ન શકીએ પણ તેની સામે ડો. હર્ષવર્ધને જે પ્રકારની વાતો કરી અને જે રીએક્શન આપ્યું એ પણ નોંધપાત્ર તો છે. કોરોના એક રાજ્યની સમસ્યા નથી ને આખા દેશે તેની સામે એક થઈને લડવાનું છે. કયું રાજ્ય કોરોના સામે લડવામાં સફળ રહ્યું ને કયું નિષ્ફળ રહ્યું તેનો હિસાબ કરવાનો અત્યારે સમય નથી. ડો. હર્ષવર્ધનનું એ કામ નથી ને એ કરવાની તેમનામાં લાયકાત પણ નથી.
ટોપેએ જે વાત કરી એ સામાન્ય હતી ને ડો. હર્ષવર્ધને તેને સામાન્ય રીતે જ લેવાની જરૂર હતી. ટોપેનો આક્ષેપ હતો કે, મહારાષ્ટ્રને જેટલી જરૂર છે તેટલા પ્રમાણમાં કોરોનાના ડોઝ નથી અપાતા. ડો. હર્ષવર્ધન ટોપેની વાતનો જવાબ કેન્દ્રે મહારાષ્ટ્રને કેટલા ડોઝ આપ્યા તેનો હિસાબ આપીને આપી શક્યા હોત ને ટોપેની બોલતી બંધ કરી શક્યા હોત. દેશના દરેક રાજ્યને કેટલી વેક્સિન અપાઈ છે તેનો હિસાબ આરોગ્ય મંત્રાલય પાસે હોય જ. ડો. હર્ષવર્ધને એ હિસાબ લોકો સામે મૂકી દીધો હોત તો આ ટંટો ત્યાં જ પતી ગયો હોત. તેના બદલે તેમણે હલકી કક્ષાનું રાજકારણ રમીને આક્ષેપબાજી શરૂ કરી તેમાં વાતનું વતેસર થઈ ગયું.
ડો. હર્ષવર્ધને દેશભરમાં ફરી કોરોના વકર્યો તેના માટે મહારાષ્ટ્રને જવાબદાર ગણાવ્યું છે. દેશમાં કોરોના ફરી વકર્યો એ માટે રાજકારણીઓની સત્તાલાલસા જવાબદાર છે ને તેમાં મરાઠી નેતાઓ મોખરે છે. બિહારની ચૂંટણીથી નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવાનું શરૂ કર્યું ને હજુ એ ખેલ ચાલી જ રહ્યો છે. આ ખેલમાં ભલભલા લોકો ભાગીદાર છે ને સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી કરીને લાખો લોકોને ભેગા કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. દરેક પક્ષના નેતા પણ યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. દેશમાં કોરોના વકર્યો તેના માટે આ નેતાઓ જવાબદાર છે ને તેમની સત્તાલાલસા, તેમનાં પાપોની સજા દેશના લોકો ભોગવી રહ્યા છે. ડો. હર્ષવર્ધનમાં તેમના નામ લેવાની તાકાત નથી તેથી મહારાષ્ટ્રના લોકો પર દોષનો ટોપલો ઢોળીને હાથ ખંખેરી નાખ્યા.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધારે છે તેને માટે ચૂંટણી જવાબદાર છે ને રાજકારણીઓ જવાબદાર છે પણ સાથે સાથે વસતીની ગીચતા પણ જવાબદાર છે. મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે ને બહુ ગીચ વસતી છે તેથી કોરોનાનો ચેપ સૌથી ઝડપથી ફેલાયો છે. જો કે આ દેશના આરોગ્ય પ્રધાને આ બધી વાતો ના કરવાની હોય ને કોરોના સામે કઈ રીતે લડીશું તેની જ વાત કરવાની હોય.
કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર તરફ વધારે ધ્યાન પણ આપવું જોઈએ કેમ કે મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર સૌથી વધારે છે. કોરોનાના કેસ તથા મોત બંનેનાં આંકડાના મામલે મહારાષ્ટ્ર નંબર વન છે. દેશમાં કોરોનાના નવા જે કેસ નોંધાય છે તેમાંથી 60 ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાં નોંધાય છે. આ જ હાલત મૃત્યુના આંકડામાં પણ છે જ. આ સંજોગોમાં કોના કારણે કોરોના વકર્યો તેની વાતોમાં પડવાના બદલે મહારાષ્ટ્રને વધારે મદદ કરવી જોઈએ.