મહારાષ્ટ્રના ખંડણીખોર ગૃહપ્રધાન સામે વધતો જતો ભેદી વા-વંટોળ

મહારાષ્ટ્રમાં મૂકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મૂકવાના કેસમાં રોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે પણ શનિવારે જે નવો ધડાકો થયો તેણે આખા દેશનો ખળભળાવી મૂક્યો છે. એક તરફ કેન્દ્રની એજન્સી એનઆઈએએ આ કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેને ઉઠાવીને અંદર કરી દીધા છે ને વાઝેનાં એક પછી એક કરતૂત બહાર આવી રહ્યાં છે. વાઝેના છેડા શિવસેના સાથે અડકે છે તેથી ઉદ્ધવ ઠાકરે સરકારને બરાબરનો પથરો માથે વાગેલો છે. ઉદ્ધવે આ ડખામાંથી બહાર નીકળવા મુંબઈના પોલીસ કમિશનર પરમબીરસિંહની બદલી કરી નાખેલી.

ઉદ્ધવને એમ કે પરમબીરસિંહને બલિનો બકરો બનાવીને હટાવી દઈશું એટલે બધું ટાઢું પડી જશે. પોલીસની મથરાવટી તો મેલી જ છે તેથી તેના માથે દોષન ટોપલો ઢોળી દઈશું એટલે આપણે દૂધે ધોયેલા સાબિત થઈ જઈશું પણ પરમબીરસિંહના ‘લેટર બૉમ્બ’એ બધો ખેલ બગાડી નાખ્યો છે. પરમબીરસિંહે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે વાઝેને દર મહિને સો કરોડ રૂપિયાનું ઉઘરાણું કરવાનો ટાર્ગેટ આપેલો. સચિન વાઝે ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના હેડ હતા તેથી દેશમુખે તેમના માધ્યમથી મુંબઈમાંથી રોકડી કરવાનો કારસો કરેલો એવો પરમબીરનો આક્ષેપ છે.

પરમબીરના આક્ષેપ પ્રમાણે, ગયા મહિને દેશમુખે સચિન વાઝેને તેમના ઘરે બોલાવીને દર મહિને એક સો કરોડ રૂપિયા જમા કરાવવાનું કહેલું. પરમબીરના આક્ષેપ પ્રમાણે દેશમુખે વાઝેને ઘરે બોલાવ્યા એ વખતે દેશમુખના સેક્રેટરી પલાંડે અને ઘરનો અમુક સ્ટાફ હાજર હતો. દેશમુખે વાઝેને કઈ રીતે આ રકમનું ઉઘરાણું કરી શકાય એની ગણતરી પણ આપી દીધેલી. મુંબઇના બાર-રેસ્ટૉરન્ટ પાસેથી મહિને બે-બે લાખ રૂપિયાનું ઉઘરાણું કરાય તો મહિને ચાલીસ કરોડ રૂપિયા થાય. બાકીની રકમ નાના-મોટા ધંધાવાળા પાસેથી ઉઘરાવી લેવી એવું દેશમુખે વાઝેને કહ્યું હોવાનો પરમબીરે આક્ષેપ કર્યો છે.

પરમબીરે બહુ મોટો ધડાકો કર્યો છે કેમ કે તેમણે સીધા રાજ્યના ગૃહ પ્રધાનને જ ખંડણીખોર ગણાવી દીધો છે. દેશમુખે ખરેખર પરમબીરને આ ટાર્ગેટ આપેલો કે નહીં એ રામ જાણે પણ આપ્યો હોય તો પણ દેશમુખ નહીં પણ કોઈ નેતા એ વાત ના જ કબૂલે. દેશમુખે પણ એવું જ કર્યું છે ને પરમબીરસિંહની વાતોને ટાઢા પહોરનું જૂઠાણું ગણાવ્યું છે. દેશમુખનું કહેવું છે કે, મૂકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસેથી વિસ્ફોટથી ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી એ કેસમાં પોતાના પગ તળે રેલો આવશે એવું લાગતાં પરમબીરે આ ત્રાગડો કર્યો છે. આ કેસમાં જેની કાર હતી એ થાણેનો બિઝનેસમેન મનસુખ હિરેન ઢબી જતાં સચિન વાઝે જેલની હવા ખાતા થઈ ગયા છે. આ કેસના છેડા પરમબીરસિંહ લગી પણ પહોંચે છે તેથી પોતાને બચાવવા પરમબીર ખોટા આક્ષેપ કરે છે એવું અનિલ દેશમુખનું કહેવું છે.

દેશમુખ પોતાનો બચાવ કરે તેમાં નવી વાત નથી પણ તેમની સામે થયેલા આક્ષેપોના કારણે વિપક્ષોને ગોળનું ગાડું મળી ગયું છે. મહારાષ્ટ્રમાં ભાજપ ને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એ બે વિરોધ પક્ષ છે ને બંને રાજ્ય સરકાર પર તૂટી પડ્યા છે. ભાજપે તો રાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ચગાવ્યો છે. શનિવારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કૉન્ફરન્સ કરીને એલાન કર્યું કે, આ ભ્રષ્ટાચાર નથી બલકે ખંડણીખોરી છે ને સરકારમાં બેઠેલા લોકો ખંડણીખોરી કરે તેનાથી વધારે શરમજનક કંઈ ના કહેવાય. પ્રસાદે તો શરદ પવારને પણ લપેટમાં લીધા છે ને આ કેસમાં પવાર સાથે ઉદ્ધવ બેઠકો કરીને તેમને માહિતી આપે છે તેની સામે વાંધો લીધો છે. પ્રસાદે તો સવાલ પણ ઉઠાવ્યો કે અનિલ દેશમુખ મહિને રૂપિયા સો કરોડ પોતાના માટે ઉઘરાવી રહ્યા હતા કે પોતાની પાર્ટી એનસીપી માટે ઉઘરાવતા હતા? કે પછી ઠાકરે સરકાર અને શરદ પવાર માટે ઉઘરાવતા હતા ? આ વાતનો જવાબ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ આપવો પડશે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાવ પતી ગયેલી પાર્ટી છે ને રાજ ઠાકરે રાજકીય રીતે ક્યાંય ચિત્રમાં દેખાતા નથી પણ આ મુદ્દે એ પણ કૂદી પડ્યા છે. રાજે કહ્યું છે કે, કોઈ ગૃહ મંત્રી કોઈ પોલીસ અધિકારીને સો કરોડ વસૂલ કરવા માટે આદેશ આપે તેવું મેં મારી જિંદગીમાં સાંભળ્યું નથી.મહારાષ્ટ્ર તો ઠીક છે પણ દેશમાં પણ ક્યાંય આવું થયું નહીં હોય. રાજ ઠાકરેએ બીજા પણ આક્ષેપો કર્યા છે ને એ બધાની વાત નથી કરતા પણ રાજ ઠાકરેની ખંડણીખોરીની વાત સાવ સાચી છે. રાજ્યનો ગૃહમંત્રી પોલીસને ખંડણીખોર બનાવે ને કમિશનરે રાજ્યપાલ-મુખ્ય મંત્રીને ફરિયાદ કરતો કાગળ લખવો પડે એવું તો પહેલી જ વાર સાંભળ્યું છે.

પરમબીરના કાગળે ઉદ્ધવ અને શરદ પવાર બંનેની હાલત કફોડી કરી નાખી છે તેમાં શંકા નથી. દેશમુખ શરદ પવારની પાર્ટીના નેતા છે તેથી ઉદ્ધવ સીધા તેમને હટાવી શકે તેમ નથી. ગૃહ મંત્રાલય પવારના ક્વોટામાં છે તેથી પવાર સાથે વાત તો કરવી જ પડે ને પવાર સીધેસીધા પોતાના મંત્રી પર ખંડણીખોરનો ઠપ્પો લગાડીને તેને ઘરભેગા કરવા તૈયાર ના જ થાય તેથી ઉદ્ધવ તેમને મનાવવામાં પડ્યા છે. ઉદ્ધવ માટે સારી વાત એ છે કે પવાર આ મામલે ઢીલા પડેલા છે. શરદ પવારે રવિવારે પત્રકાર પરિષદ કરી તેમાં દેશમુખ સામેના આક્ષેપો ગંભીર હોવાનું કબૂલ્યું છે. સાથે સાથે એમ પણ કહ્યું કે, આ આક્ષેપો પછી દેશમુખનું શું કરવું એ ઉદ્ધવનો વિશેષાધિકાર છે તેથી ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે.

પવારે સીધી રીતે તો કહી દીધું છે કે, ઉદ્ધવને દેશમુખ વાંકમાં લાગતા હોય દેશમુખને દૂર કરી દેવા જોઈએ. પવારનું વલણ એ રીતે હકારાત્મક લાગે પણ રાજકારણીઓના દાંત બતાવવાના ને ચાવવાના જુદા જુદા હોય છે. પવારે એનસીપીના ધુરંધરોને બાજુ પર મુકાવીને અનિલ દેશમુખને ગૃહ મંત્રાલય જેવું મલાઈદાર ખાતું અપાવેલું. દેશમુખ ખાસ હોય તો જ પવાર તેમના પર વરસે એ કહેવાની જરૂર નથી. આ કારણે પવાર ભલે બહાર ડાહીડાહી વાતો કરતા હોય પણ અંદરખાને દેશમુખને દૂર કરવા આડે ઊભા રહી ગયા હોય એ શક્ય છે.

પવારે પરમબીરસિંહ સામે ઊભા કરેલા સવાલો પણ તેમની દાનત વિશે શંકા ઊભી કરે છે. પવારે પરમબીરે કરેલા આક્ષેપો મુદ્દે પોલીસ ખાતામાં અત્યંત સન્માનનિય હોય એવા અધિકારી મારફતે ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ એવું સૂચન પણ કર્યું છે. પવારે તપાસ માટે ભૂતપૂર્વ પોલીસ વડા જુલિયો ફ્રાન્સિસ રિબેરોનું નામ પણ સૂચવ્યું છે. પવારે સોળ વર્ષ સુધી સસ્પેન્ડેડ સચિન વાઝેને ફરી નોકરીમાં લેવાનો નિર્ણય પરમબીરે લીધેલો ને હવે વાઝે જેલભેગા થયા છે ત્યારે પરમબીર આ પ્રકારના આક્ષેપો કરે છે એવો મમરો મૂકીને પરમબીરના ઈરાદા સામે પણ શંકા ઊભી કરવા કોશિશ કરી જ છે.

સચિન વાઝે જેવા વગોવાયેલા અધિકારીને પાછા નોકરીમાં લેવા જેવા નિર્ણય રાજકીય પીઠબળ વિના લેવાતા નથી એ પવાર જેવા માણસને સમજાવવાની જરૂર ન હોય. આ નિર્ણય લેવાની પરમબીરની હેસિયત જ નહોતી. ઉદ્ધવની સરકાર પવારની કાંખખોડી પર ઊભી છે તેથી ઉદ્ધવ પવારને પૂછ્યા વિના પાણી પીતા નથી. આ સંજોગોમાં આવડો મોટો નિર્ણય પવારને અંધારામાં રાખીને લેવાયો હોય એ પણ શક્ય નથી તેથી પવાર પરમબીર સામે ઈરાદાપૂર્વક શંકા ઊભી કરી રહ્યા છે એ કહેવાની જરૂર નથી.

ઉદ્ધવે અત્યારે તો સમય મળી જાય એટલે પરમબીરના કાગળ સામે શંકા ઊભી કરાવી દીધી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે એવો દાવો કર્યો છે કે પરમબીરસિંહનો પત્ર તેમના ઓફિશિયલ ઈમેલ આઈડીથી આવ્યો નથી અને તેના પર તેમની સહી પણ નથી તેથી પહેલાં સિંહના પત્રની ખરાઈ કરવામાં આવશે. આ ખરાઈ કરવાના નામે બે દિવસ ખેંચી કાઢ્યા ને સોમવારે સાથી પક્ષોની બેઠક બોલાવી દીધી છે.

આ બેઠકમાં શું નક્કી થશે એ ખબર નથી પણ ઉદ્ધવે દેશમુખને દૂર કરવા જ જોઈએ. દેશના સૌથી સમૃદ્ધ રાજ્યના ગૃહમંત્રી સામે એક ટોચના અધિકારી આક્ષેપ કરે એ ગંભીર વાત કહેવાય ને ઉદ્ધવે તેને ગંભીરતાથી લેવા જ જોઈએ. દેશમુખ જે બચાવ કરે છે એ પણ લૂલો છે. પરમબીરસિંહ સચિન વાઝેની સાથે મૂકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મૂકવામાં સામેલ હોય તો દેશમુખે પહેલા પરમબીરસિંહ સામે કેમ પગલાં ના લીધાં એ સવાલનો જવાબ નથી મળતો તેથી પરમબીર નહીં પણ શંકાના દાયરામાં દેશમુખ છે.