મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને નાચનારી બાઈઓ તુંકારો કરવા લાગી બોલો !

મહારાષ્ટ્રમાં કોરોના ભયાનક રીતે આગળ વધે છે પણ એની ચિંતા કોઈને નથી. પ્રજા અને રાજા બન્ને ને રિયા અને કંગનાના વૃત્તાંતોમાં અધિક રસ છે. સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં આમ તો અનેક મોરચે લડાઈ ચાલી રહી છે પણ મુખ્ય બે મોરચા છે. પહેલો મોરચો કેન્દ્ર સરકારની એજન્સીઓએ ખોલેલો છે ને તેની પાછળ દોરીસંચાર ભાજપ-જેડીયુનો છે. આ દોરીસંચારના કારણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સહિતની કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓ રિયા ચક્રવર્તીને ફિટ કરવા મચી પડી છે. આ તપાસ એજન્સીઓએ પહેલાં રિયાના ભાઈ શોવિકને ઉઠાવીને અંદર નાંખ્યો ને મંગળવારે એનસીબીએ રિયાને જેલભેગી કરી નાંખી. એનસીબીએ રિયાના રીમાન્ડ નથી માંગ્યા તેથી બુધવારે રિયાને ભાયખલા જેલમાં મોકલી અપાઈ. રિયા પાસે હવે જામીન માંગવાનો વિકલ્પ છે પણ રિયાની પાછળ કેન્દ્ર સરકારની એજન્સીઓ આદુ ખાઈને પડેલી છે એ જોતા તેને જામીન મળવાની આશા હમણાં નથી. આ સંજોગમાં રિયાનો જેલયોગ લાંબો ચાલશે એવું લાગે છે.

સુશાંત કેસમાં બીજો મોરચો કંગના રાણાવત વિરુદ્ધ શિવસેનાનો છે. સુશાતનું મોત થયું એ દાડાથી કંગના મચેલી છે ને સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસ ને શિવસેના બંનેની બરાબર લેફરાઈટ લે છે. સુપ્રિમ કોર્ટના આદેશના કારણે મુંબઈ પોલીસ કે શિવસેનાની સરકાર સુશાતંના કેસમાં કડછો મારી શકે તેમ નથી તેથી તેમણે કંગના રાણાવતને લપેટમાં લઈને ખાર કાઢવા માંડ્યો છે. શિવસેનાના સાંસદ સંજય રાઉત તો લાંબા સમયથી કંગનાની પાછળ પડેલા જ છે ને કંગનાને તેમણે હરામખોર લડકી સુદ્ધા કહી દીધેલી. શિવસેનાના બીજા નેતા પણ કંગનાને ભાંડી જ રહ્યા છે પણ હવે શિવસેનાએ પોતાની સત્તાનો ઉપયોગ કરવા માંડ્યો છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર છે ને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ શિવસેનાનું રાજ છે. તેનો લાભ લઈને મહારાષ્ટ્ર સરકારે કંગના રાણાવત સામે ડ્રગ્સ લેતી હોવાના કેસમાં તપાસ કરવાનું એલાન કર્યું ને હવે મુંબઈમાં કંગનાની ઓફિસનું બાંધકામ ગેરકાયદેસર હોવાની નોટિસ ફટકારીને એ બાંધકામ તોડવામાં ગજબનો ઉત્સાહ બતાવી ટીમ પણ મોકલી દીધી. કંગનાએ બુધવારે મુંબઈમાં પધરામણી કરી ને એ ટાણે જ કોર્પોરેશનના અધિકારી હથોડા લઈને તોડફોડ માટે પહોંચી ગયા. કંગના પૂરી તૈયારી કરીને આવેલી તેથી તાબડતોબ બોમ્બે હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવી તેમાં તેનું ઘર બચી તો ગયું પણ શિવસેના જે રીતે પાછળ પડી છે એ જોતાં કંગના પર નવો પ્રહાર થશે એ નક્કી છે. કંગનાની પોતાની આ મિલકત શંકાના દાયરામાં છે તેના કારણે પણ અત્યાર ભલે સ્ટે મળ્યો પણ કાલે પાછો હથોડો ઝીંકાઈ શકે છે.

શિવસેનાએ કંગનાની ઓફિસ તોડવા માણસ મોકલ્યા તેની સામે કકળાટ શરૂ થયો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણા કંગનાની તરફેણમાં બહાર આવ્યાં છે ને શિવસેના સત્તાના જોરે ખોટું કરી રહી છે એવા આક્ષેપો પણ થયા છે. કંગનાએ પણ પોતે દૂધે ધોયેલી છે ને પોતાની ઓફિસમાં એક ઈંચ પણ ખોટું થયું નથી એવું જોરશોરથી જાહેર કર્યું છે. શિવસેના કંગનાને પજવવા માટે અત્યારે ધમાધમી પર ઉતરી છે એ સાચું છે પણ કંગનાએ પોતાની ઓફિસમાં કશું ખોટું નથી કર્યું એ વાત સદંતર ખોટી છે.

કંગનાને આ ગેરકાયદે બાંધકામ માટે બે વર્ષ પહેલાં એટલે કે ઈ. સ. 2018 માં ચેતવણી પણ મળેલી ને કાયદેસરની નોટિસ પણ મળેલી. કેટલીક ટીવી ચેનલોએ એ નોટિસ બતાવી પણ છે. આ નોટિસ પ્રમાણે કોર્પોરેશને કંગનાને નોટિસ આપી પછી કંગનાએ પોતાને વચગાળાની રાહત આપવા માટે કોર્ટના દ્વાર પણ ખખડાવેલાં. એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં આ મામલો પહોંચેલો. કંગનાને 28 માર્ચ, 2018 ના રોજ નોટિસ મળેલી અને 20 ઓક્ટોબર, 2018ના રોજ કંગના કોર્ટમાં ગઈ હતી. કોર્ટે 10 સપ્ટેમ્બર, 2018ના રોજ આદેશ આપેલો કે કંગનાને જવાબ આપવાની એક તક આપવી જોઈએ ને કંગના ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે અરજી પણ કરી શકે. અલબત્ત આ ગેરકાયદેસર બાંધકામ એકદમ જરૂરી અને નિયમ પ્રમાણે હોય તો જ કંગના અરજી કરી શકે એવું કોર્ટે કહેલું. કંગનાએ અરજી કરીને બધું નિયમિત નથી કરાવ્યું એવું કોર્પોરેશનનું કહેવું છે. કંગના બધું બરાબર હોવાનો દાવો કરે છે પણ તેના કોઈ પુરાવા નથી એ જોતાં કંગના સાવ દૂધે ધોયેલી નથી જ.

હાઈ કોર્ટે સ્ટે આપ્યો છે એ પણ કંગનાએ કશું ગેરકાયદેસર રીતે નથી બાંધ્યું એવું કહીને નથી આપ્યો. બલકે કંગના હાજર નહોતી ત્યારે તેની મિલકતમાં કોર્પોરેશનનો સ્ટાફ કઈ રીતે ઘૂસ્યો એ સવાલ કરીને આપ્યો છે. કંગના પણ બહાર ભલે ફિશિયારી મારતી હોય ને એ ટ્વીટ કરતી હોય કે પોતે કશું ગેરકાયદેસર બાંધ્યું નથી ને બધી મંજૂરીઓ લીધી છે પણ હાઈ કોર્ટમાં તેણે રજૂઆત તો એવી જ કરેલી કે, પોતાને આ મકાન તોડવા અંગે સમયસર જાણ નહોતી કરાઈ ને અચાનક તોડફોડ માટે માણસોને મોકલી દેવાયા એ નિયમની વિરુદ્ધ છે. આ મુદ્દે હાઈકોર્ટ શું વલણ લેશે તે ખબર નથી પણ હાઈ કોર્ટમાં કંગનાનો કેસ એકદમ ચોખ્ખો નથી જ. શિવસેનાએ ટિપિકલ રાજકારણી સ્ટાઈલમાં કંગનાને દબાવવા માટે આ મામલાનો ઉપયોગ કર્યો એ ખોટું કહેવાય. બે વર્ષ સુધી કશું નહીં કર્યા પછી અચાનક કોર્પોરેશનને કંગના કેમ યાદ આવી ને તેનું ગેરકાયદેસર બાંધકામ કેમ યાદ આવ્યું એ સવાલનો જવાબ સૌને ખબર છે. શિવસેના એ રીતે ચોક્કસ ખોટી છે પણ તેના કારણે કંગના સાચી નથી ઠરતી.

જો કે કંગનાને ડ્રગ્સના કેસમાં ફસાવવાના ઉધામા થઈ રહ્યા છે તેમાં શિવસેના સાવ ખોટી છે. કંગના સામેનો કેસ તેના જૂના પ્રેમી અધ્યયન સુમનના એક ઈન્ટરવ્યૂના આધારે ઉભા કરવાના ધમપછાડા થઈ રહ્યા છે. અધ્યયને કહેલું કે, કંગના પોતે ડ્રગ્સ લેતી હતી ને મને પણ ડ્રગ્સ લેવા દબાણ કરતી હતી. કંગના પહેલાં ડ્રગ્સ લેતી હતી એવું કહી ચૂકી છે એ વાત સાચી પણ એ પુરાવો પણ ન કહેવાય. એ તો કાલે કોર્ટમાં ફરી જાય તો તમે શું કરો ? અધ્યયન સુમનના ઈન્ટરવ્યૂને આધારે કંગનાને ફિટ કરવાની વાત તો વળી નવી નવાઈની કહેવાય. અધ્યયન વળી ક્યો રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે કે એ સાચું જ બોલતો હોય ? એ સાચું બોલતો હોય તો પણ એ પુરાવો થોડો કહેવાય ? કોઈના ઈન્ટરવ્યૂના આધારે ડ્રગ્સ કેસની તપાસ કરવી એનાથી વધારે વાહિયાત વાત કોઈ ના કહેવાય. કંગનાએ ડ્રગ્સ લીધું હોય તો એ પણ ગુનેગાર કહેવાય પણ એ સાબિત કરવું અઘરું છે એ જોતાં શિવસેના ખોટા ઉધામા કરી રહી છે. સાવ ફાલતું વાતને મોટી કરી રહી છે.

કંગના અને શિવસેનાની આ લડાઈમાં કોણ જીતશે એ ખબર નથી પણ કંગનાના તેવર અને તેની ભાષા પણ બહુ વખાણવા જેવાં તો નથી જ. કંગનાએ સુશાંતના કેસમાં પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે ને એક એવા માણસની દલાલી કરી રહી છે કે જે પોતે ડ્રગ એડિક્ટ હતો. તેના બચાવમાં એ બેફામ બકવાસ કરી રહી છે. બુધવારે વીડિયો બહાર પાડીને ઉદ્ધવ ઠાકરે સાથે જે તું-તારી કરી છે એ સાંભળ્યા પછી તો આઘાત જ લાગે. આ બાઈમાં સભ્યતા જેવું કંઈ છે કે નહીં એ સવાલ થાય.

કંગનાએ કોઈ ફિલ્મના ડાયલોગ બોલતી હોય એમ કહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરે, તુઝે ક્યા લગતા હૈ કિ તુને ફિલ્મ માફિયા કે સાથ મિલકર, મેરા ઘર તોડકર બહોત બડા બદલા લિયા હૈ ? આજ મેરા ઘર તોડા હૈ, કલ તેરા ઘમંડ તૂટેગા. યે વક્ત કા પહિયા હૈ, યાદ રખના, હંમેશાં એક જૈસા નહી રહતા. ઔર મુઝે લગતા હૈ કિ તુમને મુઝ પે બહોત બડા અહેસાન કિયા હૈ. ક્યું કિ મુઝે પતા તો થા કિ કાશ્મીરી પંડિતો પર ક્યા બિતતી હોગી, આજમૈંને મહસૂસ કિયા હૈ. ઔર આજ મૈં ઈસ દેશ કો વચન દેતી હૂં કિ મૈં સિર્ફ અયોધ્યા પર હી નહીં પર કાશ્મીર પર ભી એક ફિલ્મ બનાઉંગી. ઔર મૈં અપને દેશવાસીઓ કોં જગાઉંગી ક્યોં કિ મુઝે પતા થા કિ હમારે સાથ હોગા સો હોગા. લેકિન મેરે સાથ હુઆ હૈ ઉસકા કોઈ મતલબ હૈ, ઉસ કે કોઈ માયને હૈ. ઔર ઉદ્ધવ ઠાકરે, યે જો ક્રૂરતા ઔર આતંક હૈ, અચ્છા હુઆ યે મેરે સાથ હુઆ. ક્યું કિ ઈસ કે કુછ માઈને હૈં. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે ને કંગના તેમને તું કહીને સંબોધે છે. સંજય રાઉતે કંગનાને હરામખોર લડકી કહી ત્યારે કૂદાકૂદ કરી મૂકેલી એ બધા કંગના મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને તું-તારી કરે ત્યારે ચૂપ છે. ભારતીય સંસ્કૃતિ ને સભ્યતાની વાતો કરનારા એ નમૂનાઓને કંગનાની વાતો સામે કશું કહેવાનું નથી.