મહારાષ્ટ્ર તો ઠીક પણ દેશના એકેય રાજ્યને હવે લોકડાઉન પોસાય નહિ

કોરોના જે રીતે આગળ વધે છે તે જોતાં આવનારા દિવસો માટે બહુ જોખમી સંકેત એમાંથી મળે છે. આપણે ત્યાં અમરેલીમાં માસ્ક વિના ભટકતા ભૂત હજુ જોવા મળે છે. આ વખતનો બીજા રાઉન્ડનો કોરોના ઘરમાંથી એકાધિક લોકોને લાગે છે. એમાં એક મોટી ઉંમરના અને એક નાની ઉંમરના હોય છે. દેશમાં કોરોનાના કેસો ધીરે ધીરે વધી રહ્યા છે અને તેના કારણે થઈ રહેલાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. એકાદ મહિના પહેલાં કોરોનાના કેસોનો આંકડો રોજના દસ હજારની અંદર ઊતરી ગયેલો એ હવે વધીને 65 હજારની આસપાસ પહોંચી ગયો છે. કોરોનાના કારણે થતાં મોતનો આંકડો પણ કૂદકે ને ભૂસકે વધતો જાય છે. સરકાર મગનું નામ મરી પાડતી નથી ને કોરોનાની આ નવી લહેર અત્યંત ખતરનાક છે એવું સ્વીકારતી નથી કેમ કે વિવિધ રાજકીય પક્ષોને પશ્ચિમ બંગાળ, આસામ વગેરે રાજ્યોમાં ચૂંટણી જીતીને સત્તા કબજે કરવાના ધખારા છે.
વાસ્તવમાં આપણા રાજકારણીઓ સામાન્ય લોકોનું શું થાય છે તેની ચિંતા કર્યા વિના પોતાની સત્તાલાલસાને પૂરી કરવા માટે ચૂંટણી ચૂંટણી રમ્યા કરે છે તેના કારણે કોરોનાના કેસોમાં વધારો થતો જાય છે, પણ આપણા રાજકારણીઓને ધરવ જ નથી. એક રાજ્યમાં ચૂંટણી પતે એટલે બીજા રાજ્યમાં સત્તા કબજે કરવાની લાલસા જાગે ને બીજામાં પતે ત્યાં ત્રીજામાં જાગે એ વિષચક્ર ચાલ્યા જ કરે છે તેમાં દેશ કોરોનાના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. કોરોનાની નવી લહેરમાં સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં છે. દેશમાં જે નવા કોરોના કેસ આવી રહ્યા છે તેમાંથી 80 ટકા કેસ તો આ છ રાજ્યોમાં જ નોંધાય છે. કોરોનાના કારણે થતાં મોતમાં મોટા ભાગનાં મોત પણ આ છ રાજ્યોમાં જ થાય છે તેથી આ રાજ્યોમાં કોરોના વિસ્ફોટ થયો છે એમ કહીએ તો ચાલે.
આ છ રાજ્યોમાં પણ સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. દેશમાં કોરોનાના નવા કેસો આવે છે તેમાંથી 60 ટકા કેસ મહારાષ્ટ્રમાંથી નોંધાય છે. મહારાષ્ટ્ર સરકારે આ સ્થિતિને પહોંચી વળવા માટે ઢગલાબંધ નિયંત્રણો લાદી દીધાં છે. મહારાષ્ટ્ર સરકારે મિનિ લોકડાઉન જ લાદી દીધું છે એમ કહીએ તો ચાલે. ઉદ્ધવ ઠાકરે સરકારે રવિવારે હોળીના દિવસથી જ પંદર એપ્રિલ સુધી રાતના આઠ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી એટલે કે અગિયાર કલાકનો નાઈટ કરફ્યૂ લાદી દીધો છે. મોલ, બાર, રેસ્ટોરન્ટ, મલ્ટિપ્લેક્સ, ઉદ્યાન-પાર્ક-બાગ-બગીચા, સિંગલ સ્ક્રીન થિયેટર, બીચ સહિતનાં તમામ જાહેર સ્થળો આ કલાકો માટે સંપૂર્ણ બંધ રહેશે.
ઉદ્ધવ ઠાકરે સરકારે સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. લગ્નમાં પણ પચાસ જણથી વધારે હાજર નહીં રહી શકે ને અંતિમ સંસ્કારમાં પણ વીસ લોકોથી વધારે હાજર નહીં રહી શકે. નાટ્યગૃહ અને ડિટોરીયમને પણ તાળાં મારી દેવાયાં છે ને કોઈ કાર્યક્રમ નહીં કરી શકાય. આ તો માત્ર એક ઝલક છે ને એ સિવાય બીજાં પણ ઘણાં નિયંત્રણો લાદી દેવાયાં છે. ઉદ્ધવ ઠાકરે સરકારે ઘોડા છૂટ્યા પછી તબેલાંને તાળાં મારવાની ક્વાયત કરી છે. મહિના પહેલાં મહારાષ્ટ્રમાં ધામધૂમથી ગ્રામ પંચાયતોની ચૂંટણી કરાવાઈ ને એ વખતે કોરોના વકરશે તેની ચિંતા ન કરી. હવે કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો ત્યારે સાહેબ જાગ્યા છે. આ ઓછું હોય તેમ પાછી ધમકી આપી છે કે, કોરોનાના કેસો હજુ કાબૂમાં નહીં આવે તો લોકડાઉન લાદી દઈશું. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે પોતે આ વાત કરી છે.
મહારાષ્ટ્ર સરકાર લોકડાઉન લાદશે કે નહીં એ ખબર નથી, પણ લોકડાઉન લદાશે તો તેનાથી ખરાબ ને ખરેખર તો આઘાતજનક નિર્ણય બીજો કોઈ નહીં હોય કેમ કે મહારાષ્ટ્ર હવે ફરી લોકડાઉનનો ભાર સહન કરી શકે તેમ નથી. બલ્કે મહારાષ્ટ્ર જ નહીં પણ દેશના કોઈ પણ રાજ્યને લોકડાઉન પરવડે તેમ જ નથી તેથી ક્યાંય પણ લોકડાઉન ન લદાય એવી પ્રાર્થના કરવી જોઈએ. આ દેશના લોકોની, દેશના અર્થતંત્રની હાલત એવી નથી જ કે બીજા લોકડાઉનનો માર ખમી શકે. લોકડાઉનના કારણે લોકોએ વેઠવી પડેલી તકલીફો, યાતનાઓ ને માનસિક મૂંઝવણોની તો વાત જ કરવા જેવી નથી ને આપણે તેની વાત ન કરીએ તો પણ તેની લાંબા ગાળાની અસરો જ એટલી ભયાનક છે કે ફરી લોકડાઉન ન આવે એ દેશનાં લોકોના હિતમાં છે.
બીજી બધી વાતો બાજુ પર મૂકીએ ને લોકડાઉનના કારણે વેઠવા પડેલા આર્થિક નુકસાનની વાત કરીએ તો એ એટલું મોટું છે કે તેને સરભર કરતાં વરસોનાં વરસો નિકળી જશે. લોકોએ ભોગવેલી માનસિક યાતનાઓ કે બીજી તકલીફોની વાત આપણે ન કરીએ ને માત્ર લોકડાઉનની આર્થિક અસરો વિશે જ વાત કરીએ તો પણ સમજાશે કે લોકડાઉને આપણને એક દાયકો પાછળ ધકેલી દીધા છે. મહારાષ્ટ્ર આ દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય છે તેથી સૌથી વધારે ફટકો તેને પડ્યો છે તેથી મહારાષ્ટ્રને તો એ સાવ ન પરવડે.
લોકડાઉને આ દેશને આર્થિક રીતે ત્રીસ લાખ કરોડ રૂપિયાનો ફટકો માર્યો હોવાનો અંદાજ છે. સંપૂર્ણ લોકડાઉન લદાયું ત્યારે દેશને દરરોજ રૂપિયા બત્રીસ હજાર કરોડનો ફટકો પડતો હતો. આ નુકસાન પછી ઘટ્યું પણ તોય કુલ નુકસાનનો આંકડો બહુ મોટો છે. આ દેશમાં 45 ટકા પરિવારો એવા છે કે જેમની આવકમાં ઘટાડો થયો ને 14 કરોડ લોકો એવા છે કે જેમને રોજગારીમાં નુકસાન વેઠવું પડ્યું. આ પૈકી આઠ કરોડ લોકો એવા છે કે જેમની રોજગારી જ છિનવાઈ ગઈ. બાકીના લોકોના પગાર ઘટાડી દેવાતાં ફટકો પડ્યો. ભારતમાં ત્રેપન ટકા બિઝનેસની આવક ઘટી ગઈ ને દેશની જીડીપી માઈનસમાં જતી રહી. લોકડાઉનના કારણે મોટી મોટી કંપનીઓને તાળા વાગી ગયા ને સ્ટાર્ટ અપ્સ તો સાવ પતી જ ગયાં. સૌથી સલામત મનાતા સરકારી કર્મચારીઓને પણ ફટકો પડ્યો કેમ કે મોદી સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં વધારા પર દોઢ-બે વરસ માટે બ્રેક મારી દીધી.
આ તો દેશના અર્થતંત્રને પડેલી અસરની ઉપરછલ્લી વાતો છે ને તેના કારણે ખરા નુકસાનનો અંદાજ ન આવે, ખરું નુકસાન એ થયું છે કે, મહેનત કરીને જીવતાં કરોડો પરિવાર સાવ બરબાદ થઈ ગયાં. લોકો પાસેથી રોજીરોટી છિનવાઈ ગઈ. વરસોની મહેનત પછી ઊભા કરેલા ધંધા ખતમ થઈ ગયા, બચતો ખતમ થઈ ગઈ ને લોકોએ ફરી એકડે એકથી શરૂઆત કરવી પડે એવી હાલત થઈ ગઈ હતી. લોકડાઉન ઉઠાવાયું પછી લોકો માંડ માંડ થાળે પડવા લાગ્યાં છે ત્યાં ફરી લોકડાઉ લદાય તો લોકોની હાલત બગડી જાય. લોકોએ વખ ઘોળવાનો વખત આવે ને કોરોનાના કારણે મરનારાં લોકો કરતાં કોરોનાથી થયેલી બરબાદીનાં કારણે મરનારાં લોકોનો આંકડો મોટો થઈ જાય. આ સ્થિતિ ફરી ન સર્જાય એટલે હવે લોકો સતર્ક બને એ જરૂરી છે. બાકી રાજકારણીઓને તો શું, એ તો એક મિનિટમાં નિર્ણય લઈને ફરી લોકડાઉન લાદી દેશે.