મહારાષ્ટ્ર પહેલા મેઘસવારી અમરેલી જિલ્લામાં આવી પહોંચી

અમરેલી,
ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હવામાન વિભાગ દ્વારા પ્રિમોન્સુનની આગાહીનાં પગલે સખત ઉકળાટ બાદ ધારી તાલુકાનાં ચલાલા અને સાવરકુંડલાનાં વિજપડીમાં દોઢ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી જતા રસ્તાઓ ઉપર ગોઠણ ડુબ પાણી વહેતા થયા હતાં અને જરૂરિયાતના સમયે જ વરસાદ પડી જતા ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. અમરેલી તાલુકાનાં બાબાપુર, ગાવડકા, મેડી, તરવડા, વાંકીયા સહિતનાં ગામોમાં પણ એક ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લામાં અન્યત્ર હળવા ભારે વરસાદનાં વાવડ મળી રહે અમરેલી જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદ એક અઠવાડીયા પછી સખત ઉકળાટ બાદ ફરી પ્રિમોન્સુન એક્ટીવીટી શરૂ થતા ફરી વરસાદ શરૂ થયેલ છે. ચલાલાથી પ્રકાશભાઇ કારીયાના જણાવ્યા અનુસાર ચલાલા શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ 4 થી 5 વચ્ચે હળવો ભારે વરસાદ શરૂ થયો હતો અને ચલાલા શહેરમાં ધોધમાર દઢ ઇંચ જેવો વરસાદ પડી જતા રોડ ઉપર પાણી વહેતા થયા હતાં અને ભુગર્ભ ગટરો પણ ઉભરાઇ હતી. નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતાં. ખેડુતોને વાવણી બાદ સારા વરસાદની જરૂરિયાત સમયે જ સમયસર વરસાદ પડી જતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે સાવરકુંડલા તાલુકાનાં વિજપડીમાં બપોર બાદ ધોધમાર દોઢ ઇંચ જેવો વરસાદ પડી જતા ગામમાં પાણી વહેતા થયા હતાં અને વાવણી બાદ સારો વરસાદ થતા ખેતીપાકને ફાયદો થશે. અમરેલી તાલુકાનાં બાબાપુર, ગાવડકા, મેડી, તરવડા, વાંકીયા સહિતનાં ગામોમાં આજે બપોરનાં એક કલાકમાં એક ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી ગયો હતો. જ્યારે સરંભડામાં ધોધમાર દોઢ ઇંચ જેવો વરસાદ પડી જતાં ખેડુતોમાં ખુશી વ્યાપી છે. જ્યારે નવા ખીજડીયામાં વરસાદનાં ઝાપટા પડ્યાનું હસમુખભાઇ રાવળે જણાવેલ. કુકાવાવમાં સાંજે 5 વાગેધોધમાર અડધો ઇંચ વરસાદ પડ્યાનું કિર્તકુમાર જોષીએ જણાવેલ. જ્યારે ખાંભામાં પણ વિજળીનાં કડાકા ભડાકા સાથે એક કલાકથી સારો વરસાદ હોવાનું પુર્વ સરપંચ અંબરીષભાઇ જોષીએ જણાવ્યું લીલીયા તાલુકાના મોટા કણકોટમાં પોણો ઇંચ વરસાદ પડ્યાનું મહેશભાઇ દવેએ જણાવેલ. અમેલી શહેરમાં સખત ઉકળાટ બાદ બપોર બાદ વરસાદનાં હળવા ઝાપટાઓ શરૂ થયા હતાં. અમરેલી તાલુકાનાં માલવાણમ ગામે પણ વરસાદનાં હળવા ભાવે ઝાપટાઓ પડ્યાં હતાં. બાબરામાં ઝરમર વરસાદ પડ્યાનું દિપકભાઇ કનૈયાએ જણાવેલ. જ્યારે બગસરા શહેરમાં ઝરમર વરસાદ પડ્યાનું રૂપેશભાઇ રૂપારેલીયાએ જણાવેલ હતું. ધારી તાલુકાનાં દલખાણીયામાં ઝરમર વરસાદ પડ્યાનું યોગેશભાઇ સોલંકીએ જણાવેલ. અમરેલીનાં ચિતલમાં વરસાદનું ઝાપટુ પડ્યાનું ધર્મેશભાઇએ જણાવ્યું હતુ. જ્યારે લાઠીથી વિશાલ ડોડીયાએ હળવો વરસાદ પડ્યાનું જણાવેલ છે. જુના અને નવા વાઘણીયામાં ગરમી અને બફારા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધીમીધારે એક ઇંચ જેવો વરસાદ પડ્યાનું મગનભાઇ સરવૈયાએ જણાવેલ અને 24-6-2015માં અતિવૃષ્ટિ થવાના કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી પાઠવામાં આવી હતી.