મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા ખડસે ખડી ગયાથી શું ફેર પડશે ?

ભાજપમાંથી લાંબા સમયથી જઉં જઉં કરતા એકનાથ ખડસેએ અંતે ભાજપને ઝાઝા જુહાર કરીને રાજીનામું આપી દીધું ને શુક્રવારે શરદ પવારના પડખામાં ભરાઈને એનસીપીમાં જોડાઈ જશે એવું એલાન પણ એનસીપીએ કરી દીધું. હજુ બે દિવસ પહેલાં જ દેવેન્દ્ર ફડણવીસે ટોણો મારેલો કે, ખડસે કે દિ’ના ભાજપ છોડું છોડું કર્યા કરે છે પણ તેમનું ભાજપ છોડવાનું મૂરત આવતું જ નથી. ફડણવીસની વાતથી લાગી આવ્યું કે પછી પહેલાંથી નક્કી કરીને બેઠેલા એ ખડસે પોતે જાણે પણ તેમણે બુધવારે સત્તાવાર રીતે ભાજપ છોડવાનું એલાન કરી દીધું.

ખડસેની ગણના મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતા તરીકે થતી હતી. મહારાષ્ટ્રમાં ને ખાસ તો ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપનાં મૂળિયાં ઊંડાં કરવામાં ખડસેનું યોગદાન મોટું ગણાય છે. ભાજપની કોઈ છીંકણી નહોતું લેતું એ જમાનામાં જે લોકો ઝનૂન સાથે ભાજપને મજબૂત કરવા મથતા હતા તેમાં એક ખડસે પણ હતા. ખડસે એવા સમાજમાંથી આવે છે. મહારાષ્ટ્રમાં સંઘના કારણે ભાજપની છાપ બ્રાહ્મણોની પાર્ટી તરીકેની હતી. આ છાપને બદલવા જે નેતાઓએ મહેનત કરી અને ભાજપને અન્ય સમાજમાં સ્વીકૃત બનાવ્યો તેમાં એક ખડસે પણ છે તેથી ખડસેને દિગ્ગજ નેતા ગણવામાં કશું ખોટું નથી.

આ યોગદાનના કારણે જ ગોપીનાથ મુંડેની વિદાય પછી ખડસે ભાજપના મુખ્યમંત્રીપદના દાવેદાર મનાતા હતા. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર રચાઈ એ પહેલાંની એનસીપી-કોંગ્રેસ સરકારની છેલ્લી ને ત્રીજી ટર્મ વખતે ખડસે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા તેથી ૨૦૧૪માં ભાજપ-શિવસેનાને બહુમતી મળી ત્યારે ખડસે મુખ્યમંત્રી બનશે એવું જ મનાતું હતું પણ નરેન્દ્ર મોદી સંઘના માનીતા ફડણવીસને લઈ આવ્યા તેમાં ખડસેની મનની મનમાં રહી ગઈ. વાસ્તવમાં ભાજપ સાથેના સંબંધોમાં ખટાશની શરૂઆત ત્યારથી થઈ. ફડણવીસે પોતાનો હક છિનવી લીધો એમ માનીને ખડસેએ ફડણવીસ સામે બાંયો ચડાવી દીધી ને આ જંગના કારણે જ ખડસેએ ભાજપને રામ રામ કરવા પડ્યા એમ કહીએ તો ચાલે.

ખડસે ગઈ ગુજરી ભૂલીને ફડણવીસ સામે ન પડ્યા હોત તો કદાચ ટકી ગયા હોત પણ ફડણવીસ ગાદી પર બેઠા એ પછી તેમને સળીસંચા કરવાનો કાર્યક્રમ ખડસેએ પૂરજોશમાં શરૂ કરી દીધેલો. ફડણવીસે શરૂઆતમાં શાંતિ રાખી પણ ખડસેએ જંગ ચાલુ રાખ્યો તેથી ફડણવીસે સો સુનાર કી તો એક લુહાર કી કરીને 2016માં જેવી તક મળી કે તરત પૂરી તાકાતથી ફટકો મારીને ખડસેને નવરા કરી દીધા. ફડણવીસને વેરની વસૂલાતની આ તક ખડસેએ જ જમીન કૌભાંડ અને પછી દાઉદ ઈબ્રાહિમ સાથે ફોન પ્રકરણ દ્વારા આપેલી.

ખડસે ફડણવીસ સરકારમાં મહેસૂલ પ્રધાન હતા. 2016માં આક્ષેપ થયેલો કે તેમણે પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને પુણે પાસે ત્રણ એકરની સોનાની લગડી જેવી ઈન્ડસ્ટ્રિયલ ઝોનની જમીન પચાવી પાડેલી. હેમંત ગવંડે નામના બિલ્ડરે આક્ષેપ કરેલો કે, ખડસેએ ખોટા ને ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજો ઊભા કરીને પોતાની પત્ની તથા જમાઈના નામે આ જમીન કરાવી લીધેલી. ખડસે સામે પોતાના આખા ખાનદાનને રાજકીય હોદ્દાઓ પર ગોઠવીને બેઉ હાથે લૂંટના આક્ષેપો તો થતા જ હતા ને તેમાં આ કાંડ થયો. ખડસેના પુત્ર નીતિને 2013માં આપઘાત કરી લીધો પછી ખડસેએ પોતાની પુત્રવધૂ રક્ષાને જલગાંવમાંથી ટિકિટ અપાવીને સાંસદ બનાવેલી. દીકરી રોહિણી ખેવલકરને જિલ્લા સહકારી બેંકની ડિરેક્ટર ને પત્ની મંદાકિનીને મહારાષ્ટ્ર સ્ટેટ મિલ્ક કો-ઓપરેટિવ ફેડરેશનની ડિરેક્ટર બનાવેલી. આ કારણે ભાજપમાં ખડસે સામે પરિવારવાદને પોષીને ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપો તો થતા જ હતા પણ કોઈ મોટેથી બોલી શકતું નહોતું.

ખડસેનું જમીન કૌભાંડ બહાર આવ્યું પછી ભાજપમાં જ અવાજ ઉઠવા માંડ્યા. ભાજપને ભ્રષ્ટાચારનો છોછ નથી તેથી આ મામલે ખડસેને કદાચ કશું ના થયું હોત પણ એ જ ગાળામાં ખડસેને ત્યાંથી પાકિસ્તાન દાઉદ ઈબ્રાહિમને ત્યાં ફોન ગયો હોવાની વાત બહાર આવી તેમાં ખડસેને બૂચ વાગી ગયો. ખડસેએ દાઉદ સાથે વાત કરી હતી એવો દેકારો કરીને કૉંગ્રેસ-એનસીપીએ તેમની સામે રાજદ્રોહનો કેસ કરી દેવાની માગણી શરૂ કરી. આપણે ત્યાં દાઉદ સાથે સંબંધ રાખનારા દેશદ્રોહી જ ગણાય છે તેથી આ મુદ્દે ભાજપે ખડસે સામે પગલાં લેવાં જ પડે એમ હતું. ફડણવીસ તો વેરની વસૂલાત માટે થનગનતા જ હતા તેથી તેમણે મૂરત જોયા વિના હાઈ કમાન્ડ પાસેથી મંજૂરી લઈને ખડસે પાસે રાજીનામું લખાવી દીધું ને તેમનું બોર્ડ પતાવી દીધું. ખડસેની ઈચ્છા રાજીનામું આપવાની નહોતી પણ દાઉદનો મામલો હતો તેથી ભાજપ ચાન્સ લેવા માગતો જ નહોતો તેમાં ખડસેનું કંઈ ન ચાલ્યું.

ખડસેએ એ પછી ફરી બેઠા થવા બહુ ફાંફાં મારી જોયાં પણ ફડણવીસના કારણે ન ફાવ્યા. નરેન્દ્ર મોદીને ફડણવીસ કહે એ જ સવા વીસ લાગે છે તેથી ખડસેની વાત જ સાંભળવા કોઈ તૈયાર નહોતું. ફડણવીસના કહેવાથી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કાપી નંખાઈ ત્યારે ખડસે બરાબરના ખિજાયેલી. ખડસેની છાપ ઓબીસીના તાકતવર નેતા તરીકેની છે તેથી એ નારાજ ના થાય એટલે તેમની દીકરી રોહિણીને ટિકિટ આપીને ભાજપના નેતાઓએ તેમને મનાવી લીધેલા પણ ભાજપના નેતાઓએ સાથે મળીને રોહિણીને હરાવીને ખડસેને મોટો ફટકો મારી દીધેલો.

ખડસે માટે એક આશા વિધાન પરિષદની ટિકિટ મેળવીને ફરી ધારાસભામાં જવાની હતી. એ આશા પણ ન ફળી ને ખડસેને સાવ કોરાણે મૂકીને તેમનું બોર્ડ જ પતાવી દેવાયું પછી ખડસે માટે ભાજપ છોડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો રહ્યો. એનસીપી આવા બધા બળેલાઓને સમાવી લે છે તેથી એનસીપી તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ હતો ને એ વિકલ્પ તેમણે પસંદ કર્યો છે. એનસીપી ખડસેને ફરી ધારાસભ્ય બનાવી શકે છે ને ઉદ્ધવ ઠાકરે સરકારમાં પ્રધાન પણ બનાવી શકે છે. ભાજપમાં ખડસે માટે કશું બચ્યું નહોતું એ જોતાં ખડસે માટે હવે પછી જે મળે એ વકરો એટલો નફો જ છે.

ખડસેની વિદાયથી ભાજપને શું નુકસાન થાય છે એ સમય કહેશે પણ અત્યાર લગીનો ઈતિહાસ એવો છે કે, ભાજપ છોડનારા નેતા પોતે કદાચ ટકી જાય પણ ભાજપને ઝાઝું નુકસાન કરી શકતા નથી. મોટા ભાગના કિસ્સામાં તો તેમણે પોતે જ અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારવાં પડે છે ને ઘણા કિસ્સામાં તો હારીથાકીને ફરી ભાજપના જ પગ પકડવા પડે છે. ભાજપ જનસંઘ હતો ત્યારે પણ એવું જ થતું ને ભાજપ બન્યો પછી એ જ હાલ છે. જનસંઘ વખતે બલરાજ મધોક જેવા ધુરંધર પક્ષ છોડીને ગયેલા ને ક્યાં પતી ગયા એ પણ કોઈને ખબર ના પડી.

ભાજપ બન્યો પછી તો પોતાને તુર્રમખાં સમજતા એકથી એક ચડિયાતા ગણાતા નેતા ભાજપને બતાવી દેવાના ઝનૂનમાં પક્ષ છોડીને ગયા ને તેમાંથી મોટા ભાગના તો સત્તરના ભાવમાં પતી પણ ગયા. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ કરેલા બળવાથી તેની શરૂઆત થઈ ને એ સિલસિલો હજુ ચાલુ જ છે. વચ્ચેનાં વરસોમાં કલ્યાણસિંહ, ઉમા ભારતી, યેદુરપ્પા, કેશુભાઈ પટેલ જેવા કેટલાય દિગ્ગજ ગણાતા નેતા ફૂંગરાઈને ભાજપ છોડીને જતા રહેલા પણ ભાજપનું કશું તોડી ના શક્યા.

રાષ્ટ્રીય સ્તરના કહેવાતા નેતાઓમાં પણ જસવંતસિંહ ને યશવંત સિંહા જેવા નેતા ભાજપ છોડી ગયા પણ ભાજપને જરાય નુકસાન થયું નથી. જે નુકસાન થયું એ આ નેતાઓને થયું ને તેમણે હારીથાકીને કાં પાછા ભાજપના પગ પકડવા પડ્યા કાં રાજકારણને કાયમ માટે રામ રામ કરીને લીલા સંકેલી લેવી પડી. શંકરસિંહ વાઘેલા જેવા અપવાદરૂપ નેતા ભાજપ છોડીને ગયા પછી પાછા ભાજપમાં ના આવ્યા ને છતાં પ્રમાણમાં લાંબું ખેચી શક્યા. ભાજપમાં જોરદાર પ્રભાવ ધરાવતાં ને હિંદુવાદીઓમાં પ્રિય કલ્યાણસિંહ ને ઉમા ભારતી જેવા નેતા પણ તેમાં આવી ગયા ને યેદુરપ્પા જેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને જ્ઞાતિવાદી સમીકરણોનું પીઠબળ ધરાવતા નેતા પણ તેમાં આવી ગયા. ભાજપ સિવાય તેમનો કોઈ આરો જ ના રહ્યો.

કેશુભાઈ પટેલ જેવા થોડાક નેતાઓએ ભાજપમાં પાછા આવવાના બદલે પોતાની લીલા સંકેલીને સંતોષ માન્યો. કેશુબાપાના કિસ્સામાં પણ એ પોતે ભલે ભાજપમાં પાછા ના ફર્યા પણ પોતાની પાર્ટીને ભાજપમાં ભેળવીને પોતાના ભાયાતોને તો તેમણે ભાજપમાં ગોઠવી જ દીધા. પોતાના દીકરાને પણ ભાજપમાં મોકલીને ચૂંટણી લડાવીને છેવટે તો તેમણે ભાજપના જ પગ પકડ્યા એ જોતાં તેમનો કિસ્સો પણ અલગ નથી.

ખડસેનું શું થશે એ રામ જાણે. વાઘેલા કૉંગ્રેસમાં જઈને ટકી ગયા એ રીતે ખડસે પણ શરદ પવારની એનસીપીમાં જોડાઈને રાજકીય અસ્તિત્વ ટકાવી દે એવું બને. ખડસે લાંબા સમયથી રાજકારણમાં છે ને જેમને ખાઈ બદેલા કહેવાય એવા નેતા છે. રાજકારણના દાવપેચના જાણકાર છે એ જોતાં તેમના માટે ટકવું અઘરું નથી પણ એ ભાજપને બહુ મોટું નુકસાન કરી દેશે કે ભાજપ તેમના વિના નોંધારો થઈ જશે એવું બનવાનું નથી.