મહિલા એશિયા કપમાં પાકિસ્તાનની માતા-પુત્રની અનોખી જોડી આકર્ષકનું કેન્દ્ર બની છે. પાકિસ્તાનની મહિલા અમ્પાયર સલીમા ઈમ્તિયાઝે શનિવારે ૧લી ઓક્ટોબરે ભારત અને શ્રીલંકા સામે સિલહટમાં રમાયેલી ક્રિકેટ મેચમાં અમ્પાયિંરગમાં પદાર્પણ કર્યું હતું. સલીમા પાકિસ્તાનની મહિલા ઓલરાઉન્ડર કાયનાત ઈમ્તિયાઝની માતા છે. કાયનાત પણ હાલમાં સિલહટમાં ટી૨૦ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. રવિવારે મલેશિયા સામેની પાકિસ્તાનની પ્રારંભિક મેચમાં કાયનાત પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવામાં અસફળ રહી હતી. જો કે માતાએ અમ્પાયિંરગમાં પદાર્પણ કર્યું તેનાથી કાયનાત ઘણી ખુશ છે. તેણે જણાવ્યું કે મને મારી માતા પર ગર્વ છે. આ ઉપરાંત તેણે માતાનું સમર્થન કરવા અને હંમેશા તેનો સાથ આપવા બદલ તેના પિતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કાયનાતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગે એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું કે મારી માતાએ મહિલા એશિયા કપ ૨૦૨૨માં અમ્પાયર તરીકે ડેબ્યૂ કર્યું છે. તેમણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનાથી વધુ ગર્વ મારા સિવાય અન્ય કોઈને ના થઈ શકે. મારા માટે તે પ્રેરણારુાોત છે. પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનું તેમનું સપનું હતું. કાયનાતે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દાયકા અગાઉ પદાર્પણ કર્યું હતું. ૩૦ વર્ષીય પાક. ઓલરાઉન્ડરે તાજેતરમાં જ બર્મિંગહામ ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો.