મહુવાના શ્રી ભાવેશ પંડયાને ઇન્ટરનેશનલ એક્સેલેન્સી એવોર્ડ

સુરત,કોસાડ, રિલાયન્સ નગર સુરતમાં આવેલી રઘુકુળ વિદ્યાલયને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા તરીકે, જીવનદીપ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી ધીરુભાઈ વેકરીયાને શ્રેષ્ઠ સમાજસેવી અને શિક્ષણ દાતા તરીકે અને રઘુકુળ વિદ્યાલયના પ્રિન્સિપાલશ્રી અને અવધ ટાઇમ્સના કટારલેખક ભાવેશભાઈ પંડ્યાને શ્રેષ્ઠ શિક્ષણ આયોજન, નવીનતા અને સામાજિક ઉમદા કાર્યો બદલ શનિવારે મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં ઇન્ટરનેશનલ એક્સેલેન્સી એવોર્ડ 2020 એનાયત થવા બદલ રવિવારે સવારે 08:00 કલાકે રઘુકુળ વિદ્યાલયના સ્ટાફ, વિદ્યાર્થીઓ, અમરોલી, કોસાડ અને સાયણના વાલીઓ, વેપારીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા આ એવોર્ડ્સની ભવ્ય સન્માન યાત્રા કોસાડ ગાર્ડનથી રઘુકુળ વિદ્યાલય સુધી વિશાળ જનમેદની સાથે યોજાયેલ હતી. આ યાત્રા દરમિયાન ઊંટ ગાડીઓ, મોટર સાયકલ, ફોર વ્હિલરોના વિશાળ કાફલા સાથે હજારો લોકો રાસ-ગરબાની રમઝટ સાથે આ યાત્રામાં જોડાયા હતા.
તેમજ ઉત્સાહિત જનમેદનીએ ખુલ્લી જીપમાં બિરાજીત એવોર્ડ વિજેતાઓને 1500 કરતાં પણ વધારે ફૂલહાર પહેરાવીને યાત્રા દરમિયાન સન્માનિત કર્યા હતા. અને સમગ્ર રેલી દરમિયાન ફૂલોનો વરસાદ સતત ચાલુ રહેવા પામ્યો હતો. જ્યારે રીલાયન્સ નગર, શ્રીરામ નગર સોસાયટીની બહેનો અને દીકરીઓ તેમજ મનમંદિર વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ રઘુકુળ વિદ્યાલયથી વાજતે ગાજતે શ્રીરામ ચોકડી સુધી 71 સામૈયા લઈને એવોર્ડને વધાવવા માટે ખૂબ જ સજી-ધજીને વાજતે ગાજતે ઉત્સાહભેર આવી પહોંચ્યા હતા. આ ભવ્ય યાત્રા અમરોલી વિસ્તારની વિસ્તારના ઇતિહાસમાં આ સુધીની સૌથી વધારે ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંકળાયેલી યાત્રા પણ બની રહેવા પામી હતી.
યાત્રા બાદ એવોર્ડ વિજેતાઓનું રઘુકુળ વિદ્યાલયના મંચ પરથી વાલીઓ દ્વારા શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમાં પણ 700 કરતાં પણ વધારે લોકોએ શાલ અર્પણ કરીને આ પ્રસંગને ઐતિહાસિક બનાવી દીધો હતો. આ તકે રઘુકુળ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાવો, પાણી બચાવો, પર્યાવરણ બચાવો, ટ્રાફિક નિયમન વગેરે જેવા સ્લોગનો પોસ્ટર સાથે પ્રદર્શિત કરીને લોકોને સારો સંદેશ પણ આપવાનો પ્રયત્ન કર્યો હતો.સ્વાગત વિધિ સંપન્ન થયા બાદ જીવનદીપ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી ધીરુભાઈ વેકરીયા અને રઘુકુળ વિદ્યાલયના આચાર્ય શ્રી ભાવેશભાઈ પંડ્યાએ ઉપસ્થિત સમગ્ર વાલીગણ, વેપારીગણ, અધિકારી, પદાધિકારી સહિત સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુકુળ વિદ્યાલય અને મનમંદિર વિદ્યાલયનો સમગ્ર સ્ટાફ ગણ, વિદ્યાર્થીઓ, રીલાયન્સ નગર સોસાયટીની બહેનો અને ભાઈઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ધીરુભાઈ વેકરીયા અને ભાવેશભાઈ પંડ્યા બંને સૌરાષ્ટ્રના વતની છે. ધીરુભાઈ વેકરીયા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના લીલાપુર ગામના, જ્યારે ભાવેશભાઈ પંડ્યા ભાવનગર જિલ્લાના મહુવા તાતણીયાના વતની છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પંથ માટે પણ બબ્બે ઇન્ટરનેશનલ એવોર્ડ આવવાની સાથે આ ગૌરવ રૂપ ઐતિહાસિક ઘટના બની જવા પામી છે.