અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પની હમણાં બરાબરની પનોતી બેઠેલી છે. એક તરફ ટ્રમ્પની બે કંપનીઓને કરચોરીના કેસમાં જ્યુરીએ દોષિત ઠેરવી છે ત્યાં બીજી તરફ સોમવારે અમેરિકાની સંસદ એટલે કે કૉંગ્રેસે ટ્રમ્પ સામે ક્રિમિનલ ચાર્જીસ ઘડવાની ભલામણ કરતાં ટ્રમ્પની વાટ લાગી ગઈ છે. અમેરિકાના પ્રમુખપદે જો બાઈડન ચૂંટાયા પછી તેમની નિમણૂક પર મંજૂરીની મહોર મારવા માટે અમેરિકાની સંસદ એટલે કે કૉંગ્રેસની ૬ જાન્યુઆરીએ બેઠક મળવાની હતી. એ વખતે સસંદમાં ઘૂસીને ટ્રમ્પના સમર્થકોએ કરેલી તોડફોડના કેસમાં ટ્રમ્પ સામે ક્રિમિનલ ચાર્જીસ એટલે કે ફોજદારી આરોપો ઘડવાની સંસદની પેટાસમિતીએ ભલામણ કરી છે. અમેરિકન કૉંગ્રેસમાં થયેલી તોડફોડ અને હિંસાની તપાસ કરવા બનાવાયેલી પેટાસમિતીએ દોઢ વર્ષની તપાસ પછી ટ્રમ્પ સામે ચાર અપરાધ બદલ ક્રિમિનલ ચાર્જીસ લગાવવા ભલામણ કરી છે.
આ પૈકી પહેલો આરોપ દેશની સરકાર સામે બળવો કરવાનો છે. બીજો આરોપ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો અને ત્રીજો આરોપ અમેરિકાની સરકાર સાથે છેતરપિંડી કરવા માટે ષડયંત્ર ઘડવાનો છે. ચોથો આરોપ જૂઠાં અને ખોટાં નિવેદનો આપવાનો છે. આ તમામ આરોપ અત્યંત ગંભીર હોવાથી ટ્રમ્પની હાલત બગડી જવાની છે. ટ્રમ્પે આ આક્ષેપોને મનઘડંત ગણાવ્યા છે પણ તેનાથી ફરક પડતો નથી. એજન્સીઓની તપાસ અને ટ્રમ્પના નજીકના સાથીઓની જુબાની પછી આ નિર્ણય લેવાયો છે. યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ અમિત મહેતાએ કેપિટોલ એટલે કે સંસદ ભવનની હિંસા મામલે ટ્રમ્પને પોતાના સમર્થકોને ભડકાઉ ભાષણ આપવા માટે દોષિત ઠેરવ્યા હતા તેથી ન્યાયતંત્ર પણ એવું જ માને છે. ૧૧૨ પાનાના ચુકાદામાં જજ મહેતાએ કહ્યું હતું કે, ટ્રમ્પે જાણી જોઈને તેમના સમર્થકોને હિંસા માટે ઉશ્કેર્યા હતા.
ટ્રમ્પની સાથે કામ કરનારા લોકોની જુબાની પણ ટ્રમ્પની વિરુદ્ધ છે. ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝના સહાયક અધિકારી તરીકે કૈસિડી હચિન્સન હતા. હચિન્સને તપાસ દરમિયાન કૉંગ્રેસની પેનલને જણાવ્યું કે, વ્હાઇટ હાઉસની નજીક એક રેલીને સંબોધિત કર્યા પછી ટ્રમ્પ તેમની કારમાં બેસી ગયા હતા અને ટ્રમ્પ પોતાના સમર્થકો સાથે કેપિટોલ જવા માંગતા હતા. સુરક્ષા અધિકારીઓએ કેપિટોલમાં વિરોધ કરી રહેલા તેમના સમર્થકો પાસે લઈ જવાની ના પાડતા ટ્રમ્પે કાર લઈને જવાનો પ્રયત્ન કર્યો હતો.
આ તો એક જ સાથીની જુબાનીની વાત કરી પણ ટ્રમ્પ વિરુદ્ધ બીજા પણ ઘણાંએ જુબાની આપી છે. તેના કારણે ટ્રમ્પ સામે આરોપો ઘડાય તો તેમાં દોષિત પણ ઠરી શકે. ટ્રમ્પે જેલમાં જવું પડે તો ઈતિહાસ રચાશે કેમ કે અમેરિકાના કોઈ પ્રમુખ પોતાની જ સંસદમાં તોફાન કરાવવા બદલ પહેલી વાર જેલમાં જશે. સત્તા નહીં છોડવા હવાતિયાં મારનારા ટ્રમ્પની આબરુ સાવ ધોવાઈ ગઇ છે.
ટ્રમ્પ માટે આ બહુ મોટો ફટકો છે ને જે પરિસ્થિતિ છે એ જોતાં ટ્રમ્પની રાજકીય કારકિર્દી પર આ નિર્ણયને કારણે પૂર્ણવિરામ મૂકાઈ જાય એવો પૂરો ખતરો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ધીરે ધીરે પોતાની જ રિપબ્લિકન પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે ને રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પ યુગનો હવે અંત આવી રહ્યો હોય એવાં એંધાણ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪માં પ્રમુખપદની ચૂંટણી લડવા મેદાનમાં તો કૂદી પડ્યા પણ તાજેતરમાં યોજાયેલી અમેરિકાની કૉંગ્રેસ એટલે કે સંસદ તથા રાજ્યોના ગવર્નરની મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના નિરાશાજનક પ્રદર્શનને કારણે તેમની હાલત ખરાબ છે. સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પની બેફામ નિવેદનબાજી અને જાતજાતના કોર્ટ કેસમાં ફસાયેલા હોવાને લીધે પણ તેમની હાલત બગડી રહી છે.
ટ્રમ્પે ૨૦૨૪ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગત મહિને જ પોતાની દાવેદારીની જાહેરાત કરી હતી પણ રીપબ્લિકન પાર્ટીની હાર સહિતનાં કારણે ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ પોતાની જ પાર્ટીમાં તળીયે પહોંચી ગયો છે.
અમેરિકામાં પ્રમુખપદના ઉમેદવાર બનવા માટે પહેલાં પોતાની જ પાર્ટીની આંતરિક ચૂંટણીમાં જીતવું પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ ચૂંટણી જીતી જશે એવું પહેલાં મનાતું હતું પણ રિપબ્લિકન પાર્ટીના આંતરિક સરવેમાં આવેલાં ચોંકાવનારાં પરિણામો જોતાં ડોનાલ્ડ ટ્રમ્પ રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ થશે કે કેમ તેમાં પણ શંકા છે.સફોફ યુનિવર્સિટી અને યુએસએ ટુડેએ કરેલા સરવેમાં રિપબ્લિકન પાર્ટીના ૬૫ ટકા વોટરો ટ્રમ્પની વિરુદ્ધ છે. પાર્ટીના મતદારોએ ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણીમાં ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસને પહેલી પસંદ ગણાવ્યા છે. સીએનએનના સરવેમાં પણ આ જ તારણ નિકળ્યું છે કે, રિપબ્લિકન પાર્ટીના ૬૨ ટકા મતદારો ૨૦૨૪ની પ્રમુખપદની ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની જગ્યાએ કોઈ બીજા ચહેરાને ઈચ્છે છે.
છેલ્લાં ઘણાં વરસોથી ટ્રમ્પ રીપબ્લિકન પાર્ટીમાં સર્વોચ્ચ અને સૌથી લોકપ્રિય નેતા મનાતા હતા પણ આ સર્વે સૂચવે છે કે ટ્રમ્પનાં વળતાં પાણી શરૂ થઈ ગયાં છે. ડોનાલ્ડ ટ્રમ્પની પોતાની જ પાર્ટીમાં લોકપ્રિયતા ઘટવા માંડી છે. ટ્રમ પહેલી વાર પછડાઈ રહ્યા છે ને છેલ્લાં ૫ વર્ષથી રીપબ્લિકન પાર્ટીમાં એકચક્રી શાસન ભોગવતા ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ગગડી રહ્યો છે. બંને સરવોમાં રિપબ્લિકન પાર્ટીના મોટાભાગના મતદારો ટ્રમ્પની નીતિઓને ટેકો આપે છે પણ ટ્રમ્પને ટેકો નથી આપતા. ૨૦૨૪માં ડોનાલ્ડ ટ્રમ્પ રીપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ના હોવા જોઈએ એવો તેમને સ્પષ્ટ મત છે.
બીજી તરફ ફ્લોરિડાના ગવર્નર ડિસેન્ટિસની લોકપ્રિયતા સતત વધી રહી છે. રોન ડિસેન્ટિસ તેમની રૂઢિચુસ્ત નીતિઓને કારણે રિપબ્લિકન મતદારોને આકર્ષી રહ્યા છે અને ધીરે ધીરે પકડ મજબૂત કરી રહ્યા છે. રિપબ્લિકન મતદારોને ટ્રમ્પ હવે ઘરડા પણ લાગે છે. મતદારોએ સર્વેમાં કહ્યું જ છે કે, રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર યુવા અને એનર્જેટિક હોવા જોઈએ. ટ્રમ્પ ઘરડા થઈ રહ્યા છે ને વિવાદમાં ફસાઈ રહ્યા છે તેનો લાભ ડિસન્ટિસને મળી રહ્યો છે. મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પને માંડ ૩૦ ટકા મતદારો પસંદ કરતા હતા. હવે આ આંકડો ૬૦ ટકાને પાર થઈ ગયો છે એ જોતાં ટ્રમ્પ માટે રીપબ્લિકન પાર્ટીમાં જ કપરાં ચઢાણ છે ને તેમાં આ કેસ આવી જતાં ટ્રમ્પને બરાબરનો બૂચ વાગી ગયો છે.