માનવતા: સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે ૪.૨૦ લાખ શોધી પરત કર્યા

 

અમદાવાદ,

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હજુ માનવતા મરી પરવારી ન હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે એક વૃદ્ધના ૪.૨૦ લાખ રોકડ શોધીને તેમના દીકરાને પરત કર્યા હતા. આમ સિવિલમાં જુજ ગદ્દારોને બાદ કરતા કર્મશીલ અને ખુદ્દાર કર્મચારીઓ આજે પણ હયાત છે. જણાવી દઇએ કે, અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ અને મૃતકના દાગીના ચોરાયાની ઘટનાઓ ભલે બની હોય પરંતુ સિક્યુરિટી ગાર્ડે માનવતા અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ સિવિલમાં બે દિવસ પહેલા એક વૃદ્ધને કોરોના થતાં સારવાર માટે દાખલ થયા હતા. વૃદ્ધને દીકરા સહિતનો પરિવાર બહાર હોવાથી તેમના ઘરમાં પડેલા ૪.૨૦ લાખ રૂપિયા થેલીમાં પોતાની સાથે જ લઈ આવ્યા હતા. વૃદ્ધને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓ પૈસા ભરેલી થેલી ભૂલી ગયા હતા. બાદમાં તેમને થેલી ભૂલી ગયા હોવાની જાણ થતાં સિવિલના વિવિધ સિક્યુરિટી ગાર્ડને જાણ કરવામાં આવી હતી. આ મામલે તમામ ગાર્ડે શોધખોળ શરૂ કરી હતી, અને થોડા કલાકો બાદ એક સિક્યુરિટી ગાર્ડને પૈસા ભરેલી થેલી મળી આવી હતી.

સિવિલના સુપરિટેન્ડેન્ટ ડૉ. જે.પી. મોદૃીના જણાવ્યું હતું, કે, આ અંહે અમને જાણ થતાં જે તે અધિકારીને થેલી શોધવાની સૂચના આપવામાં આવી હતી અને થોડીવારમાં જ પૈસા મળી ગયા હતા. આમ, સિક્યુરિટી ગાર્ડે સિવિલ હોસ્પિટલમાં આવેલા વૃદ્ધના દીકરાને ૪.૨૦ લાખ રૂપિયા પરત કરીને માનવતાની મહેક પ્રસરાવી હતી.