મારા મતે આ સદી અત્યાર સુધીની પંતની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ: રોહિત શર્મા

  • પંત ક્ષમતાનો ઉપયોગ કરે તો મહાન ખેલાડી બની શકે છે: ગાંગુલી

રિષભ પંતે સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું તે અંગે રોહિત શર્માએ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પંતે આ ઇનિંગ્સ દ્વારા દર્શાવ્યું છે કે તે જરુર પડે ત્યારે ડિફેન્સ પણ કરી શકે છે અને સેટ થયા પછી આક્રમક અભિગમ પણ દાખવી શકે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પંત પોતે જે રીતે આઉટ થયો છે તેની વારંવાર ટીકા થઈ ચૂકી છે. તેણે ચોથી ટેસ્ટમાં ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું છે. રોહિત શર્માએ જણાવ્યું હતું કે પંતની બેટિંગની આગવી શૈલી છે. તે રમતને પોતાને આગવી રીતે જુએ છે. તેનામાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ધોની કરતાં પણ આગળ જવાની ક્ષમતા પડેલી છે.

પંત જબરજસ્ત હિંમત અને પ્રતિભાવાળો ખેલાડી છે અને તે ટીમ મેનેજમેન્ટની ક્ષમતા પર અને અપેક્ષા પર ખરો ઉતરે છે ત્યાં સુધી તેની રમવાની શૈલી સામે કોઈને પણ વાંધો નથી. છેવટે તે ભારતીય ક્રિકેટ ટીમ માટે જ સારું પર્ફોર્મ કરે છે.

તેણે વિનંતી કરી હતી કે પંતન પ્રસંગોપાત નિષ્ફળતાને પેકેજમાં રજૂ કરવામાં ન આવે. પંત જેવા ખેલાડીના કૌશલ્યને કેપ્ટન અને કોચના સમર્થનની જરૃર પડે છે. આ પ્રકારનું સમર્થન હોય ત્યારે જ તે સંપૂર્ણ વિશ્ર્વસનીયતાથી રમી શકે છે. તેને કયા પ્રકારનો અભિગમ કયા પ્રકારની પરિસ્થિતિમાં અપનાવવો જોઈએ તે જણાવવામાં આવે છે, પણ આ બાબતને તે મેચની સ્થિતિ મુજબ લાગુ કરે છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે જો પંત તેની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરે તો ફક્ત ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ જ નહી પણ ભારતનો મહાન ખેલાડી બની શકે છે. તે ભારતને આવા કેટલાય વિજય અપાવી શકે છે. તેણે પહેલી ટેસ્ટનું ઉદાહરણ આપતા કહૃાું હતું કે પંત જો ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટમાં પણ ધીરજસભર રમ્યો હોત અને ૯૧ રને આઉટ થવાના બદલે થોડી ધીરજ રાખી હોત તો પહેલી ટેસ્ટ ભારત હાર્યુ ન હોત.