માર્ગારેટ આલ્વાનો અનુભવ અને ડહાપણ  પારાવાર છે પણ જીતવાના કોઈ ચાન્સ નથી

 દેશના ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપે એનડીએના ઉમેદવાર તરીકે જગદીપ ધનખડની પસંદગી કરી તેની સામે કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ માર્ગારેટ આલ્વાને મેદાનમાં ઉતારતાં આલ્વા વર્સીસ ધનખડના જંગનો તખ્તો તૈયાર છે. એનસીપીના પ્રમુખ શરદ પવારે દિલ્હીમાં રવિવારે વિપક્ષના નેતાઓની બોલાવેલી બેઠકમાં આલ્વાના નામ પર સર્વસંમતિ સધાતાં તેમનાં નામની જાહેરાત કરી દેવાઈ. આ જંગ એકતરફી છે ને તેમાં ધનખડની જીત પાકી છે કેમ કે ભાજપ તથા તેના સાથી પક્ષો પાસે પૂરતા પ્રમાણમાં સાંસદો છે. ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરતા હોય છે. અત્યારે લોકસભા અને રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા ૭૮૦ છે તેથી જીતવા માટે ૩૯૧ મત જોઈએ. ભાજપ પાસે લોકસભામાં ૩૦૩ અને રાજ્યસભામાં ૯૧ મળીને ૩૯૪ સભ્યો છે તેથી ભાજપ સાથી પક્ષોની મદદ વિના પણ ધનખડને જીતાડવાની સ્થિતિમાં છે એ જોતાં આ મુકાબલો એકતરફી છે.
પણ લોકશાહીમાં હાર-જીત કરતાં વધારે મહત્ત્વનું લડવું હોવાથી વિપક્ષોએ આલ્વાને મેદાનમાં ઉતાર્યાં છે.
લડાઈનું મેદાન હોય કે ચૂંટણીનું મેદાન હોય, જો જીતા વો હી સિકંદર હોય છે, તેથી માર્ગારેટ આલ્વા અને જગદીપ ધનખડમાંથી જે જીતશે એ સિકંદર ગણાય. અત્યારે ધનખડની જીત પાકી લાગે છે તેથી ધનખડ સિકંદર સાબિત થાય એવી શક્યતા વધારે છે પણ માર્ગારેટ આલ્વા પણ ઉપરાષ્ટ્રપતિપદ માટે લાયક ઉમેદવાર છે તેમાં શંકા નથી. બલ્કે સંસદીય પરંપરા અને રાજકારણના અનુભવની વાત કરીએ તો જગદીપ ધનખડની સરખામણીમાં માર્ગારેટ આલ્વાનું પલ્લું નમી જાય છે.
માર્ગારેટ આલ્વા ૮૦ વર્ષનાં છે ને મૂળ તો કર્ણાટકના મેંગલુરના રહેવાસી છે પણ આલ્વા કર્ણાટકના રાજકારણમાં ઓછાં ને રાષ્ટ્રીય રાજકારણમાં વધારે રહ્યાં છે. માર્ગારેટ આલ્વા રાજકારણમાં પોતાનાં સાસરીયાંના કારણે આવ્યાં.
માર્ગારેટ કોલેજમાં હતાં ત્યારે નિરંજન આલ્વાના પ્રેમમાં પડેલાં. નિરંજન આલ્વાના પિતા જોઆચિમ આલ્વા સાંસદ હતા જ્યારે માતા વાયોલેટ આલ્વા પણ રાજકારણી હતી. વાયોલેટ પછી રાજ્યસભામાં ગયેલાં ને રાજ્યસભામાં ડેપ્યુટી ચેરપર્સન બનેલાં. ૧૯૬૪માં નિરંજન અને માર્ગારેટ પરણ્યાં પછી નિરંજને બિઝનેસ શરૂ કર્યો.
નિરંજનને રાજકારણમાં રસ નહોતો તેથી જોઆચિમ અને વાયોલેટે માર્ગારેટને રાજકારણમાં આવવા પ્રોત્સાહન આપ્યું. માર્ગારેટ ૧૯૬૯માં રાજકારણમાં આવ્યાં ને મહિલા મોરચામાં કરેલી કામગીરીના કારણે ઈન્દિરા ગાંધીની નજરમાં વસી ગયાં તેથી ૧૯૭૪માં પહેલી વાર રાજ્યસભામાં ચૂંટાયાં. એ પછી બીજી ત્રણ વાર માર્ગારેટ રાજ્યસભામં ચૂંટાયાં ને કુલ ચાર ટર્મ માટે સાંસદ રહ્યાં. ૧૯૯૮ સુધી એટલે કે સળંગ ૨૪ વર્ષ સુધી રાજ્યસભાનાં સભ્ય રહેલાં માર્ગારેટ આલ્વા ૧૯૯૯માં ઉત્તક કન્નડ લોકસભા બેઠક પરથી જીતીને લોકસભાનાં સભ્ય પણ બનેલાં.

આ રીતે લગભગ ત્રણ દાયકા સુધી સંસદના બંને ગૃહમાં સભ્ય રહેલાં માર્ગરેટ આલ્વા રાજ્યસભામાં ડેપ્યુટી ચેરપર્સન પણ રહ્યાં છે. માર્ગારેટ આલ્વા રાજીવ ગાંધી અને પી.વી. નરસિંહ રાવની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યાં છે. રાજીવ ગાંધી કેબિનેટમાં આલ્વા સંસદીય બાબતો અને યુવા બાબતોના મંત્રીપદે રહ્યાં જ્યારે નરસિંહ રાવની સરકારમાં પબ્લિક અને પેન્શન વિભાગના મંત્રી હતાં.

માર્ગારેટ આલ્વાએ રાજ્યપાલ તરીકે પણ લાંબી ઈનિંગ્સ ખેલી છે. માર્ગારેટ આલ્વા ગુજરાત, રાજસ્થાન, ગોવા અને ઉત્તરાખંડના રાજ્યપાલ રહી ચૂક્યાં છે. ૨૦૦૯માં રાષટ્રપતિ પ્રતિભા પાટિલે માર્ગરેટ આલ્વાને ઉત્તરાખંડના રાજ્યપાલ નિમ્યાં ત્યારે આલ્વા ઉત્તરાખંડના રાજ્યપાલ બનનારાં પહેલા મહિલા હતાં. માર્ગારેટ ઉત્તરાખંડમાં ૨૦૦૯થી ૨૦૧૨ સુધી રાજ્યપાલ રહ્યાં પછી રાજસ્થાનનાં રાજ્યપાલ નિમાયાં હતાં. માર્ગારેટ રાજસ્થાનમાં ૨૦૧૨થી ૨૦૧૪ સુધી રાજ્યપાલ હતાં. રાજસ્થાનમાં રાજ્યપાલ હતા ત્યારે તેમણે ટૂંકા ગાળા માટે ગુજરાત અને ગોવાના રાજ્યપાલ તરીકે પણ કામ કર્યું હતું.

ટૂંકમાં માર્ગારેટ આલ્વાની રાજકીય કારકિર્દી બહુ લાંબી છે અને તેમણે લગભગ સાડા પાંચ દાયકાની રાજકીય કારકિર્દીમાં મોટા ભાગનો સમય સત્તા ભોગવી છે. આ બધું તેમને નહેરૂ-ગાંધી ખાનદાનની મહેરબાનીથી મળ્યું છે તેમાં શંકા નથી પણ તેમનો સંસદીય બાબતો અને રાજકારણનો બહોળો અનુભવ છે તેમાં પણ શંકા નથી.
માર્ગારેટ આલ્વા નહેરૂ-ગાંધી ખાનદાનનાં વફાદાર છે પણ તેમણે આ ખાનદાન સામે બાંયો ચડાવવાની હિંમત પણ બતાવી છે. માર્ગારેટ આલ્વા ધનખડ કરતાં એ રીતે પણ ચડિયાતાં છે. રાજકીય આકાઓને રાજી રાખીને દેશના બંધારણ સાથે બેવફાઈ કરનારાં લોકો કરતાં માર્ગારેટ એ રીતે પણ આગળ છે.

શાહબાનો કેસનો ચુકાદો બદલીને રાજીવ ગાંધીએ મુસ્લિમ મુલ્લા-મૌલવીઓને રાજી કરી નાખ્યા ત્યારે માર્ગારેટે આ સામે વલણ લીધેલું. રાજીવ ગાંધી શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વટહુમક લાવવાનો નિર્ણય કર્યો ત્યારે માર્ગારેટ આલ્વાએ રાજીવને મૌલવીઓ સામે નહીં ઝૂકવાની સલાહ આપી હતી. રાજીવ આ સાંભળીને અકળાઈ ગયા હતા. તેમણ માર્ગારેટને રાજીનામું આપવા કહી દીધેલું ને માર્ગારેટની સલાહ માનવાનો ઈનકાર કરી દીધો હતો. ૨૦૧૬માં માર્ગારેટ આલ્વાએ પોતાની બાયોગ્રાફી ‘કરેજ એન્ડ કમિટમેન્ટ’માં આ દાવો કર્યો હતો.

માર્ગારેટ ૨૦૦૮માં મહારાષ્ટ્ર, મિઝોરમ અને પંજાબ-હરિયાણાનાં પ્રભારી હતાં ત્યારે તેમણે વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ નાણાંના બદલામાં ટિકિટ વેચતું હોવાનો આરોપ મૂક્યો હતો. સોનિયા ગાંધી એ વખતે કૉંગ્રેસ પ્રમુખ હતાં તેથી આલ્વાએ સીધો સોનિયા સામે જ આક્ષેપ કરેલો તેથી કૉંગ્રેસે મહામંત્રીપદેથી હટાવી દીધાં હતાં. આ ગુસ્તાખીના કારણે આલ્વા ત્રણેક વરસ લગી રાજકીય અરણ્યવાસમાં રહેલાં પણ નહેરૂ-ગાંધી પરિવાર સાથેના નજીકના સંબંધ હોવાને કારણે છેવટે ૨૦૦૯માં તેમનું પુનરાગમન થયું અને ઉત્તરાખંડમાં રાજ્યપાલ બનાવી દેવાયાં.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હારના પગલે માર્ગારેટ આલ્વાએ ફરી સોનિયા ગાંધી અને તેમની નજીકનાં લોકો સામે મોરચો માંડ્યો હતો. માર્ગારેટ આલ્વાએ સોનિયાના સલાહકારોએ કૉંગ્રેસને ડૂબાડી હોવાના આક્ષેપ કર્યા હતા. સોનિયાએ આ આક્ષેપોને ના ગણકારતાં ૨૦૧૬માં આલ્વાએ સોનિયા ગાંધીને એક પત્ર લખીને કહ્યું હતું કે, મને તમારા પ્રત્યે કોઈ નારાજગી નથી પણ તમારી આજુબાજુના લોકો તમારા સુધી વાત પહોંચવા નથી દેતા. માર્ગારેટના આ પત્રે ભારે ખળભળાટ મચાવી દીધો હતો. જો કે એ પછી પણ કૉંગ્રેસમાં કોઈ ફરક ના પડતાં માર્ગારેટ આલ્વા બાજુ પર ધકેલાઈ ગયેલાં. હવે પવારના કારણ એ પસંદ થતાં ચર્ચામાં છે પણ ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી પછી પાછાં ભૂલાઈ જશે.