મિતાલીએ મહિલા ક્રિકેટમાંથી એકાએક  નિવૃત્તિ લેતા એક યુગનો અસ્ત થઈ ગયો

ભારતમાં સળંગ બે દાયકા સુધી દેશ માટે ક્રિકેટ રમનારો કોઈ ક્રિકેટર નિવૃત્ત થાય તો એ સમાચાર હેડલાઈન બને પણ મિતાલી રાજની નિવૃત્તિની બહુ નોંધ ન લેવાઈ. ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર મિતાલી રાજે બુધવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું એલાન કર્યું. મિતાલીએ સોશિયલ મીડિયામાં ઈમોશનલ પોસ્ટ મૂકીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી તેની નોંધ લેવાઈ, પણ મિતાલી રાજના યોગદાન વિશે જોઈએ એવી ચર્ચા ન થઈ. આ દેશમાં મહિલાઓ પુરૂષ સમોવડી થઈ ગઈ છે એવું કહેવાય છે, પણ મિતાલીની નિવૃત્તિને મળેલા ટીવી કવરેજે સાબિત કર્યું કે, આ મોટો ભ્રમ છે. મિતાલીની નિવૃત્તિ સાથે ક્રિકેટનો એક યુગ પૂરો થયો છે પણ એ વાત જ કોઈને યાદ ના આવી.

ખેર, મીડિયાએ ભલે નોંધ ન લીધી, પણ આપણે મિતાલીની નિવૃત્તિની નોંધ પણ લેવી જોઈએ ને તેણે ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાનને પણ યાદ કરવું જોઈએ કેમ કે મિતાલી ભારતીય ક્રિકેટમાં ટ્રેન્ડ સેટર છે. ભારતમાં છોકરીઓ ક્રિકેટને કારકિર્દી બનાવે એ વાત પર સૌ હસતાં એ જમાનામાં મિતાલીએ ક્રિકેટને અપનાવ્યું હતું. મહિલા ક્રિકેટમાં એટલાં નાણાં નથી છતાં સળંગ ૨૩ વર્ષ સુધી દેશ માટે રમીને મિતાલીએ સાબિત કર્યું કે, તમારામાં પેશન હોય તો નાણાં મહત્ત્વનાં નથી. પ્રતિકૂળતાઓ સામે પણ તમે ટકી શકો.  મિતાલીએ ૩૯ વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમ્યા કરીને એ પણ સાબિત કર્યું કે, વધતી ઉંમર તમારા ઝનૂન આડે અવરોધ બનતી નથી.
મિતાલીએ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. મહિલા ક્રિકેટમાં ટેસ્ટ મેચ બહુ નથી રમાતી, પણ વન ડે મેચો સારા પ્રમાણમાં રમાય છે. ૨૩ વર્ષની કરિયર દરમિયાન મિતાલી માત્ર ૧૨ ટેસ્ટ મેચ રમી છે ને તેમાં ૪૩.૬૮ રનની સરેરાશથી તેણે ૬૯૯ રન બનાવ્યા છે જેમાં હાઈએસ્ટ સ્કોર ૨૧૪ રન છે.  ઈન્ટરનેશનલ ટી-૨૦માં  મિતાલીએ ૮૯ મેચમાં ૨,૩૬૪ રન બનાવ્યા છે. ટી-૨૦ ઈન્ટરનેશનલમાં મિતાલીએ ૧૭ ફિફ્ટી ફટકારી છે.  મતલબ કે, દર પાંચ મેચે એક ફિફ્ટી છે ને આ રેકોર્ડ ખરેખર સારો કહેવાય.

વન ડે મેચોમાં કેપ્ટન તરીકે સૌથી વધારે જીત નોંધાવવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે છે. તેણે ૧૫૫ વનડે મેચમાં કેપ્ટનશિપ કરી. આ પૈકી ભારતને  ૮૯માં જીત અને ૬૩માં હાર મળી. મિતાલી રાજ વિશ્ર્વની એકમાત્ર એવી કેપ્ટન છે જેણે ૧૫૦થી વધારે વન ડે મેચમાં કેપ્ટન્સી કરી છે. મિતાલી રાજ વન ડે મેચોમાં વિશ્ર્વમાં સૌથી વધુ રન કરનારી મહિલા ખેલાડી છે. મિતાલીએ ૨૩૨ મેચોમાં  ૫૦.૬૮ની એવરેજથી ૭૮૦૫ રન કર્યા છે. વન ડે મેચોમાં મિતાલીના નામે સાત સદી બોલે છે. વિશ્ર્વમાં સાત હજાર રન પાર કરનારી મિતાલી પહેલી ક્રિકેટર છે. મિતાલી જેવી એવરેજ મોટા ભાગના કહેવાતા મહાન ક્રિકેટરોની પણ નથી.

મિતાલી રાજને ઘણા લેડી સચિન તેંડુલકર પણ કહે છે કેમ કે, મિતાલીની ક્રિકેટ કારકિર્દી પણ સચિન તેંડુલકર જેટલી જ લાંબી છે, યશસ્વી છે.  ભારતે ઘણા મહાન ક્રિકેટર આપ્યા પણ સચિન તેંડુલકર ભારત માટે એક માત્ર એવો પુરૂષ ક્રિકેટર છે જે છ વર્લ્ડ કપમાં રમ્યો છે. સચિન તેંડુલકર ભારત તરફથી ૧૯૯૨માં પહેલો વર્લ્ડકપ રમ્યો હતો ને એ પછી ૨૦૧૧ સુધી દરેક વર્લ્ડ કપમાં સચિન ભારતીય ક્રિકેટ ટીમનો સભ્ય હતો. આ છ વર્લ્ડ કપની લાંબી કારકિર્દી દરમિયાન સચિનની કારકિર્દીના છેલ્લા વર્લ્ડ કપમાં ભારત ૨૦૧૧માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ભારતે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચેલો. સચિન વરસોથી જે સપનું જોતો હતો એ ૨૨ વર્ષની કારકિર્દી પછી સાકાર થયું હતું.

મિતાલી પણ તેની ૨૨ વર્ષની કારકિર્દીમાં ભારત માટે છ વર્લ્ડ કપ રમી હતી. મિતાલી  ૨૦૦૦માં ભારત માટે પહેલો વર્લ્ડ કપ રમી હતી.  ત્યાર પછી ૨૦૦૫, ૨૦૦૯, ૨૦૧૩, ૨૦૧૭ અને ૨૦૨૨માં પણ મિતાલી ટીમ ઈન્ડિયા માટે રમી અને ઈતિહાસ રચી ગઈ. જો કે, મિતાલી સચિનની જેમ વર્લ્ડ કપ વિજયનું સપનું સાકાર ના કરી શકી.
મિતાલી મેચરમી તેમાંથી ૨૦૦૫ અને ૨૦૧૭માં ભારતની ટીમ ફાઈનલમાં પહોંચેલી પણ જીત ના મેળવી શકી. ૨૦૦૫માં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં આપણે ૯૮ રને ખરાબ રીતે હારેલાં, પણ ૨૦૧૭માં તો ઈંગ્લેન્ડ સામેની ફાઈનલમાં જીતના આરે આવીને માત્ર ૯ રને હારી ગયેલાં. મિતાલી રાજ બંને વાર કેપ્ટન હતી, પણ કમનસીબે ભારતેન વર્લ્ડ કપ ના અપાવી શકી.

આ બંને ફાઈનલમાં ૨૦૦૫ની ફાઈનલ ભૂલી જવા જેવી છે, પણ ૨૦૧૭ના વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમે જોરદાર રમત બતાવેલી.  મિતાલી રાજની ટીમ બહુ સારું રમી હતી ને છેક જીતના આરે આવીને હારી હતી. ઈંગ્લેન્ડ સામેની ફાઈનલમાં પૂનમ રાઉતે મર્દાના બેટિંગ કરીને ભારતને જીતના આરે લાવીને મૂકી દીધેલું. પૂનમે ઈંગ્લેન્ડની બોલરોનાં છોતરાં ફાડી નાખેલાં. જો કે, પૂનમને ૯૫ રને શંકાસ્પદ રીતે આઉટ અપાઈ ને આપણું પતન શરૂ થયું. રીપ્લે પરથી સ્પષ્ટ દેખાતું હતું કે, આ અમ્પાયરની ભૂલ હતી. બાકી હતું તે પૂનમે તાત્કાલિક રિવ્યૂ લેવાના બદલે અનિર્ણાયકતા બતાવી તેના કારણે ભારત હારી ગયેલું.  પૂનમ તરત રિવ્યૂ માગવાના બદલે સામે ઊભેલી વેદા કૃષ્ણમૂર્તિ સાથે ચર્ચા કરવા ગઈ  તેમાં રિવ્યૂ માગવા માટે નક્કી કરેલો સમય પતી ગયો હતો.

પૂનમે રિવ્યૂ માગ્યો પણ અમ્પાયરે ઘસીને ના પાડી દીધી. ભારતે બહુ ઓછા રન કરવાના હતા એ જોતાં પૂનમ ઊભી રહી હોત તો ભારત જીતી ગયું હોત. આ ભૂલના કારણે આપણે વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાથી વંચિત રહી ગયા એ મિતાલીની કારકિર્દીમાં સૌથી મોટી નિરાશા હતી. બાકી એ પણ સચિનની જેમ વર્લ્ડ કપ વિજયનું સપનું સાકાર કરીને નિવૃત્ત થઈ શકી હોત. મિતાલીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ભારત દેશનું આટલાં બધા વર્ષો સુધી નેતૃત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. વાસ્તવમાં મિતાલી માટે ભારતને ગર્વ છે. આજે ભારતમાં છોકરીઓ ક્રિકેટને કારકિર્દી તરીકે અપનાવતી થઈ છે તેનું શ્રેય મિતાલી સહિતની ક્રિકેટર્સને જાય છે.