મિથુન ચક્રવર્તીને ફૂડ પોઇઝનીંગ થતાં શૂટિંગ દરમિયાન સેટ પર પડી ગયા, શૂટિંગ અટક્યું

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મ ’ધ કાશ્મીર ફાઈલ્સ’નું શૂટિંગ નવેમ્બર મહિનાથી મસૂરીમાં શરૂ કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પુનીત ઈસ્સાર મહત્ત્વના રોલમાં છે. શનિવાર, ૧૯ ડિસેમ્બરના રોજ મિથુનદા મસૂરીમાં આઉટડોર શૂટિંગ કરતાં હતાં. આ સમયે અચાનક જ તેમની તબિયત લથડી હતી. સૂત્રોના મતે, મિથુન ચક્રવર્તીને અચાનક જ ફૂડ પોઇઝનીંગ થયું હતું અને સેટ પર શૂટિંગ દરમિયાન પડી ગયા હતા. ડિરેક્ટર વિવેકે તાત્કાલિક શૂટિંગ અટકાવવાનો નિર્ણય લીધો હતો. મિથુન ચક્રવર્તીએ શૂટિંગ પૂરું કરવાનો આગ્રહ કર્યો હતો. વિવેક અગ્નિહોત્રીએ કહૃાું હતું, ’અમે ફિલ્મની એક્શન સીક્વન્સનું શૂટિંગ કરતાં હતાં.

શૂટિંગમાં મિથુન ચક્રવર્તીનું પાત્ર સેન્ટરમાં હતું, પરંતુ અચાનક જ તેમની તબિયત બગડી હતી. તેમને ફૂડ પોઇઝનીંગ થયું હતું. તેઓ વ્યવસ્થિત રીતે ઊભા પણ રહી શકે તેમ નહોતાં. જોકે, તેમણે થોડો સમયનો બ્રેક લીધો અને પછી આખું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. તેમની તબિયત એ હદે ખરાબ હતી કે કોઈ પણ શૂટ કરી શકે નહીં. જોકે, તેમણે સીન પૂરો કર્યો. આથી જ તેઓ સુપરસ્ટાર છે.

તેઓ મને સતત કહેતાં હતાં કે છેલ્લાં ઘણાં વર્ષથી તેઓ બીમાર પડ્યા નથી. તેઓ સતત મને પૂછતા હતા કે તારું શૂટિંગ અટકી નથી પડ્યું ને? મને સાચે જ નવાઈ લાગી હતી, કારણ કે મેં ક્યારેય નવી જનરેશનને આટલાં ડેડિકેશનથી કામ કરતાં જોઈ નથી. વધુમાં વિવેકે કહૃાું હતું, ’મિથુનદા પોતાના કામ અંગે ઘણાં જ ફોકસ છે અને પ્રોફેશનલ એક્ટર છે, આ જ કારણે તેઓ સુપરસ્ટાર છે. જ્યારે તેઓ રવિવારે સેટ પર પરત આવ્યા ત્યારે તેઓ એનર્જીથી ભરપૂર જોવા મળ્યાં હતાં અને બધા સ્પીડમાં કામ કરે તે વાતનું ધ્યાન રાખ્યું હતું. મિથુન ચક્રવર્તી જેવા કલાકારો યુનિટ માટે સંપત્તિ સમાન છે.’