મુંબઇમાં અનારાધાર વરસાદ: ૧૧ ઇંચ વરસાદથી શહેર પાણી-પાણી

 • દાદર, કુર્લા સ્ટેશન પર ભરાયા પાણી, વરસાદે ૨૬ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
  મુંબઇ,
  મુંબઇમાં મોડીરાતથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહૃાાં છે. ત્યારે અનેક લોકો રેલવે સ્ટેશન પર પણ ફસાયા છે.
  મુંબઇમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયાં છે. દાદર, કુર્લા સ્ટેશન, ચેમ્બુરમાં સોસાયટીમાં પાણી ભરાયા છે. ગોરેગાવ, સાયન રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાયું છે. ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેની ૪ લાઇન ઠપ જોવા મળી છે. જો કે હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે સાંજથી બુધવાર સવાર સુધીમાં ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે એટલે કે ૨૮૬.૪ મીમી વરસાદ થયો છે. ૨૪ કલાકનાં આ મુશળધાર વરસાદને કારણે છેલ્લા ૨૬ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.
  હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આ વરસાદ ૨૬ વર્ષ (૧૯૯૪-૨૨૦૨૦) માં ૨૪ કલાકનો સપ્ટેમ્બરનો બીજો સૌથી મોટો વરસાદ છે. આ સિવાય, ૧૯૭૪ સુધીનો રેકોર્ડ જોઇએ તો સપ્ટેમ્બરમાં ૨૪ કલાકનો ચોથો સૌથી મોટો વરસાદ છે. વળી મંગળવારે સવારે ૮.૩૦ થી બુધવારે સવારે ૮.૩૦ સુધી, સાંતાક્રૂઝ વેધર સેન્ટરમાં ૨૭૩.૬ મીમી, જ્યારે દક્ષિણ મુંબઈનાં કોલાબા સેન્ટરમાં ૧૨૨.૨ મીમી વરસાદ નોંધાયો હતો.
  મહારાષ્ટ્રમાં મુંબઇના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયેલા જોવા મળ્યાં છે. મંગળવારે મુંબઇના ગોરેગાવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યાં છે. આમ ભારે વરસાદના પગલે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં લોકલ ટ્રેન અને બસ સેવા પ્રભાવિત થઇ છે.
  મુંબઇમાં થયેલ ભારે વરસાદના કારણે સાયન રેલવે સ્ટેશન પર યાત્રીઓ ફસાઇ ગયા, સતત પડી રહેલા અવિરત વરસાદના કારણે પરિસ્થિતિ એવી થઇ ગઇ કે પ્લેટફોર્મ સુધી પાણી આવી ગયેલું જોવા મળ્યું. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.