મુંબઇમાં પોલીસ આમંત્રણ શીલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અર્જુન તેંડુલકરનો ઓલરાઉન્ડ દેખાવ

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે મુંબઈમાં ૭૩મો પોલીસ આમંત્રણ શીલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટના ગૃપ-એના બીજા રાઉન્ડની મેચમાં ૩૧ બોલમાં નોટ આઉટ ૭૭ રનની ઈનિગ રમી હતી. સાથે તેમણે ૪૧ રન આપીને ૩ વિકેટ પણ લીધી હતી. તેના આ ઓલરઉન્ડર દેખાવ બદલ એમઆઈજી ક્લબે ઈસ્લામ જિમખાનાને ૧૯૪ રને હાર આપી હતી.

આ ટૂર્નામેન્ટ મુંબઈ ક્રિકેટ સંઘ દ્વારા આયોજન કરવામાં આવી છે અને કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદ શહેરમાં પહેલી કોઈ ટૂર્નામેન્ટનું આયોજન થયુ છે. ૨૧ વર્ષના અર્જુને પોતાની શાનદાર પારી દરમિયાન ૫ સિક્સ અને ૮ ફોર ફટકારી હતી. તેમણે ઓફ સ્પિનર હાશિર દાફેદારની એક જ ઓવરમાં ૫ સિક્સર ફટકારી દીધી હતી.

અર્જૂને તાજેતરમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમીને મુંબઈની સિનિયર ક્રિકેટ ટીમમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમને ૧૮ ફેબ્રઆરીના રોજ ચેન્નાઈમાં થનાર આઈપીએલની હરાજીમાં સામેલ કરાયો છે. અર્જુનનો સમાવેશ ૨૦ લાખની બેઝ પ્રાઈઝમાં કરવામાં આવ્યો છે.

આ મેચમાં અર્જુનની શાનદાર બેટિંગ ઉપરાંત ઓપનર બેટ્સમેન કેવિન ડીએલમેડા ૯૬ અને ચોથા નંબરના બેટ્સમેન પ્રગનેશ ખાંડિલેવાર ૧૧૨ રન બનાવી એમઆઈજીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલી એમઆઈજીએ ૪૫ ઓવરમાં ૭ વિકેટે ૩૮૫ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. તેના જવાબમાં ઈસ્લામ જીમખાનાની ટીમ ૪૧.૫ ઓવરમાં માત્ર ૧૯૧ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.