મુંબઈથી સ્પેશ્યલ ટ્રેનમાં વતનીઓને પરત લાવતું જિલ્લા વહીવટી તંત્ર

અમરેલી,જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ્અપિ ગરિયસિ અર્થાત જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ અધીકપ્રિય અને ચઢિયાતા છે. આપણા દેશની સંસ્કૃતિ વેદકાળથી આમ કહેતી આવી છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધુ મધુર છે. પરંતુ ખરેખર તો જે લોકો જન્મભૂમિથી માઈલો દૂર વ્યવસાય અર્થે વસવાટ કરતાં હોય છે તેવા વસાહતીઓ જ જન્મભૂમિની મહત્તાને વધુ ગાઢ રીતે અનુભવી શકે છે. ગુજરાતથી દૂર વસતા લોકોને મન પણ જન્મભૂમી કંઇક વિશેષ મહત્વ ધરાવે છે. ગુજરાતમાંથી વ્યવસાય અર્થે મુંબઈ ગયેલા અમરેલી સહિત નજીકના વિવિધ જિલ્લાના નાગરિકો હાલ કોરોનાની વ્યાપકતાના પગલે વતન તરફ વળી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનમાં પોતાના વતનથી દૂર વસતાં લોકોને તેમના ઘરે પહોંચાડવાની ઉત્કૃષ્ટ કામગીરી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.આ અંગે વાત કરતા સાવરકુંડલાના પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલે જણાવ્યું હતું કે ધંધા, રોજગાર, વ્યવસાય અર્થે મુંબઈ ગયેલા આશરે 1300થી વધુ અમરેલી સહિતના જૂનાગઢ, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાના વતનીઓને પોતાનાં માદરે વતન પરત પહોંચાડવા માટે અમરેલી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્વયે મુંબઈથી સાવરકુંડલા સુધી ટ્રેન મારફતે અને ત્યારબાદ બસ દ્વારા તમામ લોકોને તેમનાં ગામડે પહોંચાડવાનું પણ સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. સાવરકુંડલાના રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચતાની સાથે જ પોલીસની ટુકડીઓ ટ્રેનના દરેક દરવાજા પર તૈનાત કરવામાં આવ્યા છે જેથી રેલવે સ્ટેશન પર સોશિયલ ડિસ્ટનસિંગના નિયમનું પૂર્ણત: પાલન થઈ શકે. ત્યારબાદ એનાઉન્સમેન્ટ દ્વારા ક્રમશ: અલગ અલગ ગામના વતનીઓને બહાર બોલાવી સૌપ્રથમ તેમનું તેમજ તેમના સામાનને સંપૂર્ણપણે સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. ત્યારબાદ તમામ મુસાફરોની આરોગ્ય તપાસ કરીને તેમને પોતપોતાના ગામની બસમાં બેસાડવામાં આવ્યા છે. ત્યાં સુધી અન્ય મુસાફરો ટ્રેનમાં જ બેસી પોતાની બસની એનાઉન્સમેન્ટ થવાની રાહ જોઈ રહ્યાં છે. આ પ્રકારની વ્યવસ્થાથી રેલવે સ્ટેશન પર લોકોની જરાપણ ભીડ જમા થઈ નથી. આ તમામ કાર્યવાહીમાં વતન પરત ફરેલા લોકોનો સાથ સહકાર પણ સારો મળ્યો છે.
જિલ્લાવાસીઓને પોતાનાં વતન પરત લાવવાની રાજ્ય સરકારની આ કામગીરી ખરેખર પ્રસંશનીય છે. આ સમગ્ર કામગીરી દરમિયાન નિયમોના પાલન કરવવા માટે સરકારી કર્મચારીઓની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી હતી.
વતન પહોંચવાના રાજીપા સાથે એક પ્રવાસીએ લાગણીસભર અનુભવોને શબ્દોમાં આલેખતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને અમરેલી જિલ્લા વહીવટી તંત્રના આ સુચારુ આયોજન થકી જ અમે આ કપરી પરિસ્થિતિમાં પણ આજ અમારે વતન પહોંચી શક્યા છીએ. અમરેલી આવવા ટ્રેનમાં બેસતાં પૂર્વે બોરીવલી રેલવે સ્ટેશન પર પણ અમારી સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. અને સાવરકુંડલા પહોંચ્યા બાદ પણ સૌપ્રથમ અમારા સામાન સહિત અમને સેનેટાઈઝ કર્યા બાદ આરોગ્ય તપાસ કરી અને અમને અમારા ગામ જવા માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉનાળાના તાપને કારણે અમને તકલીફ ન પડે તે માટે રેલવે સ્ટેશન પર લીંબુ શરબત અને પાણીની પણ વ્યવસ્થા કરી હતી. તમામ આયોજન બદલ અમે સરકારના આભારી છીએ. આ સમયે અમરેલી જિલ્લા માં પરત ફરેલા જિલ્લાવાસીઓના ચહેરા પરનો ઝગમગાટ જાણે કહી રહ્યો છે,એવી આ જન્મભૂમિને સો સો પ્રણામ