મુંબઈની ઝૂંપડપટ્ટીના ૫૭% લોકો, અન્ય વિસ્તારના ૧૬% લોકો કોરોનાથી સંક્રમિત

 • મ્યુનિસિપાલિટી અને અન્ય સંસ્થાએ સર્વે કર્યો
 • સર્વેના આધારે કોરોનાના કુલ આંકડા કરતા વધુ લોકો સંક્રમિત થયા હોવાની ભીતિ

  મુંબઇ,
  મહારાષ્ટ્રના મુખ્ય મથક એવા મુંબઈમાં કોરોના સંક્રમણ અંગે હાથ ધરાયેલા એક અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા ૫૭ ટકા લોકો જ્યારે અન્ય વિસ્તારના ૧૬ ટકા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. લોહીના નમૂના લઈને કરાયેલા સર્વેમાં ઝૂંપડપટ્ટીમાં અડધો અડધી વધુ લોકોમાં જ્યારે અન્ય વિસ્તારમાં ત્રણ વોર્ડમાં રહેતા ૧૬ ટકા લોકોમાં એન્ટી બોડી વિકસી હોવાનું માલૂમ પડ્યું હતું.
  બૃહમુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૩ જૂનથી હાથ ધરાયેલા સીરો-સર્વેલન્સમાં કુલ ૮,૮૭૦ સેમ્પલ પૈકી ૬,૯૩૫ સેમ્પલ ઝૂંપડપટ્ટી વસ્તારમાંથી અને ત્રણ સિવિક વોર્ડ આર-નોર્થ, એમ-વેસ્ટ તેમજ એફ-નોર્થમાંથી લેવામાં આવ્યા હતા. જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી આ કામગીરી કરવામાં આવી હતી. આ તમામ સેમ્પલની ચકાસણી પરથી જાણવા મળ્યું કે કોરોનાના દર્શાવવામાં આવેલા આંકડા પૈકી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની સંભાવના છે. આ ઉપરાંત સંક્રમિતો પૈકી મોટાભાગના લોકોમાં લક્ષણવગરનો કોરોના હોવાનું પણ જણાયનું હતું,
  સીરો-સર્વેલન્સ એ લોહીના નમૂનાની તપાસ છે જેમાં કોઈ વ્યક્તિમાં અગાઉ આ બીમારી થઈ હતી કે કેમ તેનો અંદાજ મેળવી શકાય છે. સર્વે મુજબ ૫૭ ટકા ઝૂંપડપટ્ટીમાં રહેલી વસ્તી અને ૧૬ ટકા અન્ય વિસ્તારમાં રહેતી વસ્તી કોરોના સંક્રમિત મળી આવી હોવાનું બીએમસીએ જાણ્યું હતું.
  આ સર્વેલન્સ મુજબ એસિમ્પ્ટોમેટિક કેસો સૌથી વધુ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત પુરૂષોની તુલનાએ મહિલાઓમાં કોરોના સંક્રમણ વધુ ફેલાયું છે. બીએસઈના મેત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાવવાનું પ્રમાણ ઊંચું હોવા પાછળ ત્યાંની ગીચતા અને લોકો દ્વારા ટોયલેટ અને પાણીના રુાોત માટે એક જ સામાન્ય વ્યવસ્થા જવાબદાર પરિબળો છે.
  સીરો-સર્વેલન્સ સર્વે મુજબ એક તારણ એવું પણ જણાયું છે કે ઈન્ફેક્શન ફેટાલિટી રેટ (મૃત્યુદર) ખૂબ જ નીચો ૦.૦૫-૦.૧૦ ટકા જણાયો છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નીચા મૃત્યુદર પાછળ લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું થતું યોગ્ય પાલન તેમજ માસ્ક અને હાઈજિન સહિતની તકેદારી પણ મહત્વનું પરિબળ હોવાનું જણાય છે. ૨૮ જુલાઈના રોજ મુંબઈમાં કુલ ૧,૧૦,૮૪૬ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે અને કુલ ૬,૧૮૪ લોકોના મોત થયા હોવાનું સરકારી ડેટા પરથી જણાયું છે.