મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે તિલકવાડા ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે કિસાન સૂર્યોદય યોજનાનો તિલકવાડા ખાતેથી શુભારંભ કરાયો છે. પાણી પુરવઠાની રૂપિયા ૧૫૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના ૩૯ ગામોને સિંચાઇ માટે દિવસે વીજળી મળશે. રાજ્યભરના ૨૭૦૨ ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા ચરણમાં સમાવાશે ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રથમ તબક્કામાં તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો.

જેનાથી નર્મદા જિલ્લાના ૩૯ ગામના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે. આ યોજનાના બીજા ચરણમાં પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને એસજીવીસીએલના વિસ્તારના કુલ ૨૭૦૨ ગામોના ખેડૂતોને કુલ ૯૫૩ ખેતી વિષયક ફીડરોના ૨.૨૪ લાખથી વધુ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવશે. તિલકવાડાની કે.એમ.શાહ હાઇસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ઉર્જા રાજ્યમંત્રી પ્રદિપિંસહ જાડેજા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, જિલ્લાના પ્રભારી મંત્રી અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, સંસદસભ્ય ગીતાબેન રાઠવા નર્મદા જિલ્લા મહામંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.